બ્રિટનમાં ૨૩મી જૂને આપણા ઈયુમાં સભ્યપદ અંગે જનમત-રેફરન્ડમ યોજાશે. જે લોકોને ૧૯૭૫માં યુરોપિયન કોમ્યુનિટિઝમાં આપણા સભ્યપદ અંગે લેવાયેલા જનમતની યાદ હશે તેમના માટે ઈયુ જનમત વિશે રાજકીય કવરેજના થોડા સપ્તાહો અવશ્યપણે ભૂતકાળમાં લઈ જનારા હશે.
આજની માફક ત્યારે પણ આર્થિક દલીલો પ્રચાર અભિયાનમાં મોખરાના સ્થાને હતી. આપણે યુરોપિયન માર્કેટમાં જોડાવાનો લોકનિર્ણય લીધો તેનાથી આપણા દેશને સમૃદ્ધિ હાંસલ કરવામાં ચોક્કસ મદદ મળી છે. જો આપણે ૧૯૭૫ પહેલાના બ્રિટિશ અર્થતંત્ર વિશે ભૂતકાળમાં જઈએ તો અકાર્યક્ષમ ઉદ્યોગો તેમજ આપણા ઘણા યુરોપિયન પડોશીઓનાં પડછાયામાં રહેલા આપણા અર્થતંત્રની યાદ આવશે.
યુરોપિયન માર્કેટ સાથે મુક્ત વેપાર કરી શકવાના પરિણામે આપણે ત્યાં સંખ્યાબંધ નોકરીઓ આવી હતી, કેટલાક અંદાજ એવા છે કે બ્રિટનમાં ત્રણ મિલિયન જેટલી નોકરીઓ અન્યુ ઈયુ રાષ્ટ્રો સાથેના આપણા વેપાર સાથે સંકળાયેલી છે. એક સમયે ભારે સંઘર્ષ કરતા ઉદ્યોગો, કાર ઈન્ડસ્ટ્રીનું ઉદાહરણ ખાસ આપી શકાય, આપણી ઈયુ મેમ્બરશિપ અને ૭૦૦,૦૦૦થી વધુ કર્મચારીઓ સાથે સમૃદ્ધ થઈ રહ્યાં છે.
ઈયુમાં નાણાકીય સેવાઓના અગ્રણી પ્રોવાઈડરની ભૂમિકાના કારણે સિટી ઓફ લંડન સમૃદ્ધ થાય છે. આ જ રીતે આપણા લગભગ તમામ અગ્રણી એક્સપોર્ટ હાઉસો પણ તેમની સફળતાના મુખ્ય હિસ્સામાં અંગે સિંગલ માર્કેટના સભ્યપદ તરફ અંગૂલિનિર્દેશ કરી શકે છે. ઈયુમાંથી બહાર નીકળવાથી- બ્રેક્ઝિટથી આપણા અર્થતંત્રને કોઈ રીતે નુકસાન નહિ થાય તેવો દાવો કરનારો ખરેખર બહાદુર વ્યક્તિ જ કહી શકાય.
ગત ૪૧ વર્ષમાં આપણે સરકારી હસ્તક્ષેપ, સબસિડીઓ અને યુનિયનોના સહકાર પર મદાર રાખતા અકાર્યક્ષમ અર્થતંત્રમાંથી સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે તેવા ખુલ્લા, મુક્ત-વેપાર અને ગતિશીલ અર્થતંત્રમાં પરિવર્તિત થયા છીએ. આનો થોડોઘણો યશ શ્રીમતી થેચરના નેતૃત્વને અવશ્ય જાય છે. આમ છતાં, ઈયુ મેમ્બરશિપથી આપણા અર્થતંત્રને લાભ થયો નથી તેવી દલીલ કરવી અશક્ય અને અસ્થાને છે.
