લંડનઃ ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન (INSA UK) દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનો કાર્યક્રમ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ખાતે યોજાયો હતો. દેશની વિવિધ યુનિવર્સિટીઓમાંથી આશરે ૧૫૦ વિદ્યાર્થી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભારતના માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરનો સંદેશ કાર્યક્રમમાં આરંભમાં વંચાયો હતો. ભારતથી આવતા વિદ્યાર્થીઓ માટે ‘વતનથી દૂર વતન’નો અનુભવ કરાવવા બદલ તેમણે INSA ની પ્રસંશા કરી હતી.
નવા ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર ચરણજિત સિંહે વિદેશ મંત્રાલય વતી વિદ્યાર્થીઓને આવકાર આપવા સાથે યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓની રચનાત્મક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ભારતના વાસ્તવિક દૂત ગણાવ્યા હતા અને ભારતીય દૂતાવાસના દ્વાર ભારતીય વિદ્યાર્થીઓ માટે હંમેશાં ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. તેમણે આ પહેલ માટે INSA નો આભાર માન્યો હતો.
યુકેના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ આલોક શર્માએ બ્રેક્ઝિટથી યુકે અને ભારત માટે ઐતિહાસિક મૈત્રીસંબંધોને વધુ મજબૂત બનાવવાની તક સાંપડી હોવાનું અને ભારતીય ડાયસ્પોરાથી યુકેને લાભ થયાનું જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સાપ્તાહિક કામના કલાકોની મર્યાદા વધારવા વિશે તેમણે કહ્યું હતું કે યુકે મુક્ત અને વાજબી કાર્ય પર્યાવરણના લાભને જાણે છે અને INSA જેવાં વિદ્યાર્થી સંગઠનોએ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરતા રહેવી જોઈએ.
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (C.I.I)ના યુકેના વડા લક્ષ્મી કૌલે સંસ્થાના ધ્યેયોના કેન્દ્રમાં ‘રાષ્ટ્રનિર્માણ’ હોવાં વિશે જણાવ્યું હતું. બ્રુનેલ યુનિવર્સિટીની વિદ્યાર્થીસંઘમાં ચૂંટાયેલા સૌપ્રથમ ભારતીય પ્રમુખ રણજિત રાઠોડે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ સમક્ષના પડકારોની વાત સાથે તેમને INSAમાં જોડાવા હાકલ કરી હતી.