લંડનઃ વસો નાગરિક મંડળ અને કરમસદ સમાજના સંયુક્ત ઉપક્રમે ટૂટિંગ બ્રોડવેના પાટીદાર સમાજ હોલ ખાતે 10 નવેમ્બરે યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, આદર-શ્રદ્ધા, ઉત્સવની ઊજવણી અને સાંસ્કૃતિક ગૌરવનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો.
આ ઈવેન્ટનો આરંભ કોમ્યુનિટીના આદરપાત્ર અગ્રણી દિવંગત પ્રવીણભાઈ અમીનને શ્રદ્ધાસુમનના અર્પણ સાથે કરાયો હતો. તેમની યાદ અને માનમાં સભ્યોએ મૌન પાળ્યું હતું.
આ પછી, વિષાદયુક્ત વાતાવરણ પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણીના આનંદમાં ફેરવાઈ ગયું હતું. ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીને યાદ કરવા સાથે વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભારતની વિપુલ સાંસ્કૃતિક વિરાસતને પ્રદર્શિત કરતા મનમોહક નૃત્યો અને ગીતો સહિત જોશપૂર્ણ પરફોર્મન્સીસથી સ્ટેજ ગાજી ઉઠ્યું હતું. રંગબેરંગી વસ્ત્રો અને ઊર્જાસભર પરફોર્મન્સીસે ઓડિયન્સને જકડી રાખ્યું હતું. જીવંત સંગીતે ઉત્સવી વાતાવરણમાં ઉમેરો કર્યો હતો અને યાદગાર અનુભવ સર્જ્યો હતો.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ, અજિતભાઈ દેસાઈ, પ્રદીપભાઈ અમીન, હર્ષદભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, ઉમેશભાઈ અમીન, નૈનેશભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલ સહિત પ્રતિષ્ઠિત મહેમાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. શ્રીમતી જનકબહેન અમીન અને તેમના પુત્ર ચિરાગભાઈ અમીન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
કાર્યક્રમ ભારે સફળ રહ્યો હતો. આટલા સફળ અને અવિસ્મરણીય ઈવેન્ટના આયોજન બદલ આયોજક ટીમને સાચા યશની અધિકારી ગણાવી શકાય. તેમની જહેમત અને નિષ્ઠાપૂર્ણ કામગીરીએ તમામ ઉપસ્થિતોને સુંદર કાર્યક્રમને માણવાની તક પૂરી પાડી હતી.