પ્રિય વાચકો, હોળી-ધૂળેટીનું પર્વ એટલે રંગે રમવાનો, જીવનમાં રંગ ભરવાનો, પ્રેમના ફુવારાથી, રંગોની છોડો ઉડાડી, ખૂબ ધીંગામસ્તી કરી અખૂટ આનંદ માણવાનો દિવસ. આફ્રિકા અને ખાસ તો ભારતમાં જે લોકોએ રંગોની હોળી ખેલીને રંગોની રમત માણી હશે તેઓને તો આ રંગોની રમત જરૂર યાદ આવતી હશે. ત્યાં તો નાના ગામોમાં એક ભાભી આવે તો એ તો આખા ગામની ભાભી અને આ દિવસે આડોશપાડોશના દિયરો - નણંદીઓ ભાભીને રંગોથી ભરી દેવા માટે ખૂબ જ તત્પર હોય અને વળી નવી નવી આવેલી ભાભીને તો ખૂબ મજા-મસ્તી કરાવવા માટે ખૂબ જ સરસ પ્લાન કરાય અને ભાભીને પણ ખબર હોય એટલે તેમણે પણ સામનો કરવા તૈયારી રાખી હોય. આમ આ દિવસે બધા સાથે મળી રંગોથી રમી, ધીંગામસ્તી કરીને અમૂલ્ય લ્હાવો લેતાં જે આનંદ આપણા યુકેમાં માણી શકાતો નથી. હોળીના રંગો અને ધૂળેટીએ માણેલી રંગોની મસ્તીની યાદે મારા અંતરમાંથી સરી પડેલ શબ્દોની ફુલમાળ આપને અર્પણ કરું છું અને ધૂળેટીએ મારા શબ્દોની ફૂલથી આપ સર્વેને વધાવું છું મારી રચનારૂપે, મારા કાવ્યરૂપે...
હોળીની એ મસ્તી
કેવી હતી ત્યાં તો હોળીએ
એ રંગભરી મસ્તી
પ્રેમના ફુવારે જાગતી એ મસ્તી
• અહીંયા મળતી નથી હોળીએ
એ પ્રેમભીની રંગોની મસ્તી
હવે સ્વપ્નકુંજમાં માણું છું એ મસ્તી
• દિયર ભોજાઈની ત્યાં હોળીએ
જામતી રંગોની ધીંગા મસ્તી
ભાભીને લાડ લડાવી કરતા દોસ્તી
• વળી હળખઘેલી નણંદો હોળીએ
ભાભીને રંગોથી કરાવે મસ્તી
અને ભાભીને બાથમાં લઈ જામતી મસ્તી
• અને કામણગારા સાજનની હોળીએ
અજબ ગજબની એ મસ્તી
અણમોલ હતી એ રંગોની મસ્તી
• ત્યાં તો ભાભી કહીને બોલાવે હોળીએ
આખાયે પોળની વસતીની મસ્તી
અહીં તો મને પાડોશણે નથી બોલાવતી અમસ્તી
• મેઘધનુષ્યના રંગો ત્યાં હોળીએ
ના વીસરાય એવી રંગભરી મસ્તી
હવે શબ્દોના રંગોથી ભરુ એ મસ્તી
રંગભર્યા નીમા સુરૂના હોળીએ
વધામણા મોકલીયે રંગભરી મસ્તી
સૌના જીવનમાં ભરપૂર રહે મસ્તી.
•••