લંડનઃ ગેરકાયદે કામદારોને કામે રાખવાના કથિત આક્ષેપો પછી બંધ કરાયેલા સિટીના અગ્રણી કરી હાઉસીસમાં સ્થાન ધરાવતા પંજાબી પરિવારની માલિકીના રેસ્ટોરાં ‘Tayyabs’ને ફરી ચાલુ કરવામાં આવ્યું છે. ઈમિગ્રેશન દરોડા પછી વ્હાઈટચેપલના આ રેસ્ટોરાંને ગત ૨૯ ઓગસ્ટ, મંગળવારથી ગુરુવાર સુધી બંધ કરી દેવાયું હતું. અગાઉના ગુનાઓના પગલે ૯૫,૦૦૦ પાઉન્ડના બાકી નીકળતાં સિવિલ પેનલ્ટી દંડના કારણે અધિકારીઓએ ક્લોઝર નોટિસ ફટકારી હતી.
રેસ્ટોરાંમાલિક અલીમ તાયબે જણાવ્યું હતું કે હવે તેઓ સ્ટાફની ભરતી અને ઈમિગ્રેશન પરમિટ્સની ચકાસણી ઈન-હાઉસ જ કરાવશે. ત્રીજી પાર્ટીની ભૂલના કારણે તેમને રેસ્ટોરાં બંધ કરવાની ફરજ પડી હતી. તેમનો સ્ટાફ મુખ્યત્વે બ્રિટિશ જ છે, જેમાં કેટલાંક મૂળ બાંગલાદેશી, પાકિસ્તાની, ભારતીય અને પૂર્વ યુરોપીય પણ છે.
ઈસ્ટ લંડનના આ ખાદ્યગૃહનો આરંભ ૧૯૭૨માં કરાયા પછી બેન્કર્સ અને પ્રોફેશનલ્સમાં તે લોકપ્રિય બન્યું હતું. એવોર્ડવિજેતા રેસ્ટોરાંમાં શરાબ પીરસાતો નથી પરંતુ, ગ્રાહકો પોતાની સાથે બહારથી આલ્કોહોલ લાવી શકે છે, જે તેમને સસ્તો વિકલ્પ જણાય છે.
હોમ ઓફિસની ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સીએ દરોડો પાડ્યા પછી કથિતપણે કહેવાયું હતું કે તેના ૪૦ કર્મચારીમાંથી કેટલાક ગેરકાયદે કામ કરે છે અથવા તેમની પાસે યોગ્ય પરમિટનો અભાવ હતો. નવ ગુનેગારની ઓળખ થયાં પછી તેમાંથી પાંચ પાકિસ્તાનીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું હોમ ઓફિસે જણાવ્યું હતું. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે રેસ્ટોરાં પાસે સિવિલ પેનલ્ટીનાં ૯૫,૦૦૦ પાઉન્ડના બાકી નીકળતાં હતાં, જ્યારે નવી પેનલ્ટી નોટિસમાં ૧૮૦,૦૦૦ પાઉન્ડ સુધીની પેનલ્ટી લગાવાશે.