લોકચાહના મેળવી રહેલા ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’માં આ વખતે કૃષ્ણ જન્મોત્સવ અને યુકેમાં કાર્યરત પુષ્ટિમાર્ગીય સંસ્થા વૈષ્ણવ સંઘ ઓફ યુકે વિશે જાણકારી આપવામાં આવી છે. શ્રીનાથધામ હવેલીના શ્રી રાજનભાઈ પીતાંબર અને જેજેશ્રી વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીની ઉપસ્થિતિમાં ગુજરાત સમાચારના કન્સલેટિંગ એડિટર શ્રીમતી કોકિલાબહેન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
કોકિલાબહેને કાર્યક્રમની શરૂઆત કરતા ભગવાન શ્રી કૃષ્ણનો 5,252 મો જન્મોત્સવ ઉજવાયો હોવાનું જણાવી કહ્યું હતું કે, ભગવાન વિષ્ણુના દશાવતારોમાં સૌથી પ્રચલિત બે અવતાર ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણના છે. આઠમો અવતાર દ્વાપરયુગમાં દેવકીના પુત્ર રૂપે મથુરાના કારાગૃહમાં કૃષ્ણ તરીકે ધારણ કર્યો હતો. હિંદુ પુરાણોમાં શ્રી કૃષ્ણનું આલેખન મુત્સદ્દી સલાહકાર, ઉપદેશક, સખા, યોગેશ્વર વગેરે સ્વરૂપે કરાયું છે. સ્નેહભાવ, દોસ્તી, કુનેહ, સમજાવટ, મુત્સદીપણું, અધર્મ સામે યુદ્ધ એક માત્ર વિકલ્પ ગણાવી કુરુક્ષેત્રમાં ધર્મ પક્ષે અર્જુનના સારથિ બનવા સહિતની કામગીરી જ કૃષ્ણને જગતગુરૂનું સ્થાન આપે છે.
કોકિલાબહેને મીનાબહેન ત્રિવેદીને શ્રી કૃષ્ણના ભજનોની રજૂઆત કરવાં આમંત્રિત કર્યાં હતાં. મીનાબહેને આરંભમાં ‘જગતની આ માયા જોઈ હું તો થાકી રે, સાંભળને ઓ શ્યામળા મારી પ્રીતડી પાંખી રે,મનડાના એ મોરની મોહિની લાગી રે, કાળા કાળા ચોરની મોહિની લાગી રે’ની રજૂઆત કર્યાં પછી, ‘કૃષ્ણ જિન કા નામ હૈ, ગોકુલ જિન કા ધામ હૈ, ઐસે શ્રી ભગવાન કો બારંબાર પ્રણામ’ ભજન રજૂ કરી દિલ ડોલાવી દીધાં હતાં.
કોકિલાબહેને પુષ્ટિમાર્ગની સ્થાપના વિશે થોડી જાણકારી આપતાં કહ્યું હતું કે પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપ એવા શ્રીનાથજીની પૂજા-આરાધના થાય છે. પુષ્ટિમાર્ગના અનુયાયી માટે શ્રીનાથજીનું સ્વરૂપ એ મૂર્તિ નથી પણ જીવતું જાગતું બાળ સ્વરૂપ છે. પુષ્ટિમાર્ગનાં સ્થાપક મહાપ્રભુજી વલ્લભાચાર્યનો જન્મ સંવત ૧૪૭૮માં વૈશાખ વદ એકાદશીના દિવસે ચંપારણ્ય (રાયપુર,છત્તીસગઢ)માં થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લામાગારુ હતું. ૧૫૪૯માં ઝારખંડમાં ફાગણ સુદ ૧૧ ગુરુવારે સ્વપ્નમાં આજ્ઞા થઈ કે સ્વયં શ્રી કૃષ્ણનું શ્રીનાથજી સ્વરૂપે ગિરિરાજ પર પ્રગટ થઈ ચૂક્યું છે એટલે તેઓ ગિરિરાજ ચઢયા, સ્વયં શ્રીનાથજી તેમને મળવા આવ્યા અને ભેટયા. ભક્ત તથા ભગવાનનું અદ્દભુત મિલન થયું એ પવિત્ર દિવસ વિક્રમ સંવત ૧૫૪૯, શ્રાવણ સુદ ૧૧ ગુરુવારનો હતો. પુષ્ટિમાર્ગની હવેલી સ્થાપક વલ્લભાચાર્ય અને તેના વંશજો સાથે સંલગ્ન છે. કુલ ૧૪૨ પવિત્ર બેઠકોમાં ૮૪ વલ્લભાચાર્યની, ૨૮ તેમના પુત્ર વિઠ્ઠલનાથ ગુંસાઈજીની અને તેમનાં સાત પૌત્રોની ૩૦ બેઠકનો સમાવેશ થાય છે.
