ભારતના પ્રખ્યાત ગાયકોમાં ગણના થાય છે તેવાં પદ્મશ્રી અનુરાધા પૌડવાલ અદ્વૈતવાદના તત્વજ્ઞાની અને સનતન ધર્મના ચાવીરૂપ સમર્થક આદિ ગુરુ શંકરાચાર્યના ઉપદેશોને પુનર્જીવિત કરવાને સમર્પિત છે. તેમણે તાજેતરમાં જ સ્વર્ગસ્થ બસંત કુમાર બિરલાની સ્મરણાંજલિમાં આયોજિત ‘આદિત્ય ઉત્સવ 2025’માં આદિત્ય બિરલા ગ્રૂપના ચેરપર્સન કુમાર મંગલમ બિરલા અને ગાયક નીતિન મૂકેશની સાથે રહી ’ભજ ગોવિંદમ’નું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ન્યૂઝવિક્લીઝ સાથે વિશેષ મુલાકાતમાં અનુરાધાજીએ ’ભજ ગોવિંદમ’ને સાઉથ એશિયન કોમ્યુનિટી દ્વારા આવકાર તથા યુવાન પેઢીઓને આધ્યાત્મિક વિરાસત સાથે સાંકળવામાં ભક્તિમય સંગીત કેવી રીતે પ્રેરણા પૂરી પાડી શકે સહિત અનેક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં.
• આદિ શંકરાચાર્યજી લિખિત શ્ર્લોકોમાં ભરપૂર તત્વજ્ઞાન છે. એક ગાયિકા તરીકે તમે સંગીત દ્વારા તેમના આધ્યાત્મિક તત્વને અભિવ્યક્ત કરવાના પડકારને કેવી રીતે ઝીલી લીધો?
--- સંગીત હંમેશાં અભિવ્યક્તિનું સૌથી શક્તિશાળી માધ્યમ રહ્યું છે. માત્ર શબ્દો કરતાં તે વધુ ઝડપે લોકો સુધી પહોંચી રહ્યું છે. હું અંગત રીતે માનું છું કે તે ઈન્દ્રિયોને સ્પર્શી જતું હોવાથી ગાઢપણે અંતરને ઝંકૃત કરી જાય છે. એ જ પદ્યરચના જ્યારે ગાવામાં આવે તેની સરખામણીએ લય-સૂરતાલ વિના પઠન કરવામાં આવે છે ત્યારે એવી અસર સર્જી શકતી નથી. મધુર સંગીત તેના અર્થની વૃદ્ધિ કરે છે, તેનો સંદેશ વધુ ઝડપે સમજી-માણી શકાય છે. ‘સૂર’નો ઉપયોગ માત્ર કળાપૂર્ણ પસંદગી નથી - તે એક સંવર્ધિત પરિમાણ છે જે મજબૂત સ્તરે લોકોના હૃદય અને મનને સ્પર્શી જાય છે.
• ભજ ગોવિંદમ ગાવા સંદર્ભે યુકેમાં સાઉથ એશિયન કોમ્યુનિટી તરફથી તમને મળેલાં સૌથી હૃદયસ્પર્શી પ્રતિભાવ વિશે જણાવશો?
--- યુકેમાં મારાં બે બોલીવૂડ કોન્સર્ટ માટેના પ્રવાસો દરમિયાન જેમના માટે પણ મેં રજૂઆત કરી તે તુરંત રોમાંચક બની હતી. જેમની સાથે મેં અંગત મુલાકાતો કરી તેઓ વિશેષ ઉત્સાહી રહ્યા હતા. તેમણે યુટ્યૂબ પર ઘણું નિહાળ્યું હતું અને તેમને ઘણું ગમ્યું હતું. ઘણાએ તો એવો પ્રશ્ન પણ કર્યો હતો કે,‘શું આ સંસ્કૃતમાં છે?’ કારણકે ગાયેલી રચના ગીત જેવી જ લાગતી હતી. એક ઉત્તર ભારતીય તરીકે મને લાગે છે કે દક્ષિણ ભારતીય ગાયકી અને ખાસ કરીને કર્ણાટકી સંગીતને અનુસરવું ભારે પડકારરૂપ બને છે સિવાય કે તેની તાલીમ મેળવી હોય. આમ છતાં, જ્યારે સંગીતને નોર્થ ઈન્ડિયન સ્ટાઈલમાં ઢાળવામાં આવે ત્યારે તે પરિચિત અને વધુ સમજી શકાય તેવું બને છે. જેના પરિણામે, ઉત્તર ભારતીય શ્રોતાઓ માટે પણ તેને સમજવાનું અને કદર કરવાનું સરળ બની રહે છે.
