લંડનઃ ડેવોનમાં વૃદ્ધ લોકોની જીવનભરની બચતો સાથે છેતરપિંડી કરવામાં માહિર એશિયન મૂળના પાંચ પુરુષ અને એક સ્ત્રીની મની લોન્ડરિંગ ગેંગને હેરો ક્રાઉન કોર્ટે કુલ ૧૬ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ ગેંગ દ્વારા બિઝનેસીસ સહિત ૧૦૦થી વધુ લોકો સાથે ૨ મિલિયન પાઉન્ડથી વધુ રકમની ઠગાઈ કરાયાનું કહેવાય છે. લોકો અને ખાસ કરીને વૃદ્ધો દ્વારા તેમના ખાતાઓમાંથી નાણાં ગુમ થતાં હોવાની ફરિયાદો વધ્યા પછી ૨૦૧૪માં રચાયેલા ‘ઓપરેશન ફારડેલ’ હેઠળ ઈન્સ્પેક્ટર જ્હોન શટલવર્થની આગેવાનીમાં કોર્નવોલ અને ડેવોનની પોલીસે મહિનાઓની તપાસ પછી અપરાધીઓને ઝડપી લીધા હતા.
એશિયન મૂળની ગેંગમાં ઈલિંગ રોડ, વેમ્બલીના ૩૪ વર્ષીય હેમન મહેતા, ૨૭ વર્ષીય કિંજલ બારોટ, મનોર પાર્કના ૨૩ વર્ષીય મૂળ બાંગલાદેશી વિદ્યાર્થી મુહમ્મદ હુસૈન, કોર્લી, લેન્કેશાયરના ૫૮ વર્ષીય યુનુસ દેસાઈ, હેરો, લંડનના ૨૭ વર્ષીય વિશાલકુમાર પટેલ, સસેક્સના ૩૭ વર્ષીય પ્રિતેશ પટેલનો સમાવેશ થાય છે. હેમન મહેતા, કિંજલ બારોટ, યુનુસ દેસાઈ, વિશાલકુમાર પટેલ અને પ્રિતેશ પટેલનો જન્મ ભારતમાં થયો હતો.
જૂન ૨૦૦૫માં સ્ટુડન્ટ વિઝા પર યુકે આવેલા હેમન મહેતાને છ વર્ષની જેલ અને ઓટોમેટિક ડિપોર્ટેશનની સજા થઈ છે. તેણે પોસ્ટ ઓફિસમાં પણ કામ કરેલું છે. તેણે અને તેની પાર્ટનર કિંજલ બારોટના બેન્ક ખાતા મારફત ૨૪૫,૦૦૦ પાઉન્ડનું મની લોન્ડરિંગ કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, પોસ્ટ ઓફિસ મારફત પણ ૨૮૫,૦૦૦ પાઉન્ડના ફ્રોડ સાથે કુલ ૫૩૦,૦૦૦ પાઉન્ડની છેતરપિંડી કરી હતી. હેમન મહેતાની સૂચના હેઠળ કામ કરતી કિંજલ બારોટ ૨૦૦૯માં બ્રિટન આવી હતી. તેણે ૭૫,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ ઉપાડી હતી. તેને ૯ મહિનાની સસ્પેન્ડેડ સજા કરવા સાથે ડિપોર્ટેશનની ભલામણ થઈ છે.
બ્રિટિશ નાગરિક અને ન્યુહામ કોલેજના વિદ્યાર્થી મુહમ્મદ હુસૈનને ૯ મહિનાની સસ્પેન્ડેડ સજા થઈ છે. તેને ૮૦,૦૦૦ પાઉન્ડની રકમ છેતરપિંડી દ્વારા તેના બેન્ક ખાતામાં આવી હોવાની જાણ હતી. તેને આ કામ માટે ૧,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા. બ્રિટિશ નાગરિક યુનુસ દેસાઈને ઈંગ્લિશ ભાષા ઓછી આવડતી હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું. તેની પાસે બનાવટી દસ્તાવેજો હતા. તેને ૧૨ મહિનાની સસ્પેન્ડેડ સજા કરાઈ છે. વિશાલકુમાર પટેલ વિદ્યાર્થી તરીકે ૨૦૧૦માં યુકે આવ્યો હતો. તેને ૨૭૫,૦૦૦ પાઉન્ડની રકમ છેતરપિંડી દ્વારા તેના તેમજ તેના હસ્તક જયેશ મકવાણા અને ક્રિસ્ટલના બેન્ક ખાતામાં કન્વર્ટ કરાઈ હોવાની જાણ હતી. વિશાલને ૪ વર્ષ અને ૯ મહિનાની જેલ તથા ઓટોમેટિક ડિપોર્ટેશનની સજા થઈ છે. ગેંગના મુખ્ય સભ્યોમાં એક પ્રિતેશ પટેલ ૨૦૦૬માં સ્ટુડન્ટ વિઝા પર યુકે આવ્યો હતો. તેણે પોસ્ટ ઓફિસમાં મેનેજરના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. તેને પોતાના ખાતામાંથી ૪૫,૦૦૦ પાઉન્ડની હેરફેર થયાની જાણ હતી. આ ઉપરાંત, તેણે ૪૦૫,૦૦૦ પાઉન્ડના છેતરપિંડીયુક્ત ભંડોળની પોસ્ટ ઓફિસમાંથી હેરાફેરી કર્યાનું પણ કહેવાય છે. પ્રિતેશને ૫ વર્ષ અને ૬ મહિનાની જેલ તથા ઓટોમેટિક ડિપોર્ટેશનની સજા થઈ છે.