લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીની બ્લેવેન્ટિક સ્કૂલ ઓફ ગવર્નમેન્ટમાં અભ્યાસ કરતા બે ભારતીય વિદ્યાર્થીઓ દિનેશ કપૂર અને સુસાન થોમસે ઈન્સ્ટિટ્યુટના વોલ્ટન સ્ટ્રીટસ્થિત નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા આવેલા બ્રિટનના પ્રિન્સ વિલિયમનું સ્વાગત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સ્કૂલમાં માસ્ટર ઓફ પબ્લિક પોલિસીનો એક વર્ષનો અભ્યાસ કરતા ભારતના પૂર્વ રાષ્ટ્રીય યુવા ફૂટબોલ ખેલાડી કપૂરે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું, ‘ યોર રોયલ હાઈનેસ, આપ હમણાં જ મારા પ્યારા દેશ ભારતની મુલાકાતેથી પાછા ફર્યા છો. ત્યાં આપનું ખૂબ સ્નેહ અને આદર સાથે સ્વાગત કરાયું હતું. તે આવકાર જ ભારત અને યુકે વચ્ચે અજોડ અને ખાસ સંબંધ હોવાનું જણાવે છે. બ્લેવેન્ટિક સ્કૂલ બ્રિટનના માત્ર ભારત સાથેના જ નહીં પરંતુ, વિશ્વના તમામ દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી સંસ્થા છે.’
મૂળ કેરળની સુસાન થોમસે પણ પ્રિન્સ વિલિયમને અભિનંદન પાઠવી તેમની ભારત મુલાકાત વિશે ચર્ચા કરી હતી. સુસાન ૧૫ વર્ષથી બેંગ્લુરુમાં એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર તરીકે ભારત સરકારમાં ફરજ બજાવે છે, જ્યારે કપૂર ચાર વર્ષથી નેશનલ સ્માર્ટ સિટી મિશન, રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજેક્ટસમાં ભારત સરકાર સાથે કામ કરે છે.
બ્લેવેન્ટિક સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ યુકે ગવર્નમેન્ટની પ્રથમ સ્કૂલ છે. તેમાં હાલ ૫૪ દેશોના ૧૧૭ વિદ્યાર્થી માસ્ટર ઓફ પબ્લિક પોલિસીનો જ્યારે નવ વિદ્યાર્થી પબ્લિક પોલિસીમાં ડોક્ટરેટનો અભ્યાસ કરે છે.