કોકિલાબહેને આ પછી ‘શ્રીનાથધામ હવેલી’ના સ્થાપક પૂ.ગોસ્વામીશ્રી ૧૦૮શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ)ને વચનામૃત આપવા આમંત્રણ આપ્યું હતું. દ્વારકેશલાલજી મહોદયશ્રીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવની વધાઈ, શુભકામના અને આશીર્વાદ આપવા સાથે જણાવ્યું હતું કે, ‘જીવ ભૂતલ પર આવે છે કર્મવશ, ભગવાન આવે છે કૃપાવશ. શાસ્ત્રો કહે છે કે ગાય, ભૂમિ અને સંત, આ ત્રણ પર જ્યારે સમાજ અનેક પ્રકારના પ્રહારો, અત્યાચાર કરવા લાગે છે ત્યારે ભગવાન ભૂતલ પર આવવા પરવશ બની જાય છે. કૃષ્ણજન્મનું આ પર્વ વિશ્વ માટે સર્વોચ્ચ આનંદનું પર્વ છે. કૃષ્ણ કોઈ વ્યક્તિનું નામ નથી, એ વ્યક્તિત્વ, તત્વનું નામ છે. સર્વોચ્ચ આનંદમય છે, પૂર્ણાનંદ, પરમાનંદાય પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં આનંદને શોધે છે. દરેક મનુષ્યના હૃદયમાં સુખની શોધ સહજ હોય છે, જન્મતાની સાથે હોય છે. એટલે પ્રત્યેકની ભીતરમાં રહેલો એ આત્મા પરમાત્માનો અંશ છે. પરમાનંદનો અંશ છે જે પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે. અલ્પાનંદી જીવને પૂર્ણાનંદનો અનુભવ થાય એ ક્ષણનું નામ આ કૃષ્ણ જન્મોત્સવ છે.
કૃષ્ણ જન્મોત્સવ એટલે શું? કર્મના કારાગૃહમાંથી મુક્ત થઈ નંદાલયના ઉત્સવ સુધીની યાત્રા. એ જ કૃષ્ણ જન્મોત્સવની યાત્રા છે. કોઈ વસુદેવજી જેવો સદગુરુ મળે તો તે કર્મના કારાગૃહમાંથી આપણને કાઢી યાત્રા કરે છે ગોકૂળ સુધીની, પહોંચાડે છે નંદાલયમાં અને નંદાલય એટલે ઉત્સવનું સ્થાન, જ્યાં નંદ અને યશોદા છે. નંદ કોણ, જે આનંદનું દાન કરે તે નંદ અને યશ લેવા નહિ પણ આપવા માટે તત્પર થાય તે યશોદા છે. ત્યારે જ તો જીવનમાં આનંદ પ્રગટે છે ત્યારે જ તો સાચા અર્થમાં જીવનમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. આપણે જન્માષ્ટમી પ્રભુ કારાગૃહમાં પ્રગટ થયા તેનો ઉત્સવ નથી કરવો પણ કર્મના કારાગૃહના આપણે પૂરાયેલા હતા ત્યારે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય આ ક્ષણે થાય તે જ આપણા જીવનની જન્માષ્ટમી છે, એ જ આપણા જીવનનો નંદ મહોત્સવ છે. ઠાકોરજી સ્વયં આ જીવને કર્મબંધનોમાંથી મુક્ત કરી નંદાલય પહોંચાડે એ જ કૃષ્ણ જન્મોત્સવ.
