લંડન: ભારતમાં જન્મેલા ને હાલ બ્રિટનના નાગરિક લોર્ડ કરણ બિલિમોરિયા બહુમુખી પ્રતિભા ધરાવતા હાઉસ ઓફ લોર્ડ્સના વિદ્વાન સાંસદ છે. સેંકડો વર્ષ પહેલાં ઇરાનમાં થઇ રહેલી સતામણીથી બચવા તેમના પૂર્વજોએ ભારતમાં શરણ લીધું હતું. બિઝનેસ અને રાજનીતિમાં સફળતાના શિખરો સર કરનાર લોર્ડ બિલિમોરિયાની ધાર્મિક ઓળખ બ્રિટનમાં લોકોની ઉત્સુકતાનું કેન્દ્ર છે. લોર્ડ બિલિમોરિયાને તેમના પારસી મૂળ પર ગૌરવ છે. તેઓ કહે છે કે બ્રિટિશ અને ભારતીય ઉપરાંત પારસી હોવું મહત્વનું છે. અમે વિશ્વના સૌથી નાના ધાર્મિક સમુદાયો પૈકીના એક છીએ પરંતુ અમે વિશ્વના સૌથી સફળ ધાર્મિક સમુદાયમાં સામેલ છીએ. પારસીઓએ લગભગ તમામ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નામના હાંસલ કરી છે. ઝુબિન મહેતા, રતન તાતા, ફારુખ એન્જિનિયર, ફિલ્ડ માર્શલ માણેક શો જેવા અસંખ્ય નામ ગણાવી શકાય. અમારી સફળતા અમારા ઉછેરને આભારી છે. અમારો ઉછેર સિદ્ધાંતોને આધીન કરાય છે. પારસીઓ ન કેવળ તેમના જ્ઞાતિબંધુઓની કાળજી લે છે પરંતુ અન્ય સમુદાયો માટે પણ સખાવત કરતા આવ્યા છે. બોમ્બેમાં તમને સંખ્યાબંધ પારસી ચેરિટેબલ બિલ્ડિંગ અને સંસ્થાઓ મળી આવશે.
તેઓ કહે છે કે ગુજરાત પહોંચેલા અમારા વડવા દૂધમાં સાકર ભળે તેમ ગુજરાતી સમુદાયમાં ભળી ગયા હતા. તેથી જ આજે પણ પારસીઓ જ્યાં વસે છે ત્યાંના થઇને રહે છે. હું અભ્યાસ માટે પહેલીવાર વિદેશ પ્રવાસ કરતો હતો ત્યારે પિતાએ સલાહ આપી હતી કે તું જ્યાં જાય છે ત્યાંના સમાજમાં પૂરી ક્ષમતાથી ભળી જજે પરંતુ મૂળને ભૂલીશ નહીં. આ જ સિદ્ધાંત બ્રિટનમાં વસતા વિદેશીને લાગુ પડે છે. તેમણે બ્રિટિશ સમાજમાં ઓતપ્રોત થવાની સાથે પોતાના મૂળ પર પણ ગૌરવ અનુભવવું જોઇએ.
‘દાદાભાઇના પ્રથમ સંબોધનથી
હું ઘણો પ્રભાવિત છું’
લોર્ડ બિલિમોરિયા કહે છે કે હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રથમ સંબોધન વખતે નર્વસ હતો. તે સમયે મેં ૧૮૯૨માં સૌપ્રથમ ભારતીય બ્રિટિશ સાંસદ તરીકે ચૂંટાયેલા દાદાભાઇ નવરોજીનું પ્રથમ સંબોધન વાંચ્યું હતું. દાદાભાઇએ પોતાને તે સમયના ૩૫ કરોડ ભારતીયો વતી પ્રતિનિધિત્વ કરી રહ્યાની રજૂઆત કરી હતી. દાદાભાઇના આ સંબોધનથી હું ઘણો પ્રભાવિત છું.