લંડનઃ ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટ પછી ઈયુ અને યુકે વચ્ચે મુક્ત અવરજવરને એક ઝાટકે અટકાવવા ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારની રુપરેખા આપવામાં આવી છે. આ સાથે ઓસ્ટ્રેલિયન સ્ટાઈલમાં પોઈન્ટ્સ સિસ્ટમ અપનાવાશે, જે યુવાન અને કુશળ વર્કરને બ્રિટન આવવા માટે આકર્ષશે. આ નવી સિસ્ટમ ઈમિગ્રેશન એન્ડ સોશિયલ કો-ઓર્ડિનેશન (ઈયુ વીથ્ડ્રોઅલ) બિલનો મહત્ત્વનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટરમાં ટોરી પાર્ટીના અધિવેશનમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે મુક્ત અવરજવરના ખ્યાલને અટકાવી દેવાની યોજનાની ઘોષણા કરી હતી.
નવી સિસ્ટમ ૨૦૨૧થી અમલમાં મૂકાય અને માઈગ્રન્ટ્સ યુકે આવે ત્યારે લંડનની બહારના વિસ્તારોમાં રહે તેને ઉત્તેજન આપતાં પગલાં પણ તેમાં સમાવાય તેવી ધારણા છે. હોમ સેક્રેટરીએ નવી સિસ્ટમ ગોઠવવામાં મદદ માટે ઓસ્ટ્રેલિયન અધિકારીઓને બોલાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઈમિગ્રેશન સિસ્ટમમાં સરકારની માન્યતા અનુસાર જે લોકો અર્થતંત્રમાં યોગદાન આપી શકે અને કૌશલ્યની તંગીને પૂર્ણ કરી શકે તેમને દેશમાં આવવાની છૂટ આપવાની વ્યવસ્થા છે.
સ્કિલ્ડ વર્કર વિઝા એ લોકોને મળી શકે જેઓ સંખ્યાબંધ કેટેગરીઝ માટે પોઈન્ટ આધારિત મૂલ્યાંકનમાં ઓછામાં ઓછાં ૬૦ પોઈન્ટ મેળવી શકે છે. જોકે, વયનું મહત્ત્વ સૌથી વધુ છે અને તમામ અરજદારની વય ૫૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. યુવાન અરજદારને આપમેળે ૩૦ પોઈન્ટ મળી જશે જ્યારે, ૫૦ વર્ષની વય તરફ જનારાને શૂન્ય પોઈન્ટ મળશે. આમ, તેમના સ્વીકારની શક્યતા ઘટી જશે. અન્ય ચાવીરુપ ઘટક સંતોષકારક રીતે અંગ્રેજી વાચવા અને લખવાની ક્ષમતા છે. સારી ક્ષમતા ધરાવનારને યોગ્ય પોઈન્ટ્સ મળશે જ્યારે શ્રેષ્ઠ ક્ષમતા માટે વધુ પોઈન્ટ્સ મળશે. આ પછી, ક્વોલિફિકેશન અને કૌશલ્યપૂર્ણ રોજગારીનો ઈતિહાસ તપાસાય છે. આ કેટેગરીમાં અરજદાર સૌથી વધુ પોઈન્ટ મેળવી શકે છે. ઓસ્ટ્રેલિયાની બહાર પાંચ વર્ષની કૌશલ્યપૂર્ણ કામગીરી હોય તેને ૧૦ પોઈન્ટ અપાય તેની સામે PHD ક્વોલિફિકેશન ધરાવનારને ૨૦ પોઈન્ટ મળે છે.