લંડનઃ આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનથી ગુજરાત અને યુએસ વચ્ચે હવાઈ પ્રવાસ કરતા લોકોને લાંબી અને ટ્રાન્ઝીટ ફ્લાઈટ્સથી આઝાદી મળશે. એર ઈન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટથી અમદાવાદથી લંડન હીથ્રો એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરાશે. આજ વિમાન ન્યુ યોર્ક મેટ્રોપોલિટન એરિયામાં આવેલા ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ સુધી ઉડ્ડયન કરશે. ગુજરાતી સમુદાય લાંબા સમયથી લંડન સુધી ડાયરેક્ટ ફ્લાઈટ અને ઈસ્ટ કોસ્ટ સુધી ઝડપી કનેકશનની માગણી કરી રહેલ છે.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,‘નરેન્દ્ર મોદીએ ગત નવેમ્બરમાં લંડન મુલાકાત વેળાએ એર ઈન્ડિયા દ્વારા ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫થી અમદાવાદથી લંડનની ફ્લાઈટના આરંભની જાહેરાત કરી હતી. એર ઈન્ડિયા દ્વારા અમદાવાદ-મુંબઈ-લંડન ફ્લાઈટ શરૂ કરાઈ હતી, પરંતુ તે સીધી ન હતી. હવે ૧૫ ઓગસ્ટથી ડ્રીમલાઈનર વિમાન અમદાવાદથી સીધુ લંડન જશે અને ત્યાંથી નેવાર્ક પહોંચશે. પાછા વળતાં પણ આ જ રુટ લેશે.’
એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે આ ફ્લાઈટ અંગે અનિવાર્ય બિઝનેસ કેસ હતો, ‘પરંતુ મોદી તરફથી આની પ્રેરણા મળી હતી અને આ ફ્લાઈટ યુકે અને યુએસમાં વિશાળ ગુજરાતી સમુદાય માટે ભેટ છે.’ આગામી મહિને મોદીની વોશિંગ્ટન મુલાકાત અગાઉ એર ઈન્ડિયાનો નિર્ણય લેવાયો છે અને વડા પ્રધાને યુકે અને યુએસની અગાઉની મુલાકાતોમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા આ દેશો માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સની જાહેરાતો કરાઈ હતી.
એર ઈન્ડિયા યુકેમાં ફિફ્થ ફ્રીડમ રાઈટ્સ ધરાવે છે, જેનો અર્થ એ છે કે તેની અમદાવાદ-યુકે-યુએસ ફ્લાઈટ લંડન અને નેવાર્ક વચ્ચેના પ્રવાસીઓ લઈ શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે,‘અત્યારે અમે હીથ્રોના ટર્મિનલ-૩થી કામગીરી કરીએ છીએ, પરંતુ સપ્ટેમ્બર સુધીમાં એર ઈન્ડિયા હીથ્રોના સ્ટાર એલાયન્સ ટર્મિનલ T2 પરથી કામગીરી બજાવશે.’