વડોદરાઃ શહેરના અલકાપુરી વિસ્તારમાં અરૂણોદય સોસાયટીમાં એકલા રહેતા ૯૨ વર્ષના પ્રભાબેનની ભાળ લેવા સ્થાનિક મહિલા પોલીસ એમની ટીમ સાથે એમની ઓચિંતી મુલાકાતે જઇ પહોંચી. મહિલા પોલીસે કહ્યું કે, અમે તમારી મદદ કરવા આવ્યા છીએ. તમે એકલા છો. તમને કાંઇ મદદ જોઇએ તો જણાવો. પ્રભાબેને એમને મીઠો આવકાર આપી કહ્યું કે, ના હમણાં કોઇ જરૂર નથી. હશે તો કહીશ. તમે અમારા જેવા સીનીયર સીટીઝન્સની દરકાર રાખો છો એ આનંદની વાત છે. વધુમાં એમણે કહ્યું, મારી નીચેના ફ્લેટમાં ઇકબાલભાઇ રહે છે એમનો પરિવાર મારી બધી જરૂરિયાત પૂરી પાડે છે. હું અશક્ત છું અને બહાર નથી નીકળી શકતી. એક ભાઇ તરીકે એમનો પરિવાર મારી કાળજી રાખે છે. વર્ષોથી એમને હું રાખડી બાંધુ છું. કોમી એખલાસનું આ ઉત્તમ ઉદાહરણ.
એમણે કહ્યું, કોરોનાને છોડો અને ચા-પાણી કરો.આજે અહિં મનોરંજન કરીને મૂડ બદલો. અને બાએ ગરબા-લગ્નગીત ગાઇ જુવાનીયાઓને શરમાવે એવા જોશથી પોલીસને મનોરંજન કરાવ્યું. પોલીસ અને એમની ટીમે પણ તાળીઓ પાડી એમના હકારાત્મક અભિગમને વધાવ્યો.
મહિલા પોલીસ એમની ખબર લેવા ગયા અને બાએ તો પોતાના મોજીલા સ્વભાવ મુજબ પોલીસનો હાથ પકડી વર્ષો પહેલાનો કિસ્સો વર્ણવતાં કહ્યું કે, “ આજથી ૨૫ વર્ષ પહેલા એક અછોડાતોડે મારો અછોડો ખેંચી લીધો અને ભાગી રહ્યો હતો ત્યાં જ મેં એને બાથમાં ભીડી લીધો અને બૂમો પાડતાં લોકો દોડી આવ્યા અને પોલીસે પકડી લીધો. એ ચોરને મળવા હું વડોદરાની જેલમાં પણ ગઇ હતી. બાની બહાદૂરી અને ખુમારી માન ઉપજે એવા છે.
બાને પોતાના દિકરા પર બહુ ગૌરવ છે. એમણે ક્હયું કે, મારો દિકરો શશીકાન્ત વર્ષમાં બે વખત લંડનથી વડોદરા આવી મારી સાથે ત્રણ મહિના રહી જાય છે. મારી તબિયત બગડ્યાના સમાચાર મળતા તરત જ દોડીને આવી જાય છે. એમનાં પુત્રવધૂ વર્ષાબેન બાવીસી હેરો એશિયન વુમન સંસ્થાના પ્રેસિડેન્ટ છે અને નવનાતમાં પણ સક્રિય છે. ડીસબીલીટી સેન્ટરમાં ય સેવા આપે છે અને કિરણ ટોકીંગ સેન્ટરમાં ચક્ષુહીનો માટે દર વીકે સમાચાર અને માહિતી સભર કિસ્સાઓનું વાંચન કરવાની સેવા આપે છે.
પ્રભાબાના આ સમાચારે સ્થાનિક અખબારોમાં આકર્ષણ જમાવ્યું.
જૈન પરિવારમાં મૂળ આફ્રિકામાં જન્મેલ પ્રભાબેનના પતિનું અવસાન થયા બાદ તેઓ એકલા વડોદરામાં સ્વેચ્છાએ રહે છે. એમનો દિકરો શશીકાન્તભાઇ લંડનમાં રહે છે અને દિકરો સાથે રહેવા આગ્રહ કરે છે. પણ બાને તો પોતાની રીતે પોતાની સ્વતંત્ર જિંદગી જીવવામાં જ રસ હોવાને કારણે તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. આ ઉમરે પણ એકલા રહેવાની તેમની હિમત દાદ માગી લે તેવી છે.