‘ચરોતરના પેરિસ’ તરીકે ઓળખાતા ભાદરણ ગામના સરપંચ શ્રી ઉદયભાઇ મહેન્દ્રભાઇ પટેલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે. સર્વાનુમતે સરપંચપદે ચૂંટાયેલા ઉદયભાઇના લોહીમાં જ સમાજસેવા વહે છે તેમ કહીએ તો પણ અયોગ્ય નથી. તેમનો પરિવાર ત્રણ - ત્રણ પેઢીથી આ ગામની - પ્રદેશની સેવામાં સમર્પિત છે. કન્સ્ટ્રક્શન અને ટોબેકોના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદયભાઇ એક એવા બહુમુખી અને પ્રતિભાસંપન્ન સરપંચ છે જેઓ ભાદરણ માટે કંઇક કરી છૂટવા પ્રતિબદ્ધ છે. નૂતન ભાદરણનું નિર્માણ કરવાની નેમ સાથે તેમણે સાથીદારોની મદદથી ગામને સ્માર્ટ વિલેજ બનાવવાનું બીડું ઉઠાવ્યું છે. ઉદયભાઇ આ સિવાય પણ અનેક શિક્ષણ સંસ્થાનો - સહકારી સંસ્થાઓ - સંગઠનો સાથે મહત્ત્વના હોદ્દાઓની જવાબદારી સંભાળી રહ્યા છે. જેમાં ભાદરણ કોલેજ, ધ ભાદરણ સેવા સહકારી મંડળી, શ્રી રવિશંકર આંખની હોસ્પિટલ - ચિખોદ્રા, ભાદરણ આરોગ્ય ટ્રસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.