આજથી ત્રણ વર્ષ પહેલાં હું ક્રૂઝ શિપમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો હતો. ત્યારે લહેરાતી નાળિયેરીઓ નીચે ક્રિકેટ રમાતું જોઈને એક બાર્બેડિયન (બાર્બાડોસના) ખેલાડી સાથે વાતચીતમાં કહેલું કે વેસ્ટ ઈન્ડિઝમાં કુદરતી વાવાઝોડાં અને તેનો પડકારા તમારા ઘડતરમાં જ છે. આ જ તોફાની રફ્તારથી તમારા ભૂમિપુત્ર સર ગેરી સોબર્સે રનો ઝૂડી નાંખીને મદ્રાસમાં તમારી ટીમને હારમાંથી ઉગારી હતી.
ક્રૂઝ દરમિયાન વહેલી સવારે ચ્હા પીવામાં વિદેશી સહેલાણીઓ સાથે અમે મોર્નિંગ ટી ક્લબ બનાવી હતી. સોનાની ચમકતી થાળી સમાન સમુદ્રમાંથી નીકળતો સુરજ અમે દરરોજ જોતાં અને પોતપોતાના દેશોની અલકમલકની વાતો કરતા. ઓસ્ટ્રેલિયામાં આદિવાસીઓનું પદ્ધતિસર નિકંદન નીકળી રહ્યું છે. મેં મારો આ અભિપ્રાય બેધડક ત્યાંની મિત્રને કહી સંભળાવ્યો હતો, અને તેણે પણ આ વાત ખુલ્લા દિલે સાંભળી હતી. ઈન્ડિયાની વાત નીકળતાં જ મેં તેમને કહ્યું હતું કે અમે ‘મહેમાનગતિ અને વિવિધતા’ માટે જાણીતા છીએ. આમ કહીને વાતના સમર્થનમાં એક કેનેડિયન મિત્રની ડાયરીમાં સંસ્કૃત ભાષામાં ‘અતિથિ દેવો ભવઃ’ સુભાષિત લખી આપતાં બાકી બધા ખુશ થઇ ગયા હતા અને બધાએ તેનો ફોટો લીધો હતો.
આની સાથોસાથ મેં તે વિદેશી મિત્રોને એ પણ સમજાવ્યું હતું કે વિશ્વની જૂનામાં જૂની ભાષાનું બહુમાન ધરાવતી આપણી સંસ્કૃત ભાષા જ્ઞાન–વિજ્ઞાનથી કેટલી સમૃદ્ધ છે અને યુરોપની તમામ ભાષાઓની માતા છે. ભારત સાથે સંકળાયેલી આ બધી વાતો જાણીને વાત જાણીને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ બધા ઉપરાંત મેં વધુ એક ઉદાહરણ ટાંકતા મૂળ સંસ્કૃતમાં લખાયેલી બાપ–દાદા પ્રત્યેની આપણી શ્રદ્ધાંજલિ મેં તેમને અંગ્રેજીમાં કહી સંભળાવી હતી. જેનો ગુજરાતી તરજુમો મેં આ સાથે રજૂ કર્યો છે.
‘ભલે ભુરા સમુદ્રોનાં પાણી મારી શાહી બને, વૃક્ષો મારી કલમ, પૃથ્વીનો ગોળો એક કાગળનો ગોટો, લખતો રહું તમારા ગુણગાન જિંદગીભર, તો પણ તે રહે અધૂરું...’ આ સિવાય મેં તે પરદેશી સહપ્રવાસીઓની ભારત વિશેની વિકૃત માન્યતાઓનું ખંડન પણ કર્યું હતું. ક્રૂઝની છેલ્લી રાત્રિએ અમે બધાએ સાથે મળીને ‘તમામ ભારતીયો વિશ્વગુરુ જેવા છે’ તેવા સન્માન સાથે કેવીયર્સ અને શેમ્પેઈનની શાનદાર પાર્ટી ઊજવી હતી.