શિશુકુંજ લંડન દ્વારા નોર્થ લંડનમાં એજવેર હાઈ સ્ટ્રીટ ખાતે £૧.૨૫ મિલિયનના ખર્ચે નવી સજાવટ સાથેના વડા મથક શિશુકુંજ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૪ અને પ જુલાઈના બે દિવસીય ઉજવણી સમારોહમાં ૧,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. વીકએન્ડ દરમિયાન નામાંકિત મુલાકાતીઓમાં સી.બી. પટેલ, વિનોદ ઠકરાર (લોહાણા કોમ્યુનિટીના પ્રમુખ), સંદીપ વિર્ડી (દરબારના આર્ટિસ્ટિક ડિરેક્ટર), રેક્સ શાહ ( ઓશવાલ યુકેના પ્રમુખ) અને જગદીશભાઈ દવે (ગુજરાતી શિક્ષણના ચુસ્ત હિમાયતી)નો સમાવેશ થયો હતો. મુલાકાતીઓનું વૈવિધ્ય જ સ્પષ્ટ કરે છે કે શિશુકુંજ ભવન સમગ્ર સમાજને લાભકારી સેવાઓની ઓફર કરતો મહત્ત્વનો સ્રોત બનવા તરફ આગળ વધી રહ્યું છે.
નવું કેન્દ્ર મુખ્યત્વે બાળકો માટે મ્યુઝિક અને ડાન્સ ક્લાસીસ, ફિટનેસ અને લાઈફસ્ટાઈલ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સપોર્ટ અને તાલીમની તકો સહિતની પ્રવૃત્તિઓ પૂરી પાડવા સાથે સમાજના વૃદ્ધો માટે દિવસ દરમિયાન મેળમિલાપના કેન્દ્ર તરીકે પણ કામ કરશે. આ સુવિધા દરેકમાં ૨૦૦ માણસની ક્ષમતા ધરાવતા બે હોલને પણ ખાનગી રીતે ભાડે આપી શકાશે.
પ્રથમ દિવસે મુખ્ય દાતાઓના પરિવારોએ બિલ્ડિંગની મુખ્ય સુવિધાઓને ખુલ્લી મૂકી હતી. ચાવીરુપ દાતાઓમાં ધીરુભાઈ અને વનિતાબહેન પનખાણીઆ, ધનજીભાઈ અને હંસાબહેન તન્ના તેમજ મેઘરાજ પરિવારનો સમાવેશ થયો હતો.
શિશુકુંજના ઉપપ્રમુખ રાજ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,‘નવી સજાવટ સાથેના અમારા નવા ભવન માટે અમને ગૌરવ છે અને શિશુકુંજની પહોંચને વધારવાના અમારા લક્ષ્યમાં તે મહત્ત્વનું સાધન બની રહેશે, જેથી તેની કામગીરી સમગ્ર વિશ્વના ઘણા બધા બાળકોને સ્પર્શી શકે.’
શિશુકુંજની હાર્દસમાન પ્રવૃત્તિઓ આવતી કાલના સમાજના નેતાઓનું સર્જન કરવા બાળકો અને પુખ્ત લોકોમાં શિષ્ટ આદર્શો અને મૂલ્યો સ્થાપિત કરવાના માધ્યમ તરીકે ભારતીય સંસ્કૃતિનો ઉપયોગ કરે છે. સાપ્તાહિક પ્રવૃત્તિઓ ઉપરાંત, શિશુકુંજની આંતરરાષ્ટ્રીય શાખા (શિશુકુંજ ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ) સમગ્ર વિશ્વમાં બાળકોને ખોરાક, શિક્ષણ, આરોગ્યસંભાળ અને આશ્રય પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે બાળકોમાં ગરીબી, દુર્દશા અને બીમારીથી રાહત આપવાનું કાર્ય કરે છે.
શિશુકુંજનું સંચાલન સંપૂર્ણપણે તરુણ અને યુવાન પુખ્ત સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે, જેઓ બાળકો માટે આદર્શ તરીકે કાર્ય કરે છે અને ચારિત્ર્યનિર્માણ અને સારા નાગરિકત્વને ઉત્તેજન આપે છે. શિશુકુંજના ૪૦ વર્ષના ઈતિહાસ દરમિયાન નોર્થ લંડન અને ક્રોયડનના સેન્ટરોમાંથી ૫,૦૦૦થી વધુ બાળકો ઉત્તીર્ણ થયાં છે. વધુ માહિતી મેળવવા www.shishukunj.org.uk વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.