યુકેમાં થોડા દિવસો અગાઉ નાગરિકોને કોરોના વાઈરસ વિરુદ્ધ સામૂહિક વેક્સિનેશન કાર્યક્રમ શરુ કરાયો તેની સાથે વિશ્વમાં આમ કરનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું છે. યુકે Pfizer-BioNTech કોવિડ -૧૯ વેક્સિનને મંજૂરી આપનારું પ્રથમ રાષ્ટ્ર પણ બન્યું છે જે વેક્સિનનો વિકાસ કરાયો છે તેવા યુએસએ કરતાં પણ આગળ રહ્યું છે. આના થોડા દિવસ પછી US FDA અને કેનેડા દ્વારા પણ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.
યુકેમાં વેક્સિનને મંજૂરી અપાયા પછી ૯૦ વર્ષીય માર્ગારેટ કીનાનને સમગ્ર વિશ્વમાં વેક્સિન અપાઈ હોય તેવી પ્રથમ મહિલા બનવાનું બહુમાન પ્રાપ્ત થયું છે અને વિલિયમ શેક્સપિયર બીજા ક્રમે આવ્યા છે. આ ઘટના લગભગ એક વર્ષથી ભયાનક વાયરસના ઘેરામાં સપડાયેલી સમગ્ર વિશ્વની વસ્તી માટે રાહત લાવનારી બની રહી છે.
આ વાઈરસનો શરુઆતમાં શિકાર બનેલા દેશોમાં યુકે પણ એક છે. પ્રાથમિક તબક્કામાં કેટલાક હાઈ પ્રોફાઈલ કોવિડ -૧૯ વોરિયર્સ પણ જોવાં મળ્યા છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, પ્રિન્સ ચાર્લ્સ અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક લગભગ એક સમયગાળામાં જ વાઈરસનો શિકાર બન્યા હતા. અન્ય કેટલાક દેશોની માફક યુકેએ પણ માર્ચ ૨૦૨૦માં વ્યાપક લોકડાઉન લાદ્યું હતું. વાઈરસનો ફેલાવો થોડા નિયંત્રણમાં આવતો જણાયા પછી, દેશમાં અનલોકિંગ પ્રક્રિયા શરુ થઈ, લોકો પોતાની સાવધાનીમાં જરા હળવા થયા અને સપ્તાહો સુધી જે આઝાદીનો ઈનકાર કરાયો હતો તેને માણવા બહાર આવી ગયા. કોરોના વાઈરસને ફરી પોતાનો પરચો બતાવવામાં જરા પણ વધુ સમય લાગ્યો નહિ અને યુકેમાં વાઈરસના સંક્રમણની બીજી લહેર જોવા મળ્યાં પછી બીજું લોકડાઉન પણ લદાઈ ગયું!
માત્ર યુકે માટે જ આવો અનુભવ રહ્યો નથી. યુરોપના અન્ય કેટલાક દેશોમાં પણ નવેસરથી સંક્રમણ ફેલાયું હતુ. યુએસમાં વાઈરસે તબાહી મચાવવાની ચાલુ રાખી તો મેલબોર્નમાં પણ લાંબુ અને કડક લોકડાઉન લાદી દેવાયું હતું. ભારતમાં અનલોકિંગ પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવી પરંતુ, ઓક્ટોબર – નવેમ્બર મહિનાની ઉત્સવોની મોસમ દરમિયાન સાવધાની ઘટવા લાગી અને આપણે ત્રીજી લહેર તરીકે ઓળખાતી ઘટનાઓના સાક્ષી બન્યા!
