લંડનઃ ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મમાં શ્યામજી કૃષ્ણ વર્માના પાત્રની ભૂમિકા ભજવનારા અભિનેતા અને હોલીવૂડના નિર્માતા જય પટેલે તાજેતરમાં લંડનમાં 65 ક્રોમવેલ એવન્યુમાં આવેલા ઈન્ડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ક્રાંતિકારી ઈતિહાસ અને રાષ્ટ્રવાદી જોશથી છલોછલ આ ઐતિહાસિક સ્થળના ખંડોમાં ચાલતા જય પટેલ લાગણીભીના બની ગયા હતા. જય પટેલ અભિનેતા હોવાની સાથોસાથ ન્યૂ યોર્કસ્થિત સફળ બિઝનેસમેન પણ છે.
ઈન્ડિયા હાઉસ અને શ્યામજી કૃષ્ણ વર્માનું મહત્ત્વ
ઈન્ડિયા હાઉસના વર્તમાન માલિક માર્કે જય પટેલનું સ્વાગત કર્યું હતું અને ઐતિહાસિક ઈમારતને બરાબર નિહાળવા જણાવ્યું હતું. આ ઘરનો દરેક ખૂણો સ્વાતંત્ર્યવીરોના વારસા અને ભૂતકાળના સ્મરણો સાથે સંકળાયેલો છે. માર્કે જય પટેલને આદમ યામી લિખિત શ્યામજી કૃષ્ણ વર્મા વિશેનું પુસ્તક ભેટ આપ્યું ત્યારે તેઓ ગદ્ગદ્ બની ગયા હતા અને આ મકાન સાથે તેમનો લાગણીભીનો સંબંધ વધુ મજબૂત બન્યો હતો. જય પટેલે જણાવ્યું હતું કે,‘ શ્યામજી અને અન્ય સ્વાતંત્ર્યવીરો આ દીવાલો વચ્ચે યોજનાઓ બનાવતા, રાંધતા, ઊંઘતા અને રણનીતિઓ ઘડતા તેની કલ્પના કરવી પણ અતુલનીય છે. આ વીર નાયકોએ 120 વર્ષ પહેલા આપણા દેશની આઝાદી માટે જે કર્યું તેને વિચારતા પણ હું અભિભૂત થઈ ગયો હતો.’ જય પટેલને આ ઘરમાં વર્મા, સાવરકર, મદનલાલ ધીંગરા, મેડમ કામા, વી.વી.એસ. ઐયર, લાલા હર દયાલ, ભાઈ પરમાનંદ, એમ.પી.ટી આચાર્ય, એસ.આર.રાણા અને ખુદ એમ. કે. ગાંધીએ સેવેલા સ્વપ્ના, ચર્ચાઓ અને મક્કમતાની ઊર્જા પણ અનુભવી હતી.
શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા 1905માં સ્થાપેલું ઈન્ડિયા હાઉસ બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી આઝાદી ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ અને ક્રાંતિકારીઓ માટે આશ્રય અને મુલાકાતનું સ્થળ બની રહ્યું હતું. વર્માની કલ્પના માત્ર મુલાકાતના સ્થળથી પણ વિશેષ હતી, તેમણે ઈન્ડિયન હોમ રુલ સોસાયટીની સ્થાપના કરી તેમજ ભારતની આઝાદીની લડતમાં ચાવીરૂપ બનેલા વિનાયક દામોદર સાવરકર સહિત તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ પણ પૂરી પાડી હતી.
જય પટેલની સંવેદનાસભર મુલાકાત
જય પટેલની ઈન્ડિયા હાઉસની આ પહેલી મુલાકાત નથી. અગાઉ, 1997માં પણ તેમણે મુલાકાત લીધી હતી પરંતુ,‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મમાં શ્યામજી કૃષ્ણ વર્માના પાત્રની ભૂમિકા ભજવવા માટે તેમના જીવન અને વારસામાં ઊંડે ખૂંપી જનારા અભિનેતા તરીકે આ અનુભવ તદ્દન અલગ હતો. વર્મા અને અન્ય ક્રાંતિકારીઓ જે પગથિયાં પર ઉભા હતા ત્યાં ઉભા રહીને જય પટેલને ભૂતકાળ સાથે જોરદાર જોડાણ અનુભવાયું હતું. જય પટેલે જણાવ્યું હતું કે,‘શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિકા ભજવ્યા પછી ઈન્ડિયા હાઉસની મુલાકાતથી અવર્ણનીય લાગણી થઈ છે. 1906માં વર્માની બહાદૂરી અને વિઝનની કલ્પના કરવાથી મને અભૂતપૂર્વ શક્તિ અને લાગણી અનુભવાયાં હતાં.’ જય પટેલે શ્યામજી કૃષ્ણ વર્માની યાત્રાને ઊંડાણથી સમજી શકવાનો યશ મહાન નેતા શ્યામજી કૃષ્ણ વર્માના જીવન, સંઘર્ષોનું વર્ણન ધરાવતા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના પુસ્તકને આપ્યો છે. જય પટેલે શ્યામજી કૃષ્ણ વર્માની પૂણ્યતિથિ 30 માર્ચે વર્માના જન્મસ્થળ કચ્છના માંડવીની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ પણ આપી હતી .