અલ્ઝાઈમરગ્રસ્ત પેન્શનર સાથે મહિલાની હજારો પાઉન્ડની ઠગાઈ

Thursday 24th September 2020 06:04 EDT
 
 

લેસ્ટરઃ સમાજની આંખો ખોલે તેવી ઘટનામાં સુસાન ગેરી નામની મહિલાએ પોતે ઘરવિહોણી હોવાનું જણાવી અલ્ઝાઈમરગ્રસ્ત પેન્શનરને ભોળવી તેની સાથે કુલ ૪૫,૦૦૦ પાઉન્ડની ઠગાઈ કરી હતી. તેણે વૃદ્ધ વ્યક્તિને શિકાર બનાવ્યાની આ બીજી ઘટના છે. ગેરીએ તાજેતરમાં વિધુર બનેલા ૭૨ વર્ષીય પેન્શનરની સહાનુભૂતિ મેળવવા તેમની સાથે બનાવટી પ્રેમ અને તદ્દન જૂઠાણાનો ઉપયોગ કર્યો હતો અને મોટી રકમો પડાવી હતી. ગેરીએ માર્ચ અને જુલાઈ વચ્ચે ૮,૧૫૦ પાઉન્ડની ચોરી અને ફ્રોડના ગુનાની કબૂલાત કર્યાં પછી લેસ્ટર ક્રાઉન કોર્ટે તેને ૨૨ મહિનાની જેલની સજા ફરમાવી હતી.

ગેરીએ આ વૃદ્ધ પેન્શનરને ટેક્સ્ટ મેસેજ પાઠવી તેને પ્રેમ કરતી હોવાનું અને તેની સાથે રહેવા ઈચ્છતી હોવાનું જણાવ્યું હતું. ખરેખર તો તે પોતાના પાર્ટનર સાથે રહેતી હતી પરંતુ, ઘરવિહોણી હોવાનું કહી તેણે પોતાના શિકારને ભોળવ્યો હતો. ગેરીએ પોતાના પાર્ટનરને એક મેસેજમાં લખ્યું હતું કે તે વૃદ્ધ પર ગુસ્સે હતી કારણકે તે દિવસે તેણે ૧૦૦ પાઉન્ડ જ આપ્યા હતા. અલ્ઝાઈમરગ્રસ્ત પેન્શનરે કહ્યું હતું કે તે દયાથી પ્રેરાઈ ગેરીને સ્વેચ્છાએ નાણા આપતો હતો અને ૪૫,૦૦૦ પાઉન્ડની રકમ ગેરી વિરુદ્ધ કેસનો હિસ્સો ન હતો. પ્રોસિક્યુશનના લિસા હાર્ડીએ જણાવ્યું હતું કે નાણાકીય ભેટ મળવાનું બંધ થતાં ગેરીએ તે પેન્શનરના મોબાઈલ પોન અને બેન્ક કાર્ડની ચોરી કરી હતી તેમજ ૮,૧૫૦ પાઉન્ડ ખોટી રીતે મેળવ્યાં હતાં. પેન્શનરને કાર્ડ ખોવાઈ ગયાનું લાગ્યું હતુ પરંતુ, ગેરી તેનો ખોટી રીતે નાણા ઉપાડવામાં ઉપયોગ કરતી CCTV માં ઝડપાઈ હતી. પોલીસને તેના આઈલસ્ટોન ઘરમાંથી પેન્શનરના બેન્ક કાર્ડ્સ અને કારની ચાવી મળી આવ્યા હતા.

પેન્શનર પિતાના એક એકાઉન્ટ પર પાવર ઓફ એટર્ની ધરાવતી દીકરીએ તેના પિતાનું દેખીતું શોષણ થતું જોઈને CCTV ઈન્સ્ટોલ કરાવ્યા હતા અને ગેરી સાથે તેમનો સંપર્ક ન થાય તેવો પ્રયાસ કર્યો હતો. પેન્શનર પોતાની ઓળખ છુપાવનારી ગેરીને ‘બેલિન્ડા એમી’ નામથી જ ઓળખતા હતા.

રેકોર્ડર બ્રજરાજ ભાટીઆ QCએ જણાવ્યું હતું કે ઈરાદાપૂર્વક વૃદ્ધ વ્યક્તિને નિશાન બનાવી તેની પાસેથી નાણા પડાવવા બદલ અગાઉ સજા કરાઈ હતી તેના જેવો જ આ કેસ છે. ખરેખર તો તે ડ્રગ્સના વ્યસન માટે નાણા પડાવતી હતી. ગેરીએ અન્ય નિરાધાર વ્યક્તિ પાસેથી ૧૮,૦૦૦ પાઉન્ડની બચત ચોર્યાં પછી ગયા વર્ષે એપ્રિલમાં ૧૨ મહિનાનો કોમ્યુનિટી ઓર્ડર કરાયો હતો અને ડ્રગ રીહેબિલિટેશનમાં મોકલાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter