પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ બોબ બ્લેકમેન, કેમિલા રોબર્ટસન અને અમીત જોગીઆની સાથે નિસડન મંદિરની મુલાકાત લીધી હતી. સુનાકે સાંધ્યસભામાં આપેલા પ્રવચનમાં અમીત જોગીઆનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સુનાકે જણાવ્યું હતું કે,‘ આનંદ છે કે અમીત જોગીઆ પણ અહીં હાજર છે. તમે જાણો છો તેમ નાના બાળક તરીકે અમીતનો ઉછેર પણ આ મંદિરની આસપાસ જ થયો છે પરંતુ, તેણે મારા માટે ડાઉનિંગ સ્ટ્રીટમાં પણ કામ કર્યું છે. તમે જાણો છો તેમ તે પાર્લામેન્ટમાં અદ્ભૂત મેમ્બર બની શકશે. તે ભારે મહેનતુ છે. તમારામાંથી ઘણા તેને આગામી દિવસોના ઈલેક્શનમાં ચૂંટી લાવશો તો મને અને અક્ષતાને ભારે આનંદ થશે. કારણકે અમારે પાર્લામેન્ટમાં અમીતની જરૂર છે.’
અમીત જોગીઆ હેન્ડોન પાર્લામેન્ટ મતક્ષેત્ર માટે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે. તેમણે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન સહિતના પદો પર સેવા અને લોર્ડ ડોલર પોપટની ટ્રેડ એન્વોય તરીકે કામગીરીમાં પણ સપોર્ટ આપ્યો છે. અમીતે 2014માં હેરોમાં કેનન્સ વોર્ડના સૌથી યુવાન કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવવા સાથે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો. બ્રિટિશ રાજકારણ અને કોમ્યુનિટી સંવાદિતા માટે નોંધપાત્ર યોગદાનની કદર કરી અમીત જોગીઆને 2022માં MBE ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું છે.