આ છે દરિયાદિલ કોનોલી દંપતીઃ જીતેલા જેકપોટની અડધી રકમની સખાવત

Wednesday 16th December 2020 00:56 EST
 
 

લંડનઃ પોતાના સુખમાં અન્યોને ભાગીદાર બનાવવાનું કાર્ય જૂજ લોકો કરી શકે છે. બ્રિટિશ દંપતી ફ્રાન્સેસ અને પેટ્રિક કોનોલી આવા ગણ્યાગાંઠ્યા લોકોમાં છે. કોવિડના કપરા કાળમાં પોતાની સંપત્તિનો સદુપયોગ કેવી રીતે કરવો તેના માટે આ દંપતીએ ધનવાનોને ઉદાહરણ પુરું પાડ્યું છે. કોનોલી દંપતી ૨૦૧૯ના પ્રથમ દિવસે જ ૧૧૪.૯ મિલિયન પાઉન્ડનો યુરોમિલિયન્સ જેકપોટ જીત્યા હતા.

આ વાત જેકપોટ જીતવાની નથી પરંતુ, આ અધધ.. નાણા મેળવ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો તેની વાત છે. ચેરિટીથીતી અસમાનતા ઘટતી નથી પરંતુ, કોનોલી દંપતીએ નવતર રાહ અપનાવ્યો હતો. તેમણે પોતાના માટે ૧.૯ મિલિયન પાઉન્ડની કિંમતે એક બંગલો ખરીદ્યો અને ત્યાં બાળકોનો ઉછેર કર્યો છે. વધારાની રકમ તેમણે હર્ટલપૂર્લ અને નોર્ધર્ન આયર્લેન્ડની બે ચેરિટીઝમાં ડિપોઝીટ કરી હતી. તેમણે ૫૦થી વધુ, સગાસંબંધી, મિત્રો, પડોશીઓ અને પરિચિતોની યાદી બનાવી હતી. તેમણે આ લોકોના મોર્ગેજીસ ચૂકવી દીધા, ઘર ખરીદ્યા અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બનાવી આપ્યું છે.

આ દંપતીની ઉમદા ભાવના એવી રહી કે તેમણે લગભગ ૬૦ મિલિયન પાઉન્ડના મૂલ્યની ખુશી પ્રાપ્ત કરી છે. આનાથી પણ વધુ ખુશી તેમને એ મળી છે કે તેમણે જેમને મદદ કરી છે તે દરેક લોકોએ પણ તેમાંથી અન્યોને યથાશક્તિ મદદ કરી હતી. તેમણે વિશિષ્ટ ઈન્સ્યુરન્સ પણ લીધો છે જેથી આગામી છ વર્ષમાં તેમનું મૃત્યુ થાય તો તેમણે આપેલી નાણાકીય મદદ મેળવનારને પોતાના કિસ્સામાંથી ટેક્સ ચૂકવવાનો સમય આવે નહિ. ૫૪ વર્ષના ફ્રાન્સેસ કહે છે કે, તેમણે ઘરેણાં ખરીદવામાં એટલી ખુશી નથી થઈ જેટલી બીજાના ચહેરા પર ખુશી જોઈને થઈ.

આ વર્ષે ફ્રાન્સેસ ક્રિસમસમાં સ્થાનિક હોસ્પિટલોમાં રહેવું પડ્યું છે તેવા લોકો માટે ટોઈલેટરીઝની ૧,૦૦૦ ગિફ્ટ્સ તૈયાર કરી રહ્યા છે. આ ઉપરાંત, તેમણે પોતાના અશક્ત પેરન્ટ્સની સેવામાં રહેલા યુવાનો માટે ૩૦ કોમ્પ્યુટર્સ ૨૦ લેપટોપ્સ અને ડઝન્સ વાઈફાઈ ડોંગલ્સ પણ ખરીદ્યા છે જેથી, તેઓ તહેવારના સમયમાં પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter