લંડનઃ બ્રેક્ઝિટ મંત્રણાઓમાં મડાગાંઠ સર્જાઈ છે. મંત્રણાના ત્રીજા રાઉન્ડ પછી બ્રિટનના એક્ઝિટ બિલ મુદ્દે અસંમતિ અને વેપારમંત્રણા માટે ઈયુના ઈનકાર બાબતે બ્રિટિશ બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસ અને ઈયુના મંત્રણાકાર માઈકલ બાર્નિયેર વચ્ચે ચકમક ઝરી હતી. બ્રિટન ૯૦ બિલિયન પાઉન્ડ સુધી પહોંચી શકે તેવા એક્ઝિટ બિલની રકમ ચુકવવા સંમત ન થાય ત્યાં સુધી વેપાર મુદ્દે કોઈ વાતચીત નહિ કરવા ઈયુ મંત્રણાકારોએ જણાવ્યું છે. યુકેએ આવી નાણાકીય માગણીઓ ફગાવી દેતા જણાવ્યું હતું કે ઈયુ દરેક બાબતની ચૂકવણીનું દબાણ કરે છે તે યોગ્ય નથી. બીજી તરફ, વડા પ્રધાન થેરેસા મેએ મંત્રણાઓ આરંભવા અથવા વળતા પ્રહાર માટે તૈયાર રહેવાની ચીમકી પણ ઈયુને આપી છે.
પ્રેસ કોન્ફરન્સમાં બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિસે એક્ઝિટ બિલ અંગે યુકેના વલણનો બચાવ કર્યો હતો. ઈયુ નેગોશિયેટર બાર્નિયરે બ્રિટનમાં વસતા ઈયુ નાગરિકો પર અવિશ્વાસ દર્શાવાતો હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સિંગલ માર્કેટને નબળું પાડવાના કોઈ પ્રયાસ સાંખી નહિ લેવાય.
ઈયુ દ્વારા માર્ચમાં જ જણાવાયું હતું કે બ્રિટન એક્ઝિટ બિલ, આઈરીશ-યુકે બોર્ડરના નિયમો તેમજ બ્રેક્ઝિટ પછી યુકે-ઈયુના નાગરિકોની વ્યવસ્થા મુદ્દે બ્રિટન સંમત થાય તે પછી જ બીજા મુદ્દા ચર્ચાશે. સપ્ટેમ્બરમાં મંત્રણાનો વધુ એક રાઉન્ડ યોજાશે પરંતુ, તેમાં આ મુદ્દાઓની મડાગાંઠ ઉકેલવામાં સફળતા મળે તેમ લાગતું નથી કારણકે ઈયુના નેતાઓ વચ્ચે હવે ઓક્ટોબરમાં જ બેઠક યોજાવાની છે.