'આરકી ફેમ ઓફ બરોડા' શ્રી અચલ મહેતા પોતાના ઋષભ ગ્રુપના ગરબાની રમઝટ જમાવવા માટે યુકેની મુલાકાતે પધાર્યા છે. અોસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ગરબા રસિકોને ગરબે ઘુમાવ્યા બાદ આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ સાંજે ૭-૩૦થી મોડે સુધી હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, HA3 5BD ખાતે યતિ ઇવેન્ટ્સ પ્રસ્તુત 'નવરાત્રી પહેલાની રાત્રી' કાર્યક્રમ અંતર્ગત લંડનમાં સૌ પ્રથમવાર અચલ મહેતા યુકેના ખેલૈયાઅોને ગરબા રમાડશે.
અચલ મહેતાએ માત્ર ૯ વર્ષની કુમળી વયે ગાવાનું શરૂ કર્યું અને સતત આજદિન સુધી રાસ-ગરબા અને સુગમ સંગીત સાથે જોડાયેલા છે. વર્ષ ૨૦૧૫માં તેમની આ ગીત સંગીત યાત્રાના ૩૩ વર્ષ પૂરાં થાય છે. શ્રી અચલ મહેતા પોતાના સૂરીલા સ્વરના કારણે માત્ર વડોદરામાં જ નહીં પરંતુ ભારત અને વિશ્વના ઘણા બધા દેશોમાં પ્રસિદ્ધ છે. તેમની સદાબહાર રચનાઓ જેવી કે 'વ્હાલમની વાંસળી વાગી', 'માંનો ગરબો', 'શરદ પૂનમની રાતમાં', 'વેણુ વગાડતો' અને ઘણી બધી અન્ય રચનાઓ આજે પણ ગરબાના રસીયાઅોના હૈયામાં વસે છે.
ઋષભ ગ્રુપની બધી જ રચના વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેમાંથી ‘આખુંય ગામ’ શ્રી અચલ મહેતાની રચના છે અને સ્વર દેવાંગી જાડેજાએ આપેલ છે. આ રચના વિશ્વભરના સંગીત પ્રેમીઓમાં અત્યંત પ્રસિદ્ધ છે. વર્ષ ૨૦૦૭માં તેમણે એક ગઝલ આલ્બમ ‘સમંદર’ પણ રજૂ કર્યું હતું. જેમાં કૈસર ઉલ ઝાહરી સાહેબ અને એહમદ ફરાજ સાહેબની ૭ હૃદયસ્પર્શી ગઝલોનો સમાવેશકરાયો હતો. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. ૧૩. સંપર્ક: 07883 093 017.