લંડનઃ યુકેની શાળાઓમાં લગભગ 90 ટકા શિક્ષકોને ઈક્વલિટી એક્ટ કેવી રીતે આફ્રિકન હેરસ્ટાઈલ મુદ્દે લાગુ કરી શકાય તેની કોઈ પ્રકારની તાલીમ મળી નથી. શાળાઓમાં યુનિફોર્મ પોલિસી હેઠળ આફ્રો હેરસ્ટાઈલ વંશીય ભેદભાવનો મુદ્દો બની રહ્યો છે.
શિફ્ટ ઈનસાઈટ અને વર્લ્ડ આફ્રો ડે વચ્ચે સહકારથી ‘ધ ટીચિંગઃ ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન સ્ટડી’ અભ્યાસમાં જણાયું છે કે માત્ર 8 ટકા શિક્ષકો જ શાળાની યુનિફોર્મ પોલિસીઝ વિદ્યાર્થીઓની જાતિ અથવા વંશીયતા પશ્ચાદભૂના સંદર્ભે ભેદભાવ સર્જવાની ઊંચી અથવા ઘણી ઊંચી શક્યતા ધરાવતી હોવાનું જાણતા હતા. તાજેતરના વર્ષોમાં અશ્વેત બાળકોને વાળના લીધે ભેદભાવ સહન કરવો પડ્યો હોય તેવા ઘણા કિસ્સા જોવાં મળ્યાં છે. 500 શિક્ષકોના સર્વેમાં જણાયું હતું કે 52 ટકાએ વિદ્યાર્થીઓ સાથે જાતિ અને વંશીયતાના મુદ્દા ચર્ચવા આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો જ્યારે 29 ટકા આફ્રો હેરના ભેદભાવ વિશે જણાવી શક્યા ન હતા.
વર્લ્ડ આફ્રો ડેના સ્થાપક મિશેલ ડી લિઓને જણાવ્યા મુજબ યુકેની શાળાઓમાં આફ્રો હેર ભેદભાવનો અંત લાવવા તમામ શિક્ષકો માટે નવી ડાયવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લુઝન ટ્રેનિંગ આવશ્યક છે. દાયકાઓ સુધી અશ્વેત બાળકોને તેમની હેરસ્ટાઈલ બાબતે સજા કરાતી હતી અને શાળામાં તેને સ્થાન ન હોવાનું કહેવાતું હતું જેની ખરાબ અસર બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડતી રહી છે. શાળામાં નવી નીતિ અમલી બનાવવી જોઈએ જેથી આફ્રો સ્ટાઈલના વાળ ધરાવતાં બાળકો પણ શિક્ષણનો સંપૂર્ણ અનુભવ મેળવી શકે.