વેક્સિનેશન કેમ્પેઈન થકી બહાર ઉમટી પડેલી રાહતની વ્યાપક લાગણીને ઉપરોક્ત ઘટનાક્રમ સાથે થોડીઘણી સમજાવી શકાય. વેક્સિનેશન – રસીકરણ પ્રક્રિયાના સફળ આરંભની સાથે એવી આશા બંધાઈ કે આખરે આપણી યાતના-પીડાનો અંત હવે નજીકમાં જ છે. એવું લાગે છે કે માનવીય મગજ અને કુશાગ્ર વૈજ્ઞાનિક સુક્ષ્મતાએ આખરે વાઈરસને પરાજિત કર્યો છે. બધાએ રાહતની લાગણી અનુભવી હતી. આટલા લાંબા સમય સુધી ઘરમાં પૂરાઈ રહેવાની આપણી હતાશાએ આપણને એમ ઠસાવી દીધું કે હવે આપણે બહાર જઈ શકીએ છીએ અને પુનઃ સામાન્ય જિંદગી જીવી શકીએ છીએ.
વાસ્તવમાં આપણે યાદ - ધ્યાન રાખવું જોઈએ કે કોવિડ- ૧૯ હજુ આપણી પકડની બહાર છે અને જે લોકો કોરોના વાઈરસના સંક્રમણનો શિકાર બની રહ્યાં છે તેઓ મોટી સંખ્યામાં તેની સામેની લડાઈ ગુમાવી રહ્યા છે. વિશ્વની વાત કરીએ તો, WHOના ડેટા અનુસાર આશરે ૭૦ મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૧.૫ મિલિયનથી વધુ લોકોના મોત નોંધાયાના અહેવાલ છે. વેક્સિનને બાજુએ રાખીએ તો વાઈરસને પરાજિત કરી આગળ વધી જવાની બાબતે આપણે હજુ ઘણા પાછળ રહી ગયા છીએ. આનો અર્થ એવો નથી કે વેક્સિનેશન પ્રક્રિયાના આરંભથી આપણે ખુશ થવું ન જોઈએ પરંતુ, આપણે ખુદને યાદ અપાપવું જોઈશે કે વેક્શિનેશન અંતના આરંભની આશા સમાન છે. આપણે વાઈરસના અંત માટે હજુ રાહ જોવાની છે.
કોવિડ -૧૯ તેની સાથે ઘણા ડર અને આઘાતને છોડી જશે. કાળજી રાખવાને ગભરાટ કે ડરની સાથે સરખાવવાની જરુર નથી. જેને વાઈરસનું સંક્રમણ લાગે છે તે બધા જ હોસ્પિટલમાં પહોંચી જતા નથી.
આપણે હવે જાણીએ છીએ કે બહુમતી સંક્રમિત લોકો ઘરમાં જ રહીને સાજા થયા છે અને થોડા લોકોને જ તીવ્ર ન્યૂમોનિયાના લક્ષણો જોવાં મળે છે. ડોક્ટર્સ પણ આ વર્ષની શરુઆતમાં આ વાઈરસ વિશે જેટલું જાણતા હતા તેનાથી હવે વધુ જાણતા થયા છે. આમ છતાં, વાઈરસના અનેક પાસાઓ હજુ રહસ્યપૂર્ણ રહ્યા છે. આપણે આશા રાખીએ કે વેક્સિન દીર્ઘકાલીન ઈમ્યુનિટી-રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડશે પરંતુ, વેક્સિન દ્વારા પ્રાપ્ત ઈમ્યુનિટી કેટલો લાંબો સમય રહેશે તે જોવાનું રહે છે. આપણે જ્યારે આ વાઈરસ પર વિજય પ્રાપ્ત કરવાની નજીક આવી પહોંચ્યા છીએ ત્યારે ધીરજ ખોવાની જરા પણ જરુર નથી. ગત થોડા મહિનાઓમાં આપણા દિલોદિમાગમાં જે સાવચેતીના પગલાં – માસ્ક પહેરો, અંતર જાળવી રાખો અને તમારા હાથને નિયમિત ધોતાં (અથવા સેનિટાઈઝ કરતા) રહો - વિશે જાણકારી કે માહિતી અપાતી રહી છે તેનો અમલ કરવાનું ચાલુ રાખીએ! હું હંમેશાં મારી જાતને આ જીવનરક્ષક પગલાંઓ વિશે સતત યાદ અપાવવાનો પ્રયાસ કરતી રહું છું, શું તમે પણ આમ કરો છો?
(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)