ઠાકોરજી 125 વર્ષ સુધી ભૂતલ પર બિરાજ્યા તેમાં 11 વર્ષ અને બાવન દિવસ વ્રજમાં રહ્યા, 14 વર્ષ સુધી મથુરા બિરાજ્યા અને 100 વર્ષ સુધી ભગવાન દ્વારિકા બિરાજ્યા છે. વ્રજમાં જ્યારે રહ્યા ત્યારે આનંદનું દાન કરવા રહ્યા, ભક્તોને કેવળ અને કેવળ વિશુદ્ધ પ્રેમનું દાન પરમાત્માએ કર્યું છે. દરેકના મનોરથોને પરમાત્માએ પૂરાં કર્યા છે. આ પરમાત્મા એવા છે જે ભક્તોને પોતાને લાયક બનાવવા પ્રયત્ન નથી કરતો, પોતે ભક્તોને અનુકૂળ થઈ ભક્તોની પહોંચમાં પહોંચી જાય એ જ કૃષ્ણ છે. કૃષ્ણની વિશેષતા એ છે કે તે ભક્ત જેવો થઈ જાય છે. અબૂધ સાથે અબૂધ, જ્ઞાની સાથે જ્ઞાની થઈ જાય છે. કોઈ મા બનીને આવે તો ખોળે બેસી જાય છે, મિત્ર બનીને આવે તો ગળે લગાડી દે છે. પિતા બનીને કોઈ આવે તો તેના આશીર્વાદ લેવા પણ પહોંચી જાય છે. કોઈ પ્રેમી બનીને આવે તો તેની સાથે રાસ રમવા પણ તત્પર બની જાય છે. અલૌકિક એવા દિવ્ય પ્રેમનું દાન કરનારો પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ. એ જ શ્રી કૃષ્ણ શ્રી નાથજીબાવા સ્વરૂપે પ્રગટ થયા અને નાથદ્વારામાં બિરાજ્યા એટલે આજે પણ હવેલી પરંપરામાં જે રીતે પ્રભુ પ્રગટ થયા તે રીતે રાત્રિના સમયે પંચામૃત સ્નાન શાલિગ્રામજીને થાય અને નોમના દિવસે નંદ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઊજવાય.
જેજેશ્રીએ કહ્યું હતું કે, ‘લંડન ખાતે સિદ્ધ થયેલું આપણું નંદાલય. હવેલી એટલે શું? પુષ્ટિમાર્ગમાં હવેલી એને જ કહેવાય જેને નંદાલય માનો. નંદબાબાનું ઘર એ જ હવેલી. શ્રીનાથધામ આપણું એ નંદાલય સિદ્ધ થયું છે. જે રીતે ગોકૂળમાં નંદબાબાના ઘેર નંદમહોત્સવ થયો એવો જ નંદમહોત્સવ શ્રીનાથધામમાં પણ ઊજવાશે.વૈષ્ણવો ગોપ ગોપી બની એનો આનંદ લેશે. આ કૃષ્ણ જન્માષ્ટમી નંદમહોત્સવના પાવન અને પવિત્ર દિવસે મારી ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ પાઠવું છું. કૃષ્ણ તમારા જીવનમાં આનંદ બની, કૃષ્ણ સૌભાગ્ય બની, કૃષ્ણ પ્રેમ બની તમારા જીવનમાં છવાઈ જાય. કામ, ક્રોધ, મોહ, ઈર્ષા, મદ, લોભ, મત્સર આદિ દુર્ગુણ દૂર થાય અને અંતઃકરણ પવિત્ર થાય.’ કોકિલાબહેને જણાવ્યું હતું કે નાઈરોબીમા જેજેશ્રીની ભાગવતકથા ચાલી રહી છે ત્યાંથી તેમણે આ સંદેશો આપણને પાઠવ્યો છે તે બદલ ગુજરાત સમાચાર આભાર વ્યક્ત કરે છે.
કોકિલાબહેને હેરો સ્થિત ‘શ્રીનાથધામ હવેલી’માં કાર્યરત રાજનભાઈ પિતામ્બરને હવેલી વિશે માહિતી આપવા આમંત્રણ આપ્યું હતું.
