બર્મિંગહામઃ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટ (Isil)માં જોડાવા ૧૪ મહિનાના પુત્ર સાથે સીરિયા નાસી ગયેલી ૨૬ વર્ષીય તારીના શકીલને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ત્રાસવાદી સંગઠનના સભ્ય હોવા બદલ દોષિત ઠરાવવા સાથે છ વર્ષની સજા ફરમાવી છે. યુદ્ધગ્રસ્ત સીરિયાથી પરત આવ્યાં પછી આવી રીતે સજા કરાયેલી તે પ્રથમ બ્રિટિશ મહિલા છે. પહેલી ફેબ્રુઆરી, સોમવારે જસ્ટિસ ઈન્માને સજા સંભળાવતા કહ્યું હતું કે તેને પસ્તાવો કે નાના બાળકના ભાવિની કોઈ ચિંતા નથી. નાના બાળકને સાથે લઈ જઈને તેણે આઈએસ માટે ભવિષ્યમાં ફાઈટર્સ પૂરા પાડવાની ભૂમિકા ભજવી છે.
બ્રિટિશ માતા ઓક્ટોબર ૨૦૧૪માં સીરિયા ગઈ હતી, પરંતુ ચાર મહિના પછી પરત આવેલી તારીનાએ પોતાને અપહરણ કરી તુર્કી અને તે પછી સીરિયા લઈ જવાયાનો દાવો કર્યો હતો. યુકે આવ્યાં પછી પોલીસે જોખમરૂપ ગણી તેની ધરપકડ કરી હતી. યુનિવર્સિટી ગ્રેજ્યુએટ તારીનાએ બાળક સાથે બંદૂકો વચ્ચે અને ત્રાસવાદી સંગઠનના લોગો સાથેના વસ્ત્રોમાં તસવીરો પણ ખેંચાવી હતી. તારીનાએ કહ્યું હતું કે તેને અહમદ નામની વ્યક્તિ સાથે પ્રેમ હતો. અહમદે મળવાનું વચન આપ્યું હતું, પરંતુ તે આવ્યો ન હતો અને તેને અપહરણ કરી તુર્કી લઈ જવાઈ હતી.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટની જ્યુરીએ શુક્રવારે તારીનાનો દાવો ફગાવી દેવામાં બે દિવસથી પણ ઓછો સમય લીધો હતો. તેને Isilના સભ્ય તેમજ ટ્વીટરની સંખ્યાબંધ પોસ્ટ્સમાં ત્રાસવાદી કૃત્યોને પ્રોત્સાહન આપવા બદલ દોષિત ઠરાવી હતી. તેણે સોશિયલ મીડિયામાં ઈસ્લામિક સ્ટેટના કાળા ધ્વજ તેમજ શસ્ત્રો ઉઠાવવા ઉપરાંત, શહીદ થવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. કોર્ટ સમક્ષ બે સપ્તાહની ટ્રાયલમાં બધા ટ્વીટ્સ, ફોટોગ્રાફ્સ, સંદેશાઓ દર્શાવાયા હતા.