ચીન, ભારત અને આફ્રિકા જેવા ઉભરતાં બજારો સહિત સમગ્ર વિશ્વમાં આપણા આર્થિક સંબંધો મજબૂત થાય તેમ જોવાં માગતા આપણા જેવા લોકો જાણે છે કે ઈયુમાં રહેવાનો વિકલ્પ જ સૌથી શ્રેષ્ઠ છે. વિશ્વના સૌથી વિશાળ સિંગલ માર્કેટના હિસ્સારૂપ હોવાથી આપણને આ બીજા બજારો માટે આકર્ષક ભવિષ્ય અને ગ્રાહક બનાવે છે અને મુક્ત વેપાર સમજૂતીઓની વાટાઘાટોમાં મજબૂત સ્થિતિએ મૂકે છે.
જો આપણે ૨૩ જૂને ઈયુમાંથી દૂર જવા માટે મત આપીશું તો આપણે એવી પરિસ્થિતિમાં મૂકાઈશું, જ્યાં સિંગલ માર્કેટની સવલત મળવાની કોઈ ખાતરી નહિ હોય અને ઉભરતાં બજારો સાથે વાટાઘાટો કરી શકવાની પણ ગેરંટી નહિ હોય. વાટાઘાટો કરવાની આપણી પોઝિશન નબળી હશે, અને પ્રેસિડેન્ટ ઓબામાએ કહ્યું હતું તેમ ‘કતારમાં છેલ્લા ક્રમે હોઈશું.’ ‘લીવ’ માટેનું મતદાન સૌથી ખરાબ બની રહેશે.
યુરોપિયન યુનિયનનું સભ્યપદ આપણા માટે સર્વાંગ સંપૂર્ણ હોવાનું મેં કદી વિચાર્યું નથી, મારા મતે તે વધુપડતુ બ્યુરોક્રેટિક અને કેન્દ્રિકૃત છે. જોકે, આ સ્થિતિ સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ ઈયુમાંથી બહાર નીકળવાનો નથી, પરંતુ અંદર રહીને આપણે ઈયુને સુધારવું જોઈએ. ડેવિડ કેમરનની પુનઃ વાટાઘાટો-સોદાબાજીએ દર્શાવ્યું છે તેમ યુરોપિયન નેતાઓમાં પણ યુરોપને વધુ સ્પર્ધાત્મક અને ગતિશીલ બનાવવાની આકાંક્ષા છે.
હું માનું છું કે બ્રિટનનો વિશ્વ પ્રત્યેનો અભિગમ મૂળભૂતપણે બહાર તરફ નજર રાખવાનો છે. આપણી સંસ્કૃતિ હોય, આપણા બિઝનેસીસ કે આપણું રાજકીય વલણ હોય, આપણે વિશ્વથી દૂર ભાગવાના બદલે તેની નેતાગીરી સંભાળવાનો જ અભિગમ રાખીએ છીએ. જો આપણે ૨૩ જૂને ઈયુમાં રહેવા માટે મત આપીશું તો આપણા કિનારાઓથી દૂરસુદૂર નજર નાખતા રહેવાની પરંપરાની સદીઓના કદમોને જ અનુસરીશું.
બ્રિટનનું અર્થતંત્ર ૧૯૭૫ના ગાળા અગાઉની પરિસ્થિતિમાં પાછું પહોંચે તેમ હું ઈચ્છતો નથી, અને વિશ્વમાં આપણી વગ-પ્રભાવ ઘટે તેમ પણ ઈચ્છતો નથી. નરેન્દ્ર મોદી સહિત વિશ્વના નેતાઓ તેમજ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સહિત મુખ્ય વેપારી સંગઠનો બ્રિટન ઈયુમાં જ કહે તેની તરફેણ કરે છે.
આ કારણથી જ, આ મુદ્દે ડેવિડ કેમરન આ રેફરન્ડમમાં આપણા સમર્થનના હકદાર છે, અને આ કારણે જ હું ૨૩ જૂને ઈયુમાં રહેવાની તરફેણમાં મત આપીશ.