લંડનઃ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે સત્તાનશીન થઈ રહેલા ઈમરાન ખાન નિયાઝી રાજકારણમાં દાખલ થયા તે પહેલા લંડનની વીઆઈપી ક્લબોની પાર્ટીઓમાં તેમની ઉપસ્થિતિ કાયમી ગણાતી હતી. ઈમરાન ભલે અત્યારે કહે છે કે તેને તથાકથિત પ્લેબોય ઈમેજ વિશે કશું યાદ નથી પરંતુ, લોકો તેને ભૂલ્યા નથી. તેઓ સેલેબ્રિટીઝ અને વિશેષતઃ મહિલાઓમાં ભારે લોકપ્રિય હતા. ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં તેઓ અલગ જ પ્રકારની પાર્ટીમાં સક્રિય હતા. ઈમરાને ક્રિકેટમાં પાકિસ્તાની ટીમનું નેતૃત્વ છોડી દીધું હતું અને રાજકારણથી માઈલો દૂર હતા ત્યારે પણ સેન્ટ જેમ્સની નાઈટક્લબ ટ્રેમ્પ તેના અંગત બેઠકરુમ તરીકે જાણીતી હતી. નાઈટક્લબ ટ્રેમ્પના માલિક જ્હોની ગોલ્ડ કહે છે કે સુંદરીઓ હંમેશા તેમનો સંગાથ ઈચ્છતી હતી. ખાનને પોતાની સ્ત્રીમિત્રોમાં આવો ઉન્માદનો સ્પર્શ ગમતો હતો. તેને લંડનના ઉચ્ચ સમાજમાં હળવું મળવું પસંદ હતું.
ઈમરાન ખાન એવી હેન્ડસમ ટ્રોફી હતા, જેનું પ્રદર્શન કરવા હાઈ સોસાયટીની હોસ્ટેસીસ ઝંખતી હતી અને વિશ્વનો સૌથી પ્રસિદ્ધ કુંવારો ખાન તેમની ઈચ્છાપૂર્તિમાં પાછો પડે તેવો ન હતો.
મોડેલ મેરી હેલ્વિને કહ્યું હતું કે, ‘કોઈ પણ પુરુષ ઈમરાન જેવો સ્તબ્ધ કરી દેનાર ન હતો. દરેક તેનાથી વશીભૂત થઈ જતા હતા. તેની સુગંધ જ એવી હતી, જે સ્ત્રીઓને પાગલ બનાવી દેતી હતી.’ તે તમાકુ અને આલ્કોહોલ કેશેમ્પેનથી દૂર જ રહેતો હતો પરંતુ, જેમિમા ખાન સહિતની તેની ગર્લફ્રેન્ડ્સ તેમના ઉછેર અને દેખાવ પરથી પરખાઈ જતી હતી.
ઈમરાને પ્રથમ લગ્ન કર્યા તે અગાઉ પ્રખ્યાત જર્નાલિસ્ટ પેટ્રિક સાર્જન્ટની દીકરી એમ્મા સાર્જન્ટ સાથે તે ગળાડૂબ પ્રેમમાં હતો. લંડનની એક નાઈટક્લબમાં તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. એમ્માએ તેને લંડનના ઉચ્ચ સમાજમાં પ્રવેશ કરાવ્યો હતો. ઈમરાનથી સાત વર્ષ નાની એમ્મા સ્વપ્નશીલ કલાકાર હતી અને ક્રિકેટનો ક પણ જાણતી ન હતી. સાંસ્કૃતિક તફાવતના કારણે લગ્ન થઈ નહિ શકે તે જાણતી એમ્મા ૧૯૮૨માં પાકિસ્તાન ગઈ હતી ત્યારે તેણે ઈમરાન કે તેની માતા શૌકત સાથે મુલાકાત કરી ન હતી. ઈમરાન ખાન ઈંગ્લેન્ડના પ્રથમ પ્રવાસે ગયો ત્યારે માતા શૌકત ખાનુમે સલાહ આપી હતી કે,‘વિદેશી સ્ત્રીને પત્ની તરીકે ન લઈ આવતો.’ જોકે, તે વિદેશી પત્ની લાવ્યો તે પહેલા જ માતાનું મૃત્યુ થઈ ગયું. જોકે, કોઈ પણ ક્રિકેટરને દેશવિદેશમાં રખડવું પડે તે સ્વાભાવિક છે અને તેથી સતત સંગાથ ન રહેવાથી ૧૯૮૬માં તેમના સંબંધોનો અંત આવ્યો હતો.
