લંડનઃ બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ કોઇ માટે તેઓ અવિસ્મરણીય બની રહેશે. નાગ્રેચા પરિવારે એક મહાન મોભી ગુમાવ્યા છે, જેઓ પ્રેમાળ પતિ, ભાઈ, કાકા અને ખાસ મિત્ર હતા.
વિનુભાઈ ખૂબ જ દયાળુ હતા અને તેમણે માત્ર યુકેમાં જ નહીં, પરંતુ આફ્રિકા અને ભારતમાં પણ સહાયની સરવાણી વહાવી હતી. તેમણે અનેકવિધ સાંસ્કૃતિક અને સંગીતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરીને ભારતીય સમુદાય, સંસ્કૃતિ અને મૂલ્યોને સુદૃઢ કરવા તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. યુકેમાં વસતાં યુગાન્ડાના એશિયન સમુદાયમાં તેઓ મોખરાનું સ્થાન ધરાવતા હતા. તેઓ એક આદરણીય કુટુંબના સભ્ય હતા, એક મુખ્ય વડા, એક માર્ગદર્શક, એક ઉદ્યોગસાહસિક અને એક મહાન સમુદાય સમર્થક હતા. તેમના જીવનભરના સમર્પણ અને નોંધપાત્ર યોગદાનથી યુકે, ભારતીય અને યુગાન્ડાના સમુદાયો પર અમીટ અસર પડી છે.
સ્વ. બચુભાઈ અને સ્વ. હરિબેન નાગ્રેચાના પુત્ર એવા વિનોદરાય ઉર્ફે વિનુભાઈનો જન્મ 19 જુલાઈ 1945ના રોજ થયો હતો . તેઓ નીલમબેન નાગ્રેચાના પતિ, હસમુખભાઈ, ચંદુભાઈ, જયાબેન ચંદારાણા, ઉષાબેન ઠક્કર (કારિયા), ઉમીબેન રાડિયા અને પન્નાબેન લાખાણીના ભાઈ હતા.
વિનુભાઇની સ્મૃતિમાં 25 એપ્રિલ - ગુરુવારના રોજ સાંજે 7.00થી 9.30 દરમિયાન હરિબેન બચુભાઈ નાગ્રેચા હોલ (202-204 લેટન રોડ, લંડન, E15 1DT) ખાતે પ્રાર્થના સભા યોજાઇ છે. આ સિવાય 26 એપ્રિલના રોજ સાંજે 7:00 થી 8:30 દરમિયાન તેમના નિવાસસ્થાન (હરિ નિવાસ, 8 ગ્રોવ પાર્ક, વાનસ્ટેડ, લંડન, E11 2DL) ખાતે જઇને પણ વ્યક્તિગત શ્રદ્ધાસુમન પાઠવી શકાય છે.
સ્વ. વિનુભાઇની અંતિમ સંસ્કાર વિધિ સિટી ઓફ લંડન સિમેટ્રી એન્ડ ક્રિમેટોરિયમ (એલ્ડર્સબ્રુક રોડ, લંડન E12 5DQ) ખાતે 28 એપ્રિલ - રવિવારે સવારે 11.45 કલાકે યોજાઇ છે.