લંડનઃ સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા ધ ભવન ખાતે આદ્ય પૂજ્ય પરફોર્મન્સનું આયોજન કરાયું હતું જેમાં મુદ્ગલ પુરાણમાંથી ગણેશ અવતાર સ્તોત્રની રજૂઆત થઈ હતી. મંત્રમુગ્ધ કરી દેનારું આ પરફોર્મન્સ આ કમ્પોઝિશન પર સૌપ્રથમ નૃત્ય પરફોર્મન્સ હતું. આ ઈવેન્ટ નવી દિલ્હીની સેન્ટ્રલ યુનિવર્સિટીના સહયોગ સાથે સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના પ્રસારના ભાગરૂપે હતો. સંગીત અને નૃત્યનાં 90 મિનિટના કાર્યક્રમમાં 38 યુવા કળાકારોએ કળા પ્રદર્શન કર્યું હતું. ડો. એમ.એન. નંદકુમારા, ડો. રિશિ હાન્ડા, તેજેન્દ્ર શર્મા તેમજ કાઉન્સિલર કાર્તિક બોન્કુર અને કાઉન્સિલર શરદ ઝા દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા.
ભગવાન ગણેશના અષ્ટાવતારને ભરતનાટ્યમ, મોહિનીઅટ્ટનમ, ઓડિસી, કુચિપુડી અને કાવાડી નૃત્યશૈલી ઉપરાંત, કલારિપટ્ટુ માર્શલ આર્ટ્સની ભંગિમાઓ થકી વણી લેવાયા હતા. રાગસુધા વિન્જામુરી, મંજુ સુનિલ, મોનિદીપા સીઆલ, શ્રી લલિતા કોટલા, અન્વિ પ્રભુ, લક્ષ્મી પિલ્લાઈ, સાન્વિકા કોમ્મિનેની અને ઋષિકેશ કિઝિકિયીલ દ્વારા ગણેશજીના વક્રતુંડ, એકદંત, મહોદરા, લંબોદર, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ સહિતના અવતારો દ્વારા નાશ કરાયેલા મત્સરાસુર, અહંકારાસુર, ક્રોધાસુર, મદાસુર લોભાસુર વિવિધ રાક્ષસોની કથાઓ રજૂ કરાઈ હતી. આ કથાઓ આધ્યાત્મિક શાણપણ ઉપરાંત, નૈતિક વર્તન, વર્તનની યોગ્ય પસંદગી, ધ્યાન અને બોધ તેમજ ધીરજ થકી અવરોધો કેવી રીતે પાર કરી શકાય તેના મૂલ્યો પર કેન્દ્રિત હતી.
રાધિકા જોશી અને સુનિલ રપટવારે એન્કરિંગ કર્યું હતું. ભોજન પછી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.