MCC કમિટીના સભ્ય જોનાથન ઓર્ડર્સનો ભાઈ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઈમરાનની સાથે હતો. ઓર્ડર્સે એક વખત કહ્યું હતું કે પાર્ટીમાં સુંદર છોકરીઓ ન હોય તો તેને જરા પણ ગમતું ન હતું. ઈમરાનની પાર્ટીઓ તો ચાલતી જ રહેતી હતી. ધ ટાઈમ્સના ક્રિકેટ લેખક જ્યોફ્રી ડીન દ્વારા અપાયેલી પાર્ટીમાં ભોજન આવતાં વિલંબ થયો ત્યારે ખાન અને તેની મહિલામિત્ર ડીનના બેડરુમમાં અદૃશ્ય થઈ ગયાં.
ડચેસ ઓફ યોર્કની મિત્ર લુલુ બ્લેકરે કહ્યું હતું કે ઈમરાન જરા દંભી છે. છોકરીઓ તેના ચરણોમાં આળોટી જાય છે તે જાણતો ઈમરાન ઘણી વખત ઉદ્ધત વર્તન પણ કરતો હતો. તેણે ઈમરાનનો પરિચય સુસાનાહ કોન્સ્ટેન્ટાઈન સાથે કરાવ્યો હતો, જે પાછળથી ટેલિવિઝન સેલેબ્રિટી બની હતી. ભારે પ્રયત્નો કરવા છતાં તેમની મિત્રતા પણ છુપી રહી ન હતી. જોકે, તેની ભ્રમરવૃત્તિના કારણે એક વર્ષમાં જ સંબંધોનો અંત આવ્યો હતો.
ગોસીપ કોલમ લેખક જુલીઆ વેર્ડિન પણ હર્લિંઘામ ક્લબમાં નૃત્ય કાર્યક્રમમાં ઈમરાન સાથે દેખાઈ હતી. માર્ક્વિસ ઓફ બ્લેન્ડફોર્ડ (હાલ ડ્યૂક ઓફ માર્લબરો)ની પૂર્વ ગર્લફ્રેન્ડ ડૂન મૂર પણ ઈમરાનની દિવાની થઈ ગઈ હતી. તેણે પોતાની અંતરની લાગણી એક મિત્ર સમક્ષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે,‘ અમે જ્યારે તેના રુમમાં સાથે હોઈએ ત્યારે પણ તેને મળવા આતુર છોકરીઓનાં ફોન રણક્યાં જ કરતા હતા.
કોલમિસ્ટ ટાકીની પૂર્વ ગર્લફ્રેન્ડ એમિલીએ તો ૧૯૯૦ના દાયકાની શરુઆતમાં એમ કહ્યું હતું કે, ‘ઘણી બધી સ્ત્રીઓ ઈમરાનના પ્રેમમાં પાગલ હતી અને તેથી જ તેણે પ્રાઈમ મિનિસ્ટર બનવાના બદલે સંત બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ.’
વર્તમાન ડ્યૂક ઓફ બ્યૂફોર્ટ સાથે પરણેલી ટ્રેસી વોર્સ્ટરે ત્રણ દાયકા અગાઉ ઈમરાનને રાજકારણમાં જવા સલાહ આપી હતી. ટ્રેસીએ ઈમરાન અને ક્રિકેટપ્રેમી હેરોલ્ડ પિન્ટરના માનમાં આપેલી પાર્ટીમાં ઈમરાનને કહ્યું હતું કે તેણે પોતાના દેશ માટે ન્યાય મેળવવા જાનનું જોખમ ઉઠાવવા પણ તૈયાર રહેવું જોઈએ. આજે ઈમરાન તે જ કરી રહ્યો છે. કિંગ્સ રોડ અને ટ્રેમ્પના પ્લેબોય દિવસો તેની યાદમાંથી જાણે ભૂંસાઈ ગયા છે, જે તેની અસંખ્ય ગર્લફ્રેન્ડ્સનાં દિલોદિમાગમાં તરોતાજા જ હશે.