લંડનઃ દિવંગત ભારતવંશી અરવિંદ ઓઝાના સુંદર સ્કેચીઝ અને ઓઈલ પેઈન્ટિંગ્સનું પ્રદર્શન ઓપન ઈલિંગ, ડિકન્સ યાર્ડ ઈલિંગ ખાતે 7 એપ્રિલથી 28 એપ્રિલના ગાળામાં યોજાઈ રહ્યું છે. પ્રદર્શન નિહાળવા માટે પ્રવેશ નિઃશુલ્ક છે. આ પ્રદર્શન 8,9,10 અને 12 એપ્રિલ તેમજ રવિવાર 14,21 અને 28 એપ્રિલના રોજ નિહાળી શકાશે. તેમના ચિત્રોમાં સનાતન ધર્મની અસર સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
અરવિંદભાઈ ઓઝા (1928 – 2013) નો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં 1928ની 20મી એપ્રિલે થયો હતો. તેમના પેરન્ટ્સે ગુજરાતથી યુગાન્ડામાં સ્થળાંતર કર્યું હતું. અરવિંદભાઈએ વડોદરામાં પ્રખ્યાત કલાગુરુ રવિશંકર રાવલના માર્ગદર્શન હેઠળ કલાભ્યાસ કર્યો હતો. તેમણે પાછળથી યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલમાં કળાશિક્ષણ લઈ ડિપ્લોમા ઈન આર્ટ્સ મેળવ્યો હતો. તેઓ ઘણાં વર્ષો સુધી યુગાન્ડાના જિન્જાની સેકન્ડરી સ્કૂલમાં આર્ટ ટીચર રહ્યા હતા. આ ગાળા દરમિયાન તેમના પેઈન્ટિંગ્સનાં અનેક પ્રદર્શનો પણ યોજાયાં હતાં. તેઓ 1968માં લંડન આવ્યા હતા અને છેક સુધી સિવિલ સર્વિસમાં ફરજની સાથોસાથ સુંદર સ્કેચીઝ, ઓઈલ પેઈન્ટિંગ્સ પણ બનાવતા રહ્યા હતા.
તેમના પેઈન્ટિંગ્સ યુગાન્ડા અને ભારતમાં તેમના જીવનના સંભારણા તેમજ વડોદરા અને બ્રિસ્ટોલમાં કળાના અભ્યાસથી પ્રભાવિત રહ્યા છે. તેમણે હિન્દુઈઝમ, ભારતીય કળા અને ઈતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેમના ઘણાં પેઈન્ટિંગ્સમાં આ વિષયો પર તેમના અભ્યાસનું પ્રતિબિંબ પડે છે.
વધુ માહિતી માટે ધીરેન ઓઝાનો સંપર્ક [email protected] પર સાધી શકાશે.