લંડનઃ શનિવારની રાત્રે લંડન બ્રિજ અને બરો માર્કેટમાં સાત લોકોની હત્યા અને ૪૮ લોકોને ઈજા પહોંચાડનારા ત્રણ આતંકવાદીને પોલીસે ઠાર માર્યા હતા. મૂળ પાકિસ્તાની મૃતક આતંકવાદી ખુર્રમ બટની પ્રવૃત્તિઓ વિશે પોલીસને બે વખત માહિતી આપવામાં આવી હતી છતાં તેને ગંભીરતાથી લેવાઈ ન હોવાનું કહેવાય છે. ૨૭ વર્ષનો ખુર્રમ બટ ગયા વર્ષે ચેનલ ફોરના બ્રિટિશ જેહાદીઓ વિશેના કાર્યક્રમમાં રીજન્ટ પાર્કમાં ISISના ધ્વજ લહેરાવતો દેખાયો હતો. તે બાળકોને મીઠાઈ ખવડાવી ઉદ્દામવાદના પાઠ શીખવતો હોવાના આક્ષેપો પણ બે વર્ષ અગાઉ થયા છે. એક અન્ય હત્યારા પાસેથી આઈરિશ ઓળખપત્ર પણ મળી આવ્યું હતું.દેશની સિક્યુરિટી સર્વિસીસે આ મુદ્દે મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરવો પડશે.
આર્સેનલ શર્ટ પહેરેલો અને મિત્રોમાં ‘Abz’ નામે જાણીતા હત્યારો ખુર્રમ બટનો જન્મ પાકિસ્તાનના ઝેલમ પ્રદેશમાં ૧૯૯૦ની ૨૦ એપ્રિલે થયો હતો. તે બે વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર યુકે આવીને વસ્યો હતો. બટના કાકા નાસિર દારે જણાવ્યા અનુસાર તે બે દાયકામાં માત્ર બે વખત જ પાકિસ્તાન આવ્યો હતો.
તેની ત્રાસવાદી વિચારધારા વિશે પોલીસને બે-બે વખત રિપોર્ટ કરાયા છતાં જાળમાંથી છટકી ગયો હતો. મે ૨૦૧૩માં વુલીચમાં લી રિગ્બીના હત્યારાઓ વિરુદ્ધ બોલનારા મુસ્લિમોને પણ તેણે ધમકીઓ આપી હતી. મુસ્લિમ રીંગલીડર ખુર્રમ ગયા વર્ષે બ્રિટિશ જેહાદીઓ સંબંધિત ચેનલ ફોરની ડોક્યુમેન્ટરીમાં પણ દેખાયો હતો, જેણે રીજન્ટ પાર્કમાં ISIS સ્ટાઈલનો ધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ માટે જાણીતા બે કટ્ટર ઉપદેશકો પણ હાજર હતા. પાડોશીઓ દ્વારા તેની સામે બાળકોનાં મગજમાં ઉદ્દામવાદ ઠાંસવા મીઠાઈ અને રોકડ રકમની લાંચ આપવાનો પણ આક્ષેપ કરાયો હતો.
પાડોશીઓના બાળકો સાથે ફૂટબોલ અને ટેબલ ટેનિસ રમી પોતાના વિશે સારી છાપ ઉપસાવવાનો તેનો પ્રયત્ન હતો. લોકો પોતાના બાળકો તેની સાથે એકલા રહે તેનો વાંધો પણ પાડોશીઓને ન હતો. બે સંતાનોના પિતા ખંજરબાજ હુમલાખોર ખુર્રમે વેસ્ટમિન્સ્ટર ટ્યૂબ સ્ટેશનમાં પણ નોકરી કરી હતી અને તે પાર્લામેન્ટ હાઉસીસની નીચે આવેલી ટનેલ્સમાં આસાનીથી અવરજવર કરી શકતો હતો. પોતાના સાથીઓથી કટ્ટરવાદની લાગણીઓ છુપી રાખવામાં સફળ ખુર્રમે ડોકલેન્ડ્સમાં કેનેડા વોટર સ્ટેશન અને ગયા વર્ષે મેથી ઓક્ટોબરના ગાળામાં લંડન અંડરગ્રાઉન્ડમાં પણ કામ કર્યું હતું. તેને કટ્ટરવાદના લીધે નહિ પરંતુ, ખરાબ હાજરી રેકોર્ડના કારણે અહીંથી કાઢી મૂકાયો હતો. તેણે નોકરીઓના સ્થળેથી મૂલ્યવાન માહિતી પ્રાપ્ત કરી હશે તેમ પોલીસ હવે માની રહી છે.
