લંડનઃ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ઉપાધ્યક્ષો આસિફ રંગૂનવાલા અને શાલ્ની અરોરાને તેમની પરોપકારી સેવાઓની કદર કરવા કિંગ ચાર્લ્સ તૃતીયના બર્થડે ઓનર્સ લિસ્ટ 2024માં અનુક્રમે CBE અને OBE ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ઉપાધ્યક્ષો આસિફ રંગૂનવાલા અને શાલ્ની અરોરાની ભૂમિકા ગરીબી અને અસમાનતા નિવારણના ટ્રસ્ટના મિશનને આગળ વધારવામાં અગ્રેસર છે. સાઉથ એશિયામાં લાખો લોકોના જીવનને અસર કરી રહેલા ટ્રસ્ટના પ્રોગ્રામ્સમાં તેમના પ્રયાસોએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આસિફ રંગૂનવાલાને ચેરિટી અને ફિલાન્થ્રોપી ક્ષેત્રની સેવાની કદર કરીને CBE ઈલકાબથી સન્માનિત કરાયા છે. અગ્રણી બિઝનેસ લીડર અને પરોપકારી આસિફ ઘણા વર્ષોથી પરોપકારિતા ક્ષેત્રમાં ગતિશીલ બળ રહ્યા છે. તેમણે યુકે અને સાઉથ એશિયામાં કોમ્યુનિટીઓમાં રચનાત્મક પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે રંગૂનવાલા ફાઉન્ડેશન થકી વંચિત લોકોના જીવનની ગુણવત્તા સુધારવાના સંખ્યાબંધ પ્રોજેક્ટ્સની હિમાયત કરી હતી. ફાઉન્ડેશનની કામગીરીમાં કચડાયેલા વર્ગના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ આપવી, તબીબી સંશોધનને ભંડોળ તેમજ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સને સપોર્ટ કરવાનો સમાવેશ થાય છે.
આસિફ રંગૂનવાલા CBEએ જણાવ્યું હતું કે, ‘ આ સન્માન પ્રાપ્ત કરવામાં હું ભારે વિનમ્ર્રતા અનુભવું છું. વધુ સમાન અને કરૂણામય વિશ્વની રચનાના અમારા મિશનને આગળ વધારવા હું પ્રયાસશીલ રહીશ.’
શાલ્ની અરોરાને સામાજિક સુમેળ અને ફિલાન્થ્રોપી ક્ષેત્રમાં સેવાની કદરરૂપે OBE ઈલકાબથી સન્માનિત કરાયાં છે. તેમણે અસંખ્ય સખાવતી ઉદ્દેશોને સપોર્ટ કરવા દાયકાઓનું સમર્પણ કર્યું હતું. ફિલાન્થ્રોપીસ્ટ અને સામાજિક એન્ટ્રેપ્રિન્યોર તરીકે તેઓ ગંભીર સામાજિક સમસ્યાઓનું નિવારણ કરતા સંખ્યાબંધ ચેરિટેબલ ઈનિશિયેટિવ્ઝ સાથે સક્રિયપણે સંકળાયેલાં છે. તેમની નોંધપાત્ર સિદ્ધિઓમાં એક સવાનાહ વિઝડમ ફાઉન્ડેશનની સ્થાપના છે જે કચડાયેલી કોમ્યુનિટીઓનાં સશક્તિકરણના હેતુસરના વિવિધ પ્રોજેક્ટ્સને સપોર્ટ કરે છે.
શાલ્ની અરોરા OBEએ જણાવ્યું હતું કે, ‘આ એવોર્ડ માત્ર મારાં માટે જ નહિ, મારાં ઘણા પાર્ટનર્સની અતુલનીય કામગીરીની કદર છે. સાથે મળીને અમે વધુ સમાવેશી અને કરૂણાસભર સમાજની રચના માટે કાર્ય કરીશું અને આ એવોર્ડ હું અમારા મિશનને સપોર્ટ કરનારા તમામ સાથે શેર કરું છું.’
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેર-અધ્યક્ષ લોર્ડ જિતેશ ગઢિઆએ અભિનંદન વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘સખાવતી હેતુઓ માટે આસિફ અને શાલ્નીના જોશ અને પ્રતિબદ્ધતા ખરેખર પ્રેરણાદાયી છે. તેમની નેતાગીરી અમારા લક્ષ્યોને આગળ વધારવામાં અને અમે જેમની સેવા કરીએ છીએ તેમના જીવનમાં ગણનાપાત્ર તફાવત સર્જવા માટે મહત્ત્વપૂર્ણ છે. અમે તેમની સિદ્ધિઓ અને તેમણે મેળવેલાં યોગ્ય સન્માન બદલ ઘણું ગૌરવ ધરાવીએ છીએ.’
બ્રિટિશ એશિયન ટ્રસ્ટ મહત્ત્વપૂર્ણ સામાજિક સમસ્યાના નિવારણ, તમામ માટે ઉજ્જ્વળ અને વધુ સમાન ભાવિ માટે કાર્ય કરવાના ઈનિશિયેટિવ્ઝની હિમાયત કરવા કટિબદ્ધ છે.