રાજનભાઈ પીતાંબર ઓક્ટોબર 1999થી આચાર્યશ્રી દ્વારકેશલાલજી (જેજેશ્રી)ને સમર્પિત છે અને તેમના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ છે. તેઓ વૈષ્ણવ સંઘ યુકેના સ્થાપક સભ્યોમાંના એક છે. તેમણે સમગ્ર વિશ્વમાં વૈષ્ણવ સંપ્રદાય અને પુષ્ટિમાર્ગી ધર્મને પુનઃ ચેતનવંતો બનાવવાના જેજેશ્રીના અથાક અને અવિરત પ્રયાસોની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 25 વર્ષ અગાઉ જેજેશ્રીએ તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 17મા વંશજ છે. તેમણે નાની વયથી જ અસંખ્ય વેદિક શાસ્ત્રો, શ્રીમદ ભાગવત પુરાણ, ગીતાજી, તમામ પુષ્ટિમાર્ગીય ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો છે અને સંસ્કૃતમાં માસ્ટરની ડીગ્રી હાંસલ કરેલી છે. જેજેશ્રીએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો, હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ તેમજ માનવતાને જીવન સમર્પિત કરેલું છે. જેજેશ્રીએ 17 વર્ષની વયથી જ આધ્યાત્મિક મિશન આરંભી સમગ્ર વિશ્વનું પરિભ્રમણ કર્યું છે. તેમણે જણાવ્યું કે, જૂન ૨૦૨૪માં વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીને યુરોપિયન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા ડોકટરેટની પદવીથી સન્માનિત કરાયા છે. રાજનભાઈએ યુકે-હેરોની શ્રીનાથધામ હવેલી, લેસ્ટરની શ્રી વ્રજધામ હવેલી, નૈરોબીની શ્રી વલ્લભધામ હવેલી, ઓસ્ટ્રેલિઆ, મેલબોર્નની શ્રી નાથદ્વારા હવેલી વિશે તેમજ શ્રીનાથધામ, હેરો-યુકે.ના ટ્રસ્ટીગણ મીનાબહેન પોપટ (ચેરપર્સન), ટ્રસ્ટી પ્રમોદભાઇ ઠક્કર અને શિરીષભાઇ શાહ અને હવેલીની પ્રવૃત્તિઓ વિશે પણ સુંદર માહિતી આપી હતી.
આ પછી મીનાબહેન ત્રિવેદીએ ‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી’ ભજન ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. બ્યૂરો ચીફ નીલેશભાઈ પરમારે ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વના મુખ્ય સમાચારો વાંચી સુંદર માહિતી આપી હતી.
કાર્યક્રમનું સમાપન કરતા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ન્યૂઝ વિકલીઝના પ્રકાશક અને એડિટર-ઈન -ચીફ શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે,‘સનાતન, હિન્દુ, જૈન, શીખ કે બૌદ્ધ પરંપરા વિશ્વમાં સૌથી જુની છે. આપણે ત્યાં ઈશ્વરના અનેક નામ છે. એક ઈશ્વરને માનીએ છીએ. સંપ્રદાયો અને વિચારોમાં મતભેદ હોવાં છતાં, જે સનાતન કહેવાય, જેનો આરંભ નથી કે અંત નથી તેવા હિન્દુ ધર્મમાં આપસમાં શાંતિ, સહકાર અદ્ભૂત છે. એટલે જ વિશ્વભરમાં હિન્દુઓના, શીખોના, જૈનોના કે બૌદ્ધોના ઘણા વખાણ થાય છે. આ ધર્મ નથી પરંતુ, જીવન જીવવાની રીત પણ છે. મધ્યકાલીન યુગમાં સૈકાઓ સુધી આપણી પર આક્રમણો, જુલમો થતા હતા ત્યારે ધર્મ ટકી રહ્યો હોય તો તે આ સંપ્રદાયોના કારણે છે. આપણે ત્યાં ગુરુપરંપરા છે તે અદ્ભૂત છે. આ બાબતે જેજશ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી જે કામ કરી રહ્યા તેની સમજ રાજનભાઈએ આપી તેનાથી હું પ્રભાવિત થયો છું. આજના યુગમાં અનેક ધર્મપ્રવર્તકો છે. તેમના પરિણામે, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ કાયમ રહેશે. આપણી યુવા પેઢી પણ તેમનું ગૌરવ લેશે. અનેકતામાં એકતા, વસુધૈવ કુટુમ્બકમ આપણા મંત્રો-સૂત્રો છે. આપણે ધર્મ અને સંસ્કારની વાતો કરી છે. આનંદ, સુખ અને શાંતિનો ત્રિવેણી સંગમ રચાયો છે.’ સીબીએ દ્વારકેશલાલજી જેજેશ્રી, રાજનભાઈ, મીનાબહેન ત્રિવેદી સહિત સહુનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના અંતે માયાબહેન દીપકે ‘હે શ્યામ , ઘનશ્યામ, હે શ્યામ, જગ મેં સાચો તેરો તેરો નામ’ ભજનની ભાવવાહી રજૂઆત કરી હતી.