એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત અને ધ પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ ઓળખાતો ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ (AAA) સિતારાઓથી ઝળહળતો કાર્યક્રમ છે, જ્યાં સમાજના જાણીતા અને પ્રતિષ્ઠિત મહાનુભાવો એવોર્ડ્સના નોમિનીઝ દ્વારા સમાજને પ્રદાન અને તેમની સખત મહેનતની કદર કરવાની ઉજવણીમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આ ૧૫મો વાર્ષિક સમારંભ છે, જે શુક્રવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાશે.
સમગ્ર એશિયન સમુદાયમાં તમામ બિઝનેસીસ અને વ્યવસાયો સાથે સંકળાયેલા વ્યક્તિવિશેષોના ઉત્કૃષ્ટ કાર્યો તેમજ યુકેની એશિયન કોમ્યુનિટીમાં સર્વશ્રેષ્ઠ લોકોની સિદ્ધિઓની કદર AAA દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે આ એવોર્ડ્સમાં સમાજના ચોક્કસ પાસાને સન્માનિત કરવા માટે પ્રદર્શિત કરાય છે અને આ વર્ષે યુનિફોર્મ્સ અને સિવિલ સર્વિસીસ ક્ષેત્રને પ્રાધાન્ય અપાશે. બ્રિટનમાં વંશીય લઘુમતીઓના ૫.૬ ટકા પુરુષ અને સ્ત્રીઓ આર્મ્ડ ફોર્સીસ અને ૨.૯ ટકા મિનિસ્ટ્રી ઓફ સિવિલ ડિફેન્સીસમાં સેવા આપે છે. ગત થોડાં વર્ષોમાં મોટી સંખ્યામાં બ્રિટિશ એશિયન્સનું પ્રતિનિધિત્વ હોમ ઓફિસ, MOD અને CPS જેવાં મહત્ત્વના ક્ષેત્રોમાં વધ્યું છે. AAA દ્વારા આ વર્ષના એવોર્ડ્સને યુનિફોર્મ્સ એન્ડ સિવિલ સર્વિસીસના થીમ તરીકે રાખીને આર્મ્ડ ફોર્સીસ અને સિવિલ સર્વિસીસમાં સેવા આપતા સભ્યોની સિદ્ધિઓને આદરાંજલિ આપવાનું પસંદ કરાયું છે.
આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્સની ૧૦ કેટેગરીમાં યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ, એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર, પ્રોફેશનલ ઓફ ધ યર, એચિવમેન્ટ ઈન મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર, એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ, વુમન ઓફ ધ યર, સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર, બિઝનેસ પર્સન ઓફ ધ યર, ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર, અને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે.
યોગ્ય વ્યક્તિને એશિયન એચિવર્સ એવોર્ડ્સ અપાય તેની ચોકસાઈ માટે ચોક્કસ માપદંડ પણ રાખવામાં આવ્યા છે. ‘એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર’ એવોર્ડ માટે એવોર્ડ મેળવનારનો સફળ બિઝનેસ સામ્રાજ્યના સંચાલક તરીકે નોંધપાત્ર ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ. ‘પ્રોફેશનલ ઓફ ધ યર’ એવોર્ડ માટે એવોર્ડ મેળવનાર વ્યક્તિએ પોતાની પસંદગીના ક્ષેત્ર- જે મેડિસિન, કાનૂનશાસ્ત્ર, શિક્ષણ, વિજ્ઞાન, બેન્કિંગ, ફાયનાન્સ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી હોવી જોઈએ. આ જ પ્રમાણે, ‘વુમન ઓફ ધ યર’ એવોર્ડ માટે એવોર્ડ મેળવનાર મહિલાએ પોતાની પસંદગીના કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હોવી જોઈએ. કોમ્યુનિટી સર્વિસના એવોર્ડની કેટેગરીમાં વ્યક્તિએ સમાજને આપેલી નોંધપાત્ર સેવાની કદર કરવામાં આવશે, જ્યારે લાઈફટાઈમ એચિવમેન્ટ એટલે કે આજીવન સિદ્ધિ એવોર્ડ યુવાન પેઢી માટે જેમનું જીવન આદર્શ અને ઉદાહરણ બની રહે તેવા અસાધારણ વ્યક્તિત્વ દ્વારા તેમના જીવનકાળમાં કોઈ પણ ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કરનારના ફાળે જશે. યુનિફોર્મ એન્ડ સિવિલ સર્વિસીસ કેટેગરીના એવોર્ડવિજેતા એ વ્યક્તિ હશે જેમણે યુનિફોર્મ્સ એન્ડ સિવિલ સર્વિસીસમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી હશે અથવા કોમ્યુનિટીની સેવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હશે.
ધ એશિયનએચિવર્સ એવોર્ડ્સ દર વર્ષે ચેરિટીઝને સપોર્ટ કરે છે તેમજ જરુરિયાતમંદ લોકોના કલ્યાણ માટેના સારા ઉદ્દેશમાં સાથ આપી દાન કરવા લોકોને હંમેશાં પ્રોત્સાહિત કરે છે. આ વર્ષની સ્પોન્સર્ડ ચેરિટી સમગ્ર વિશ્વની મહિલાઓની સંભાળ તરફ ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા લૂમ્બા ફાઉન્ડેશન છે. લોર્ડ રાજ લૂમ્બા અને તેમના પત્ની લેડી વીણા લૂમ્બા દ્વારા ૨૬ જૂન, ૧૯૯૭ના દિવસે યુકેમાં ચેરિટેબલ ટ્રસ્ટ ડીડ તરીકે લૂમ્બા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.
