લંડનઃ આંતરરાષ્ટ્રીય માઈન્ડ ટ્રેનર અને લાઈફ કોચ ડો. જિતેન્દ્ર અઢીઆ સાત વર્ષના લાંબા ગાળા પછી ઓગસ્ટ મહિનામાં યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ માનવીના અવચેતન મનની શક્તિ અંગે જાગૃતિ ફેલાવવા ઈચ્છે છે. આપણા તમામના મનની શક્તિ ૧૦૦ ટકા હોય છે પરંતુ, અજ્ઞાનના કારણે ૧૦ ટકાથી વધુ શક્તિનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહીએ છીએ.
આપણા મન બે પ્રકારના છે, ચેતન (Conscious) અને અવચેતન (Subconscious) મન. ચેતન મન માત્ર ૧૦ ટકા શક્તિ ધરાવે છે જ્યારે અવચેતન કે અર્ધજાગ્રત મનની શક્તિ ૯૦ ટકા હોય છે. આપણે ચેતન મનથી સ્વપ્ના નિહાળીએ છીએ પરંતુ, તેનું વાસ્તવિકતામાં રુપાંતર અવચેતન મનની શક્તિ થકી જ થતું હોય છે.
જો તમે સફળતા અને ખુશી મેળવવા ઈચ્છતા હો તો તમારે તમારા અવચેતન મનની શક્તિને નાથવી જોઈએ. અવચેતન મન આપણી અંદર જ નિદ્રાધીન મહાકાય શક્તિ છે. આપણી પોતાની જ શક્તિઓ વિશે અજ્ઞાનતાના કારણે જ નિષ્ફળતા અને અસુખનો શિકાર બનીએ છીએ.
ડો. જિતેન્દ્ર અઢીઆ મેડિકલ ક્ષેત્રના ડોક્ટર છે, જેમણે ૧૯૮૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમ્યુનિટી મેડિસીનમાં M.D.ની ડીગ્રી મેળવી છે. તેઓ હાલ અમદાવાદમાં કાર્યરત છે. તેમણે હવે પોતાનું કાર્યક્ષેત્ર અને રસ મેડિસીનમાંથી બદલી મનોશક્તિ-માઈન્ડ પાવર પર કેન્દ્રિત કર્યો છે. તેઓ વિશ્વના તમામ મુખ્ય શહેરોમાં માઈન્ડ પાવર કાર્યક્રમો આપી રહ્યા છે. તેમણે જીવન સંબંધિત વિવિધ વિષયો પર ૧૦૦થી વધુ પુસ્તક અને સીડીનું આલેખન કર્યું છે. તેમણે અમદાવાદમાં વિશ્વની સર્વ પ્રથમ માઈન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થાપી છે અને વિશ્વની પ્રથમ માઈન્ડ યુનિવર્સિટી સ્થાપવાનો ઉદ્દેશ ધરાવે છે.
ડો. અઢીઆ સાત વર્ષ અગાઉ એક સપ્તાહ માટે લંડનની મુલાકાતે આવ્યા હતા અને નીસડનના BAPS સ્વામીનારાયણ મંદિર તેમજ બ્રહ્માકુમારીના ગ્લોબલ કો ઓપરેશન હાઉસ ખાતે કાર્યક્રમોનું સંચાલન કર્યું હતું. આ વખતે તેઓ અવચેતન મનની શક્તિની જાગૃતિ કેળવવા ઈંગ્લેન્ડના વિવિધ પ્રદેશોની મુલાકાત લેવા ઈચ્છુક છે. તેમના તમામ કાર્યક્રમ નોન-પ્રોફેશનલ અને કોમ્પ્લીમેન્ટરી ધોરણના રહેશે. આ કાર્યક્રમનો સમયગાળો ૧-૨ કલાકનો રહેશે, જેમાં અનેક વિડીઓ અને કવાયતો સાથે પાવર પોઈન્ટ રજૂઆતો કરવામાં આવશે.
ડો. અઢીઆ બીજી ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટ સુધી ઈંગ્લેન્ડમાં રહેશે. તેમના વિશે વધુ જાણકારી મેળવવા તમે તેમની વેબસાઈટ www.dradhia.comની મુલાકાત લઈ શકો છો અથવા તેમની એપ્લિકેશન Dr. Jeetendra Adhia પણ મોબાઈલ (એન્ડ્રોઈડ અને આઈફોન)માં ડાઉનલોડ કરી શકો છો. માત્ર કોમ્પ્લીમેન્ટરી ધોરણે તેમના કાર્યક્રમોનું આયોજન કરવા ઈચ્છતી નોન-પ્રોફિટ સંસ્થાઓ શ્રી સીબી. પટેલ (Mobile- 7799331891/ office-2077494080) અથવા ડો. મહેન્દ્ર નાથદ્વારાવાલા (07950337760)નો સંપર્ક કરી શકે છે.