લંડનઃ દીવાળીના પર્વ અગાઉ રાત્રે ચાર બુકાનીધારી શખ્સોએ ઈલ્ફર્ડમાં રહેતા ૬૦ વર્ષીય હરમીન્દર ધિલોનના ઘરમાં ઘૂસીને તેમને બંધક બનાવીને £૩૦,૦૦૦ની જ્વેલરીની લૂંટ ચલાવી હતી.
ઘરના પાછળના દરવાજેથી ઘૂસેલા આ શખ્સોએ ત્રણ સંતાનોના પિતા હરમીન્દરને ખૂબ માર પણ માર્યો હતો. ધિલોને જણાવ્યું હતું,' મેં તેમની સાથે લડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેમની સંખ્યા વધારે હતી. બે ચોર હોત તો હું તેમને મારી શકત પણ તેમણે મને મારવાનું ચાલુ જ રાખ્યું હતું. મેં તેમને જ્વેલરી ન આપી હોત તો તેઓ મને છૂરો મારે તેમ હતું. પણ જ્વેલરી ક્યાં છે તે હું જાણતો જ ન હતો, કારણ કે મારા પત્ની મારાથી પણ ઘરેણા સંતાડીને રાખે છે. મેં બૂમ પાડીને તેમને કહ્યું કે તમને મળે તો લઈ લો. પછી એક જણને મારું ધ્યાન રાખવા મૂકીને તેઓ ઉપર ગયા હતા.'
ધિલોને ઉમેર્યું હતું, 'મારા લગ્નની વીંટી સહિત પરિવારની ઘણી જ્વેલરી તેઓ લૂંટી ગયા હતા. મેં આખી જીંદગી સખત મહેનત કરી હતી અને આ લોકો મારું બધું જ લૂંટી ગયા. હું ઘરે જ્યારે એકલો હોઉં છું ત્યારે તેના (હુમલા) વિશે વિચારું છું. ખરેખર, તે ભયાનક હતો.'