• યુકેમાં ભારતીય કોમ્યુનિટી તેના સાંસ્કૃતિક વારસાનું ભારે મૂલ્ય આંકે છે. સંગીત અને વિશેષતઃ સંસ્કૃત શ્લોકો કે પદ્યરચના કેવી રીતે ડાયસ્પોરાની પેઢીઓ વચ્ચે સેતુ તરીકે કાર્ય આપી શકે છે?
--- સંસ્કૃતના શ્લોકો-સ્તુતિ વ્યાકરણ, ગાણિતિક અને ઉચ્ચારણની દૃષ્ટિએ શક્તિશાળી અને ચોક્કસ બંધારણ ધરાવે છે. તેની રચના માત્ર કળાસભર નથી પરંતુ, વૈજ્ઞાનિક પણ છે જે મન અને શરીર પર ગાઢ અસર ઉપજાવે છે. તેની ગોઠવણી જ શાંતિદાયક અને ઉપચારાત્મક ગુણ ધરાવે છે. અંગત અનુભવથી જણાવું તો મને ભય અથવા અચોક્કસતાની પળોમાં સંસ્કૃત શ્લોકો- સ્તુતિ કે સ્તવન વગાડવા થકી ચેતાતંત્ર શાંત થાય તેમજ સમસ્યાઓના ઉકેલ શોધવામાં પણ મદદ મળી છે. એવી પણ હકીકત છે કે, મને ઘણા ડોક્ટરોએ કહ્યું છે કે તેઓ તેમની હોસ્પિટલોમાં, ખાસ કરીને 24 કલાકના આશ્રયસ્થાનોમાં અને સર્જરીઝ દરમિયાન શાંતિદાયક વાતાવરણ સર્જવા માટે મારું ‘રામ રક્ષા સ્તોત્ર’ સ્તવન વગાડે છે. મારું માનવું છે કે તેનું કારણ એ છે કે જ્યારે ચેતાતંત્ર શાંત હોય ત્યારે તમારા વિચારોમાં સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. શાંત મન તમને પરિસ્થિતિઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં નિહાળવાની શક્તિ આપે છે જેના પરિણામે, બહેતર નિર્ણયો અને કામગીરી શક્ય બને છે.
• શું તમે માનો છો કે ક્લાસિકલ અને ભક્તિમય સંગીત યુવા પેઢીમાં ભારતના પ્રાચીન આધ્યાત્મિક વારસા પ્રત્યે રસ પુનર્જીવિત કરવામાં ભૂમિકા ભજવી શકશે ?
--- આધ્યાત્મિકતા અને ક્લાસિકલ – શાસ્ત્રીય સંગીતમાં રસ વધી જ રહ્યો છે. આજે પણ ઘણા નાના બાળકો સંસ્કૃત શ્લોકો ઉચ્ચારે છે ત્યારે ઘણી વખત આપણને આશ્ચર્ય થાય કે તેમણે શરૂઆત ક્યારે કરી હશે. આ પેઢીની જિજ્ઞાસા વિશે હું ખરેખર પ્રશંસક રહી છું. મારાં બાળપણની વાત કરું તો અમે પ્રશ્નો ઉઠાવ્યાં વિના જ પરંપરાઓને અનુસરતાં હતાં. આજના બાળકો આપણે ચોક્કસ કાર્ય કરીએ છીએ ત્યારે ‘શા માટે’ નો પ્રશ્ન કરે જ છે. જો આપણે તેમને સ્પષ્ટ, તર્કસંગત ખુલાસા-સમજ આપીશું તો ગત પેઢીઓની સરખામણીએ તેમનું સમર્પણ અને પ્રતિબદ્ધતા ક્યાંય આગળ વધી જશે. તેઓ માત્ર આંધળું અનુસરણ કરતા નથી - તેઓ સમજવા ઈચ્છે છે અને એક વખત સમજી લેશે પછી વધુ જોશ અને ઉત્સાહ સાથે ઉત્કૃષ્ટતા તરફ આગળ વધશે.
