એક્સ બોયફ્રેન્ડના અત્યાચારનો શિકાર બન્યાં પછી લેસ્ટરમાં મીરા દલાલે જીવન ટુંકાવ્યું

Wednesday 10th May 2017 06:45 EDT
 
 

લેસ્ટરઃ એક્સ બોયફ્રેન્ડના શારીરિક અને માનસિક અત્યાચારનો ભોગ બનેલી ૨૫ વર્ષીય હેલ્થ વર્કર મીરા દલાલે ગઈ ૧૬ ફેબ્રુઆરી,૨૦૧૬ના રોજ લેસ્ટરના પારિવારિક નિવાસસ્થાને જીવન ટૂંકાવી દીધું હતું. તે લેસ્ટરમાં નફીલ્ડ હેલ્થ પ્રાઈવેટ હોસ્પિટલમાં લાયેઝન ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી. તેના એ પુરુષ પાર્ટનરનું નામ જાહેર કરાયું ન હતું. તે લેસ્ટર પોલીસ સમક્ષ કેટલીક વખત હાજર થયો હતો. પરંતુ, તેના પર ક્યારેય ગુનાનો આરોપ મૂકાયો નથી. ઘરેલૂ હિંસાના મુદ્દે મહિલાઓમાં જાગૃતિ કેળવવા માગતા તેના પરિવારે ફંડ રેઈઝિંગ પેજ મારફતે પીડિતો માટે ૬,૦૦૦ પાઉન્ડથી વધુની રકમ એકત્ર કરી છે.

મીરાના પિતા અશોકભાઇ દલાલને સિસ્ટન ખાતેના ઘરે તેનો મૃતદેહ મળ્યો હતો. "ગુજરાત સમાચાર"ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલ સાથે ફોન પર વાતચીત કરતાં અશોકભાઇએ અત્યંત ખેદ સાથે જણાવ્યું કે,‘ગયા શુક્રવારે અમે કોરોનર કોર્ટમાં ગયા હતા ત્યાં જજે મીરાએ આત્મહત્યા કરી હોવાનો ચૂકાદો આપ્યો હતો. મારી દીકરી ખોયાને લગભગ સવા વર્ષ થઇ ગયું પણ હજુ હૈયે ઘા તાજો છે. મને લાગે છે કે અમે આ આઘાતમાંથી કયારેય બહાર આવી શકીશું નહિ. મીરા ખૂબ હસમુખી અને મળતાવડી યુવતી હતી. એ હંમેશા હસતી અને દરેક સાથે મજાક કરતી હતી. બધાને તેના પ્રત્યે ખૂબ સ્નેહ હતો અને તેને પણ બધા પર હેત હતું. હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે આપણા સમાજમાં કોઇનેય આવું દુ:સ્વપ્ન જોવાનો વખત ના આવે. અમારી જે રીતે દીકરી શારિરીક-માનસિક અત્યાચારનો ભોગ બની એવું બીજી નિર્દોષ મહિલાઓ પર ના થાય એ માટે અમે ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓ માટે ફંડ એકત્ર કર્યું હતું. ૧૯૭૨માં યુગાન્ડાના સરોટીથી લેસ્ટર આવીને સ્થાયી થયા છે. મીરાની ૫૫ વર્ષીય માતા દક્ષાબહેને જણાવ્યું હતું કે તેમની દીકરીએ પોલીસને ફરિયાદ કરી હતી. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે તેનાં ‘રાક્ષસ જેવા એ એક્સ બોયફ્રેન્ડે’ મીરાએ જીવન ટુંકાવ્યું તેની મિનિટો પહેલા જ ફરિયાદ પાછી ખેંચી લેવા તેને ફરજ પાડી હતી.

તેના મૃત્યુ પછી પરિવારે લેસ્ટર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ઈન્ડિપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેન્ટસ કમિશન (IPCC) ની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ૫૦ પાનાના તપાસ અહેવાલ મુજબ આ બન્ને વચ્ચે ડિસેમ્બર,૨૦૧૩માં સંબંધ બંધાયો હતો. IPCCના કમિશનર ડેરિક કેમ્પબેલે જણાવ્યું હતું કે તેમણે આ કેસની સંપૂર્ણ તપાસ કરી હતી અને તેમને જે કડી હાથ લાગી તેનાથી પરિવારજનોને નિયમિત રીતે વાકેફ કર્યા હતા.

આ ઘટનાનું કોઈ સાક્ષી ન હોવાથી આસિસ્ટન્ટ કોરોનર કેરોલિન હલે મીરાનું મૃત્યુ આપઘાતને લીધે થયું હોવાનું તારણ જણાવ્યું હતું. તે અગાઉ હલે જણાવ્યું હતું કે એક ડોક્ટરે મીરાને તપાસી હતી. લાફબરોમાં તપાસ સમયે તેના GPનો રિપોર્ટ પૂરાવા તરીકે મૂકાયો હતો. તેણે ડોક્ટરોને કહ્યું હતું કે માનસિક અને શારીરિક અત્યાચારનો ભોગ બન્યા પછી તેણે ત્રણ વર્ષના સંબંધનો અંત લાવી દીધો હતો. તે તેના પરિવાર પાસે પાછી ફરી હતી અને પરિવારની પણ તેને ખૂબ મદદ હતી. GPના રિપોર્ટ મુજબ તેને ઘરેલૂ હિંસાના પરિણામે એક વખત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. મીરાએ એવું પણ કહ્યું હતું કે તેને ઘણી વખત આપઘાતના વિચાર આવતા હતા. પરંતુ, તે ગંભીરતાથી લીધા ન હતા.

મીરાની ૨૯ વર્ષીય બહેન સોનિયા હિંડોચાએ જણાવ્યું હતું કે,‘હું માનું છું કે પોલીસે તેને ગંભીરતાથી લીધી ન હતી. તે ગભરાયેલી હતી પરંતુ, પોલીસ સાથેની દરેક ઘટના પછી તેણે પોતાનાં નિવેદનો પાછા ખેંચી લીધાં હતાં અને કેસ પડતો મૂકાયો હતો. મીરા એક વખત મારાં ઘેર આવી હતી ત્યારે તેને ખરાબ રીતે માર મરાયો હતો. આમ છતાં, કશું જ થયું નહિ. તે કમજોર સ્થિતિમાં હતી પરંતું, પોલીસે તેને કદી પૂછ્યું નહિ કે તે નિવેદનો શા માટે બદલતી હતી.’

સોનિયાએ કહ્યું હતું કે, પાછળથી અમે ઘણાં ડોક્ટરો સાથે તેના આકસ્મિક મૃત્યુની વાત કરી તો તેમને ખૂબ આઘાત લાગ્યો હતો. તેમને બધાને મીરા સાથે સારા સંબંધ હતા. હવે આ પરિવાર મહિલાઓમાં ઘરેલૂ હિંસાના મુદ્દે જાગૃતિ કેળવવા માગે છે. સોનિયાએ જણાવ્યું હતું કે,‘ અમે જે સ્થિતિમાં મૂકાયા હતા તેવું કોઈની સાથે બને તેવું હું ઈચ્છતી નથી. ઘરેલૂ હિંસા સહન કરતી મહિલાઓને હું જણાવવાં માગુ છું કે તેઓ ઘણી જગ્યાએ જઈ શકે અને પૂરતી મદદ મેળવી શકે છે. ઘણી સહાય મળતી હોવાથી તેમણે મૌન રહીને સહન કરવું જોઈએ નહિ અને તમારો પરિવાર તમારી સાથે જ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter