અયોધ્યા: ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહને આગામી વર્ષે 22 જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ થશે. જોકે આ દિવસે અયોધ્યામાં કોઇ આયોજન કરાશે નહીં. સોમવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની અધ્યક્ષતામાં મળી હતી. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરી એ અંગ્રેજી તારીખ છે, જ્યારે હિન્દુ ધર્મમાં તિથિના આધારે તહેવારો ઉજવવાની પરંપરા છે. તેથી 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પાટોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. રામલલ્લાના અભિષેકનો દિવસ પોષ સુદ દ્વાદશી હતો, જેને કૂર્મ દ્વાદશી પણ કહેવામાં આવે છે. તેથી, પ્રાણ-પ્રતિષ્ઠા પાટોત્સવ કાર્યક્રમ પોષ શુક્લ દ્વાદશીના રોજ ઉજવવામાં આવશે. જે 2025માં 11 જાન્યુઆરીના રોજ છે. સંતોએ આ ઉત્સવને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ નામ આપ્યું છે. પ્રથમ વર્ષે આ તહેવાર ત્રણ દિવસનો હશે. પ્રથમ વર્ષના અનુભવના આધારે તેને 4 કે 5 દિવસ સુધી વધારી શકાય છે.