લંડનઃ એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા ગેલિઆર્ડ હોમ્સ અને ચાઈલ્ડ એન્ડ ચાઈલ્ડના સહયોગ સાથે ૧૯ એપ્રિલ, ૨૦૧૭ની સાંજે લંડન વિક્ટોરિયા ખાતે ડબલ ટ્રી બાય હિલ્ટનમાં એશિયન હાઉસ એન્ડ હોમ પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સ સેમિનાર ૨૦૧૭નું અર્થપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સહભાગી તરીકે સો એન્ડ રીપનો પણ સમાવેશ થયો હતો. પ્રોપર્ટી ઉદ્યોગના નિષ્ણાતોએ લંડનના પ્રોપર્ટી માર્કેટ સામે ચાવીરુપ પડકારો અને તકોનું વિશ્લેષણ કર્યું હતું. ‘હાઉસિંગ શોર્ટેજ-એ થ્રેટ ટુ ધ ઈકોનોમી’ શીર્ષક હેઠળની રજૂઆતમાં ડેવિડ ગેલમાન (Galliard Homes), ઝેક રેનોલ્ડ્સ (Child & Child) અને ક્રિસ વ્હાઈટહાઉસ (Next Phase Development)નું પ્રદાન રહ્યું હતું. આ વિશ્લેષણના મોડરેટર તરીકેની કામગીરી Sow & Reapના સુરેશ વાગ્જીઆનીએ સંભાળી હતી. પેનલચર્ચા અગાઉ એશિયન હાઉસ એન્ડ હોમ પ્રોપર્ટી મેગેઝિનનું સત્તાવાર લોન્ચિંગ કરાયું હતું.
ABPL ગ્રૂપના સીઈઓ એલ જ્યોર્જે પેનલિસ્ટ્સ, સ્પોન્સર્સ, મોડરેટરનો પરિચય અને સેમિનારના વિષયની રુપરેખા સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. ABPL ગ્રૂપના પ્રકાશક/તંત્રી સીબી પટેલે ચર્ચા શરુ કરવા માટે રમૂજી છતાં મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘આપણે જ્યારે પ્રોપર્ટી વિશે વાત કરીએ ત્યારે જો તમે કાળજી અને સાવચેતીના થોડાં સાદા શબ્દો જાણતા હો તો તે હસતા ચહેરા સાથે કરી શકાય છે. અમે ઘણા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ પરંતુ, આ પ્રકારનું પેનલ ડિસ્કશન પ્રથમ છે.’ તેમણે ગ્રૂપ સાથે વિવિધ પ્રકારે દાયકાના દીર્ઘ સંબંધ માટે Sow and Reapનો આભાર માન્યો હતો. ચર્ચામાં લંડનમાં હાઉસિંગ સપ્લાયની તીવ્ર તંગી, નીતિઓ વિશે સમગ્રતયા અને વ્યવહારુ રીતે તેને હાથ ધરવા તેમજ સંભવિત રચનાત્મક ઉપાયો સહિતના વિષયોનો સમાવેશ થયો હતો.
લંડનમાં સસ્તા મકાનોની પ્રાપ્યતા
ગેલિઆર્ડ હોમ્સના ડેવિડ ગેલમાને કહ્યું હતું કે,‘૨૦૧૭માં યુકેની વસ્તી આશરે ૬૫.૫ મિલિયન છે. સરકારે ૨૦૧૫-૨૦૨૦ના ગાળામાં પ્રતિ વર્ષ ૩૦૦,૦૦૦ ઘર પૂરાં પાડવાનો અંદાજ બાંધ્યો છે, જે વસ્તીના ૫૫ ટકાને સપોર્ટ કરશે. જોકે, મકાનનિર્માણના દર સામે સરકારનો અંદાજ ૨-૩ ગણો છે.’ તેમણે મિડલેન્ડથી માંડી યુકેના ઉત્તરમાં આવેલી બ્રાઉનફિલ્ડ સાઈટ્સને વધુ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. પરંતુ મકાનોની સૌથી વધુ જરૂરિયાત સાઉથ ઈસ્ટમાં છે. આ માટે માઈક્રો યુનિટ્સને વિકસાવવા જોઈએ, જે ખરીદવામાં સસ્તાં અને ભાડે રાખવામાં સુગમ હોય. બીજી તરફ, સરકાર પણ યુવાવર્ગને હેલ્પ ટુ બાયના માધ્યમથી ભંડોળ માટે મદદ કરી રહી છે.