બીજા મોરોક્કન હુમલાખોર પાસે આઈરિશ ઓળખપત્ર
મૂળ મોરોક્કન હુમલાખોર રશિદ રેડાઉને લંડન એટેકના થોડા કલાક પહેલા જ પોતાની નાની બાળકીની ગુપ્ત મુલાકાતે ગયો હતો. રશિદે ૨૦૧૨માં બ્રિટિશ નાગરિક ચેરિસ્સે ઓ‘લીઅરી સાથે લગ્ન કર્યા હતા પરંતુ, તેના હિંસક સ્વભાવના કારણે તેઓ છૂટા પડ્યાં હતાં. બ્રિટિશ પત્નીએ ઈસ્લામ અપનાવવા ઈનકાર કર્યો હતો અને એક વર્ષની દીકરી અમીના પર ઈસ્લામ ધર્મ લાદવામાં આવે તેનો વિરોધ કર્યો હતો. રશિદ પત્નીને અવારનવાર મારતો અને બળજબરી કરતો હોવાનું પણ તેના મિત્રોએ જણાવ્યું હતું. બાર્કિંગમાં દરોડા પાડી ધરપકડ કરાયેલી ૧૨ વ્યક્તિમાં રશિદની પૂર્વ પત્નીનો પણ સમાવેશ થયો હતો. હવે આ તમામને મુક્ત કરી દેવાયાં છે. રશિદ અને ખુર્રમે ડબ્લિનમાં થોડો સમય સાથે ગાળ્યો હોવાનું પણ કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે અન્ય ૩૦ વર્ષીય ત્રાસવાદી રશિદ રેડાઉનેના મૃતદેહ પરથી આઈરિશ આઈ-કાર્ડ મળી આવ્યું હતું. આયર્લેન્ડની ગાર્ડા નેશનલ ઈમિગ્રેશન બ્યુરોએ જણાવ્યા મુજબ તેનો જન્મ મોરોક્કોમાં થયો હોવાનું મનાય છે પરંતુ, તે ડબ્લિનમાં સ્કોટિશ પત્ની સાથે રહેતો હતો. આ વ્યક્તિને રાજ્યાશ્રય માટે આયર્લેન્ડ આવ્યા પછી દસ્તાવેજો અપાયા હતા કે ઈયુ સંધિ કાયદાઓ હેઠળ પરિવાર સાથે આયર્લેન્ડમાં રહેવા પરવાનગી અન્વયે આઈ-કાર્ડ અપાયું હતું તે સંબંધે પણ તપાસ હાથ ધરાઈ છે.
ત્રીજો આતંકવાદી મોરોક્કન-ઈટાલિયન યોસેફ ઝાઘબા
લંડન બ્રિજ એટેકના ત્રીજા મૃત આતંકવાદીની ઓળખ ઈટાલીમાં મીડિયા દ્વારા કરાઈ હતી. આ પછી સ્કોટલેન્ડ યાર્ડે તેને સમર્થન આપ્યું હતું. મોરોક્કન-ઈટાલિયન યોસેફ ઝાઘબા તુર્કી થઈને સીરિયા જઈ રહ્યો હતો ત્યારે તુર્કીમાં તેને અટકાવાયો હતો. સિક્યુરિટી સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિટિશ અને મોરોક્કન સત્તાવાળાઓને તેના વિશે ચેતવણી અપાઈ હતી. આના પરિણામે ૨૨ વર્ષીય ઈટાલિયન યોસેફ કેવી રીતે બ્રિટનમાં ઘૂસ્યો તે મુદ્દે પણ નવા પ્રશ્નો ખડા થયા છે. તેણે લંડનના રેસ્ટોરાં Corriere Della Sera રીસોર્ટમાં નોકરી પણ મેળવી હતી. સ્કોટલેન્ડ યાર્ડે ઝાઘબા થોડો સમય ઈસ્ટ લંડનમાં રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.