• તમારા દ્વારા કરાયેલી પહેલ જેવી બાબતો પાશ્ચાત્ય સંસ્થાઓમાં ભારતના પ્રાચીન જ્ઞાનના પ્રસાર અને જાગૃતિ કેળવવામાં કેવી રીતે સહાય કરી શકે?
--- પાશ્ચાત્ય સંસ્થાઓએ આ અપનાવી જ લીધું છે. આમ છતાં, આપણા પોતાના લોકો જ તેની કદર કરે અને તેમના વારસા પ્રત્યે ગૌરવ અનુભવે તે આવશ્યક છે. હું ઘણી વખત એવા લોકોને મળી છું જેઓ તેમની સફળતામાં આધ્યાત્મિકતાની ભૂમિકા વિશે પ્રશ્ન કરાય ત્યારે ક્ષોભ અનુભવતા હોય છે. તેઓ તરત જ આને નકારી કાઢે છે અને કહે છે કે તેઓ આધ્યાત્મિકતાનું આચરણ કરતા નથી. પરંતુ, આધ્યાત્મિકતા માળા ફેરવવા સાથે પ્રાર્થના કરવા બેસી રહેવાની બાબત નથી - એ તો જીવન પ્રત્યે રચનાત્મક અભિગમ કેળવવાની વાત છે. કેટલાક માટે આધ્યાત્મિકતા તેમના વિચારોમાં હોય છે તો કેટલાક માટે તેમના કાર્યોમાં આધ્યાત્મિકતા હોય છે. પ્રામાણિકતા સાથે યોગ્ય કાર્ય કરવામાં આવે તે પણ પૂજાનું એક સ્વરૂપ છે. આમ છતાં, ઘણા લોકો તેમની આધ્યાત્મિકતાને સ્વીકારતા ખચકાટ અનુભવે છે.
આપણે આપણી આધ્યાત્મિકતા વિશે ગર્વ અનુભવવો જોઈએ. હું ઘણી વખત ‘સનાતન’ પર ભાર મૂકું છું કારણકે તે આપણને બંધનમાં મૂકવાના બદલે મુક્ત કરે છે. જડ ધાર્મિક સ્વરૂપ કે માળખાંથી વિપરીત ‘સનાતન’ સૂર્ય, સૃષ્ટિ, અને તમામ જીવો વચ્ચે આંતરિક સંપર્કોની કદર કરે છે. તેનો સંદર્ભ દયાભાવ, અન્યો પ્રત્યે આદરભાવ અને સુસંવાદી સહઅસ્તિત્વ સાથે છે. ‘સનાતન’ એટલે સરળતા - દિવ્યતા કદી જડ કે જટિલ હોવી ન જોઈએ.
• આદિ શંકરાચાર્ય તેમજ અન્ય ગુરુઓની રચનાઓને સંગીતમય સ્વરૂપ આપવાના આગામી પ્રોજેક્ટ્સ તમે વિચારી રહ્યાં છો?
--- હું હાલ આદિ શંકરાચાર્યની રચનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું કારણકે તેઓનો વારસો વિપૂલ છે. આ પછી, ‘સૌંદર્ય લહરી’ અને ‘દક્ષિણામૂર્તિ સ્તોત્ર’ અને ઘણી રચનાઓ રીલિઝ કરવાની મારી યોજના છે. આદિ ગુરુએ ‘ગણેશ પંચરત્ન’ અને ‘રામ ભુજંગ સ્તોત્ર’ સહિત સંખ્યાબંધ પદ્યાત્મક રચનાઓ લખી છે અને આ બંને રચના મેં ગાઈ છે. વાસ્તવમાં, રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મને ‘રામ ભુજંગ સ્તોત્ર’ ગાવાનું સન્માન મળ્યું હતું.