લંડનઃ સર્જરીનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જતાં હોય છે ત્યારે ચેનલ ફાઈવ દ્વારા ૧૪ નવેમ્બરે ઓપન હાર્ટ સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. લંડનના જાણીતા કાર્ડિયોથોરાસિક સર્જન કુલવિન્દર લાલ અને તેમની ટીમે કમલ નામે પુરુષ દર્દી પર એરોટિક વાલ્વ રીપ્લેસમેન્ટ સર્જરી કરી હતી, જે બે કલાક ચાલી હતી. લોકોએ આ પ્રસારણ બદલ સોશિયલ મીડિયા પર ડો. લાલ અને NHS માટે પ્રસંશાની વર્ષા કરી હતી.
યુકેના અગ્રણી હાર્ટ સર્જન્સમાં એક ડો. લાલ લંડનમાં સેન્ટ બાર્થોલોમ્યુ હોસ્પિટલમાં કાર્યરત છે અને તેમણે તેમણે ૬૯ વર્ષના પેશન્ટ પર આ સર્જરી કરી હતી. હૃદય અને શરીરમાં લોહીને ધકેલતા વાલ્વમાં કોઈ ખરાબી થઈ હોય તેના સમારકામ માટે એરોટિક વાલ્વ રીપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે છે. આ ગંભીર પ્રકારની સર્જરી છે અને તેમાંથી સાજા થવામાં લાંબો સમય લાગે છે. જોકે, ડોક્ટર લાલે જે પ્રકારે સર્જરી કરી તેનાથી દર્શકો મેસ્મેરાઈઝ્ડ થઈ ગયા હતા. સર્જનના કૌશલ્યથી સ્તબ્ધ બનેલા એક દર્શકે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે,‘તેમણે તો પાર્કમાં ટહેલતા હોઈએ તેમ સર્જરી કરી હતી.’ સર્જ્ન્સ જે રીતે ઓપરેશન કરતા હોય છે તે નિહાળી દર્શકો આશ્ચર્યચકિત બની ગયા હતા.
ઓપરેશન દરમિયાન, ૬૯ વર્ષના પેશન્ટ કમલનું હૃદય બંધ કરી દેવાયું હતું અને ગાયના હૃદયમાંથી વાલ્વ મેળવી તેમાં ફીટ કરાયો હતો. ઓપરેશન પછી તેનું હૃદય ફરી ધબકી ઉઠ્યું હતું. ટેલિવિઝન સ્ક્રીન પર કમલની છાતી ખોલવામાં આવી ત્યારે હૃદયની પીળાશથી લોકોને આશ્ચર્ય થયું હતું. જોકે, શોના પ્રેઝન્ટર નિકી કેમ્પબેલે સમજાવ્યું હતું કે હૃદયની આસપાસ ચરબીનું સામાન્ય પ્રમાણ હતું. ‘ડો. નીલ’ નામે ઓળખાવાયેલા નિષ્ણાતે દર્શકોના પ્રશ્નોનાં ઉત્તર વાળ્યા હતા.