લેસ્ટરઃ આપણા સમાજમાં ‘કેન્સર એટલે કેન્સલ’ જેવો ભય છવાયેલો છે ત્યારે લેસ્ટરશાયરના કોલવિલેના ઈન્દરજિત બજાજે એશિયન કોમ્યુનિટીમાં સમજ ફેલાય અને આ ભયનો સામનો કરી શકાય તેવું જાગરુકતા મિશન હાથ ધર્યું છે. નોંધવાની બાબત તો એ છે કે ૭૦ વર્ષના ઈન્દરજિત અસાધ્ય કેન્સરથી પીડાઈ રહ્યા છે.
ઈન્દરજિત બજાજને ૨૦૧૮માં દુર્લભ ગણાય તેવું નાકનું કેન્સર જણાયું હતું. રેડિયોથેરાપી અને કીમોથેરાપીના કોર્સ પછી તેમને કેન્સરમુક્ત હોવાનું જણાવી દેવાયું હતું પરંતુ,૨૦૧૯માં કેન્સરની બીમારી પાછી ફરી હતી અને ફેફસામાં ફેલાયેલી હતી. હવે ઈન્દરજિત કેન્સરની ગાંઠોને સૂકવવા અને સંકોચવા રેડિયોથેરાપી અને કીમોથેરાપીના નવા કોર્સમાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, તેમના માટે કેન્સર અસાધ્ય હોવાનું કહી દેવાયું છે.
બીમારીના કારણે ઈન્દરજિતને શ્વાસ અને હલનચલનની સમસ્યા રહેવા છતાં, તેઓ પોતાની સ્થાનિક કોમ્યુનિટીમાં મેકમિલન કેન્સર ચેરિટીનો સંદેશો ફેલાવવામાં વ્યસ્ત રહે છે. ઈન્દરજિત અને તેમની પત્ની સુમને ૧૯ સપ્ટેમ્બર શનિવારે તેમની સ્થાનિક કોમ્યુનિટીના ૧૦૦થી વધુ ઘરમાં પત્રિકાઓ વહેંચી હતી અને કોલવિલેના પોતાના ઘરની બહાર તેમના માટે ટેઈકઅવે મેકમિલન કોફી મોર્નિંગનું આયોજન કર્યું હતું. ઘરમાં બનાવેલી કેક, ચા અને કોફીની લિજ્જત ઉપરાંત, તેમના પરિવારે સમોસા સહિતની ટ્રીટ પણ આપી હતી અને તેમની દીકરી ગીતાંજલી અને જમાઈ પારસે પણ મદદ કરી હતી.
તેઓ લેસ્ટર રોયલ ઈન્ફર્મરી ખાતે મેકમિલન નર્સીસ માટે બેકિંગ કેકની વ્યવસ્થા પણ કરે છે. ઈન્દરજિત બજાજે એશિયન કોમ્યુનિટીમાં કેન્સર બાબતે જાગૃતિ ફેલાવવાનું અને મેકમિલન કેવી મદદ કરી શકે તે જણાવવાનું કાર્ય ઉપાડી લીધું છે. તેઓ ઘરવિહોણા લોકોને મદદ કરવા ફૂડ બેન્કમાં પણ સેવા આપે છે.
ઈન્દરજિત કહે છે કે,‘હું કેટલું લાંબુ જીવીશ તેની મને ખબર નથી પરંતુ, મારું જીવન સંપૂર્ણપણે જીવવા માગું છું. મારું નિદાન કરાયું પછી અમે ભાંગી પડ્યા હતા. કોઈને પણ આવા સમાચાર ગમે નહિ પરંતુ, મને હકારાત્મક લાગણી થાય છે. હું એક લડવૈયો છું.હું મેકમિલનનો ઋણી છું કારણકે મારું નિદાન થયું ત્યારથી તેઓ મારી પડખે રહ્યા છે. મારા મેકમિલન હેડ અને નેક નર્સ ટ્રેસી રોબિન્સન મને મારા પરિવારને તમામ તબક્કે હુંફ અને મદદ આપવામાં આગળ રહ્યાં છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ઘણી એશિયન કોમ્યુનિટીઓમાં અને ખાસ કરીને ૬૦થી વધુ વર્ષના વયજૂથમાં કેન્સરને વાત ન કરી શકાય તેવો વિષય માનવામાં આવે છે. જોકે, યુવાન પેઢી આ બાબતે પારદર્શી છે. હું શીખ મંદિરો અને અન્ય ધર્મસ્થળોની મુલાકાતો લઈ તેમને મેકમિલન અને જીવનના તમામ તબક્કે તેમના દ્વારા અપાતી મદદ વિશે જાગૃતિ ફેલાવવા વાત કરું છું.’