ચાઈલ્ડ એન્ડ ચાઈલ્ડના ઝેક રેનોલ્ડ્સે કહ્યું હતું કે મકાનોની વધતી કિંમતોની અસર યુવાન પ્રોફેશનલ્સ, યુવા પરિવારો અને ઓછી આવક સાથેના પરિવારોને થઈ રહી છે. નેશનલ હાઉસિંગ કોર્પોરેશન અનુસાર યુરોપમાં પ્રોપર્ટીનાં ભાડાંની સરખામણીએ યુકેમાં ભાડું બમણું છે. નિયંત્રિત બજાર હોય ત્યાં પરિવારોનાં સ્થળાંતરની શક્યતા ઘટવાથી સસ્તાં મકાનોની પ્રાપ્યતાના મુદ્દાને અસર થાય છે. નેક્સ્ટ ફેઝ ડેવલપમેન્ટના ક્રિસ વ્હાઈટહાઉસે જણાવ્યું હતું કે અન્ય સ્થળોએ તકોનો લાભ લેવાય અને અર્બન રીજનરેશનનો પ્રયાસ થાય તો અન્ય વિસ્તારો પણ વિકાસ સાથે સમૃદ્ધ બનશે. મોડરેટર સુરેશ વાગ્જીઆનીએ કહ્યું હતું કે ‘પ્રોપર્ટીઓનો વિકાસ રાજકીય પ્રોત્સાહન પર આધારિત છે. નીતિઓએ ડેવલપરને ધમકાવવાની જગ્યાએ તેમને લલચાવવા જોઈએ. માર્કેટ પર અંકુશો લાદવાના બદલે તેને સાથે લઈને ચાલે તેવી નીતિઓ ઘડાવી જોઈએ.’
ઓવરસીઝ ખરીદારોથી હાઉસિંગ સમસ્યા સર્જાય?
ઓવરસીઝ ખરીદારો અંગેની માન્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ડેવિડે કહ્યું હતું કે ૫૦ ટકા મકાન આગોતરા ન વેચાય ત્યાં સુધી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરુ કરી શકો નહિ. આથી, તમારે ઓવરસીઝ ખરીદારો પાસે જવું જ પડે. ઝેકે કહ્યું હતું કે છેક ૨૦૦૭થી ઓવરસીઝ ખરીદીમાં વધારો થતો રહ્યો છે. જ્યારે ક્રિસે આ મુદ્દાને નબળા વહીવટ, ડેવલપર્સને ઓછા સપોર્ટનું પરિણામ ગણાવ્યો હતો. વાગ્જીઆનીએ સ્પષ્ટતા કરી હતી કે લંડનમાં જ કાર્યરત વિદેશી નાગરિકોને ઓવરસીઝ ખરીદાર કહેવા ખોટું છે.
આ ઉપરાંત, ચર્ચામાં સેક્શન ૧૦૬, પ્લાનિંગ પ્રક્રિયામાં સુધારા, ગ્રીન બેલ્ટના ઉપયોગ તેમજ લંડનમાં એપાર્ટમેન્ટની લઘુતમ સાઈઝ સહિતના મુદ્દાઓનો પણ સમાવેશ થયો હતો. પેનલચર્ચા પછી ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરી થઈ હતી, જે કાર્યક્રમ પછી પણ ચાલુ રહી હતી. ઓડિયન્સને આ કાર્યક્રમ અને પ્રશ્નોત્તરી ભારે માહિતીપ્રદ જણાયા હતા. તેમના અનુરોધના પરિણામે ABPL ગ્રૂપ નજીકના ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમના આયોજન વિચારી રહેલ છે.