એશિયનએચિવર્સ એવોર્ડ્સ ૨૦૧૪માં લંડનસ્થિત અને વૈશ્વિક વ્યાપ ધરાવતા શેરી બ્લેર ફાઉન્ડેશનને સ્પોન્સર્ડ ચેરિટી તરીકે પસંદ કરાયું હતું. આ ફાઉન્ડેશનનો ઉદ્દેશ સ્ત્રીઓને લઘુ અને વિકસતા બિઝનેસ માલિક બનાવવા માટે આવશ્યક કૌશલ્ય, ટેકનોલોજી, નેટવર્ક્સ અને મૂડીની સુવિધા પૂરી પાડવાનો છે, જેથી તેઓ તેમના અર્થતંત્રોમાં પ્રદાન આપવા સાથે પોતાના સમાજ-સમુદાયોમાં મજબૂત અવાજ ધરાવી શકે. AAA મારફત શેરી બ્લેર ફાઉન્ડેશને £૧૦૦,૦૦૦ની જંગી રકમ એકત્ર કરી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ સન્માનીય ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નોમિનીઝ ઉપસ્થિત હતા અને એવોર્ડવિજેતાઓમાં ૨૦૧૪માં મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર ક્ષેત્રમાં ઈંગ્લિશ નાટ્યકાર/ સ્ક્રીનરાઈટર/ ફિલ્મનિર્માતા/ નવલકથાકાર હનીફ કુરેશી CBE; ૨૦૧૪ના સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરના વિજેતા તરીકે સ્પોર્ટ્સ કાઉન્સિલ ફોર ગ્લાસગોના ઈલેક્ટેડ ડિરેક્ટર દિલાવરસિંહ; ૨૦૧૪ના બિઝનેસ પર્સન ઓફ ધ યર વિજેતા અને બૂહૂના સ્થાપક મહમૂદ કામાણી; એન્ટ્રેપ્રીન્યોર અને ઈન્ટરનેશનલ સિક્યુરિટી માંધાતા ડો. રિચી નંદા અને એક્સપરિમેન્ટલ ફીઝિસિસ્ટ અને ઈમ્પિરિયલ કોલેજ લંડન ખાતે ફીઝિક્સના પ્રોફેસર સર તેજિન્દરસિંહ વિર્ડી FRSનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વુમન ઓફ ધ યર એવોર્ડ ૨૦૧૪ના વિજેતા પૂર્વ બેરિસ્ટર અને બિઝનેસ મસાલા મસાલાના સ્થાપક પ્રિયા લાખાણી OBE; કોમ્યુનિટી સર્વિસમાં સિદ્ધિ મેળવવા બદલ માનપ્રાપ્ત અને ઈંગ્લેન્ડમાં પ્રોફેશનલ ક્રિકેટ ખેલનારા સૌપ્રથમ બ્રિટનમાં જન્મેલા પાકિસ્તાની વસીમ ગુલઝાર ખાન MBE; લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડવિજેતા અને બેસ્ટવે ગ્રૂપના સ્થાપક સર અનવર પરવેઝ તેમજ ૨૦૧૪ માટે યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ કેટેગરીના એવોર્ડવિજેતા નઝિર અફઝલ OBE હતા. અફઝલ નોર્થ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ માટેના ચીફ ક્રાઉન પ્રોસીક્યુટર હોવા સાથે ‘વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન એન્ડ ગર્લ્સ એન્ડ ચાઈલ્ડ એબ્યુઝ’ તેમજ ગૌરવ અપરાધો અને બળજબરીથી કરાતા લગ્નોનો સામનો કરવામાં રાષ્ટ્રીય વડપણ ધરાવે છે.
પોતાની પસંદગીની કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં માહેર છે અને આ એવોર્ડ હાંસલ કરવા લાયક હોવાનું માનતા વાચકો પાસે તેમને એવોર્ડ માટે નોમિનેટ કરવાની તક છે અને જજીસની સ્વતંત્ર પેનલ આપસી ચર્ચાવિચારણા પછી વિજેતાઓની પસંદગી કરશે. એવોર્ડવિજેતા કોણ હશે તેના નિર્ણયમાં ABPL ગ્રૂપની કોઈ જ ભૂમિકા રહેતી નથી તેમજ એવોર્ડની નિર્ણયપ્રક્રિયા સંબંધે પ્રજાના સભ્યો સાથે તેઓ કોઈ ચર્ચામાં પણ ઉતરશે નહિ.
તમારી પસંદગીના સિદ્ધિ હાંસલકર્તાને નોમિનેટ કરવા માટે આ સાથે આપેલું ફોર્મ ભરીને અમને ૨૪ જુલાઈ ૨૦૧૫ સુધીમાં મોકલી આપશો. અથવા તમે વેબસાઈટ www.asianachieversawards.comand nominate. ની મુલાકાત પણ લઈ શકો છો.