લંડનઃ તમારા સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકુળ હોય પણ તમે ઉદ્યમમાં માનતા હોવ અને જરૂરી પ્રયાસો કરો તો તમે સમૃદ્ધ થઈ જ શકો. લંડનના સૌથી વંચિત વિસ્તારના રહેવાસી શાહ મીયાના ૧૫ વર્ષીય પુત્ર કાસીફ કામલી £૭૬,૦૦૦ની બે વર્ષની સ્કોલરશિપ જીત્યા પછી પ્રિન્સ વિલિયમ અને હેરીના પગલે ચાલીને એટનની વિશ્વવિખ્યાત પબ્લિક સ્કૂલમાં ભણશે.
કાસીફ આગામી સપ્ટેમ્બરથી એ-લેવલ મેથ્સ, કેમીસ્ટ્રી, ઈંગ્લિશ લિટરેચર, બાયોલોજી અને હિસ્ટ્રીનો અભ્યાસ કરશે. હાલ ઈસ્ટ લંડનની ફોરેસ્ટ ગેટ કોમ્યુનિટી સ્કૂલમાં ભણતો કાસીફ આ સ્કોલરશિપ મેળવનારો સ્કૂલનો બીજો વિદ્યાર્થી છે. તે તમામ GCSE માં A* ગ્રેડ મેળવશે તેવો અંદાજ છે.
કાસીફે જણાવ્યું હતું કે હીથ્રો એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા તેના વિકલાંગ પિતા તેના માટે હીરો છે. તે તેમની પાસેથી જ કાર્યપદ્ધતિ શીખ્યો અને સફળ થયો છે. કાસીફના પરિવારમાં ભાઈ ઈહતીશામ અને બહેન તસનીમ છે. તેની માતા શેલી બેગમનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો.