લંડનઃ પુરુષ પ્રેમી સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ગત મે મહિનામાં ૩૪ વર્ષીય પત્ની જેસિકા પટેલની હત્યા કરવાના આરોપી ફાર્માસિસ્ટ મિતેશ પટેલે ટેસાઈડ ક્રાઉન કોર્ટને જણાવ્યું હતું કે તે જેસિકાને પ્રેમ કરતો હતો અને તે ‘શ્રેષ્ઠ જીવનસાથી’ હતી. બે મિલિયન પાઉન્ડના લાઈફ ઈન્સ્યુરન્સનો ક્લેઈમ કરવા પત્નીની ગળું દબાવીને હત્યા કરવાના આરોપને મિતેશ પટેલે નકાર્યો હતો. ટ્રાયલ હજુ ચાલુ છે.
મિતેશે હત્યાના ચાર દિવસ પછી ડિટેક્ટિવ્સને જણાવ્યું હતું કે, ‘અમારી પોતાની ફાર્મસી હોવી જોઈએ તેમ અમે એકબીજાને કહેતા રહેતા હતા. આ અમારું સ્વપ્ન હતું. અમારે અન્ય સાથીની જરુર ન હતી. તે મારી શ્રેષ્ઠ જીવનસાથી હતી. તે મારી પત્ની હતી. અમે અમારા નાનકડા જગતમાં ખુબ સુખી હતા.’ મિતેશે પોલીસને જણાવ્યું હતું કે તેઓ બંને સંતાનસુખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જેસિકાએ IVF સારવારની ત્રણ સાયકલ પૂરી કરી હતી. આના કારણે તેની પત્ની ચિંતાતુર હતી અને તેનું વજન ઘટ્યું હતું. તેણે પત્નીને ચિંતા ન કરવા અને IVF નિષ્ફળ જાય તો સરોગસી કે બાળક દત્તક પણ લઈ શકાશે તેમ સમજાવી હતી.
તેણે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે ડેટિંગ એપ ગ્રિન્ડર દ્વારા પુરુષો સાથે તેની મુલાકાતો વિશે પત્નીને જાણ કરી હતી. આની ચર્ચા ક્ષોભજનક હતી પરંતુ જેસિકા તે જાણતી હતી અને તેઓ બંને ભૂતકાળને ભૂલી જવા સંમત થયાં હતાં.
પોલીસ મિતેશની ધરપકડ કરવા હેલિફેક્સ ગઈ ત્યારે પ્લાસ્ટિક બેગમાં ૨૦૦૦ પાઉન્ડની રોકડ મળી હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું. આ ઉપરાંત, મિડલ્સબરોની ફાર્મસીની સેફમાંથી ૨૫,૦૦૦ પાઉન્ડ, સોના-ચાંદીની જ્વેલરી, ઘડિયાળો, કોઈન્સ અને કિંમતી રત્નો પણ મળ્યાં હતાં.