લેસ્ટરઃ ભારતની કેટલીક ગરીબ કોમ્યુનિટીઓમાંથી આવેલાં બાળકોએ લેસ્ટર માર્કેટમાં ઘરવિહોણા લોકોને ભોજન આપતી ચેરિટી મિડલેન્ડ્સ લંગર સેવા સોસાયટી (MLSS)ના સ્વયંસેવકોને મદદનો હાથ લંબાવ્યો હતો. જય જગતના બાળકોએ જે લોકો માર્કેટમાં આવી શક્યા નહિ તેમના માટે ફૂડ પાર્સલ પણ પેક કર્યાં હતાં, જે સિટી સેન્ટર લઈ જવાયા હતા. અમદાવાદથી આવેલા બાળકોને માનવ સાધના ચેરિટીએ મદદ કરી હતી, જેને DMUના સ્ક્વેર માઈલ ઈન્ડિયા પ્રોગ્રામ અન્વયે વિદ્યાર્થીઓ અને સ્ટાફે સપોર્ટ કર્યો હતો.
ગુજરાતના અમદાવાદથી આવેલાં ૧૭ બાળકોએ ઘરવિહોણા અને જરુરિયાતમંદ લોકોને મદદ કરવામાં ચેરિટીને સાથ આપ્યો હતો. MLSSના રાજદીપ જોહલે જણાવયું હતું કે,‘તેઓ અમને મદદ કરવા આવ્યાં તે ખરેખર અભૂતપૂર્વ છે. નાના બાળકો પાસે આવા કાર્ય માટે સંસ્થા હોય અને તેઓ છેક ક્યાંથી આવે છે તે સમજાય તે પણ અદ્ભૂત છે.’
અહીં જે લોકો દાન મેળવવા અથવા ગરમ ભોજન માટે આવ્યા હતા, તેઓએ બાળકોને ભેટી તેમના માનવતાપૂર્ણ અભિગમ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ ગરમ ભોજનમાં પિઝા, સમોસા, ફળ, બ્રેકફાસ્ટ બાર, ઠંડા અને ગરમ પીણાંનો સમાવેશ થયો હતો. છબીલ ડેએ શીખ ગુરુના સ્મરણાર્થે ઠંડા પીણાંની વ્યવસ્થા થઈ હતી જ્યારે ગરમ ભોજનનું દાન એક શીખ પરિવારે કર્યું હતું.
MLSS દ્વારા આશરે સાડા ચાર વર્ષ અગાઉ ઘરવિહોણા અને જરુરિયાતમંદ લોકોને ભોજન આપવાની શરૂઆત કરાઈ હતી. તેઓ દર શનિવારે રાતના ૭થી ૮ અને રવિવારે સાંજના પથી ૬ દરમિયાન ભોજન પુરું પાડે છે. હવે તેઓ શુક્રવારે પણ રાતના ૭થી ૮ સુધી સેવા આપશે. આનો અર્થ એ છે કે ઘરવિહોણા અને જરુરિયાતમંદ લોકોને સપ્તાહમાં ત્રણ દિવસ ભોજન મળી રહેશે. યુનિવર્સિટી ઓફ લેસ્ટરના વિદ્યાર્થીઓ અને ડી મોન્ટફર્ટ યુનિવર્સિટી લેસ્ટર (DMU) સહિત શીખ સમુદાયોના સ્વયંસેવકો દર સપ્તાહે MLSSને સેવા આપે છે.