લંડનઃ મીડલ્સબરોની ખુશી ઈન્ડિયન બુફે રેસ્ટોરાંમાંથી આવતી બિરીયાની અને સબ્જી (કરી)ની તીવ્ર સુગંધ વિશે પડોશીઓએ કરેલી ફરિયાદ પર ટીસ્સાઈડ મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજ ક્રિસ્ટીના હેરિસને તેના માલિકો શબાના અને મોહમ્મદ ખુશી બંનેને ૨૫૮ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કોર્ટે બંનેને કોસ્ટ તરીકે ૫૦૦ પાઉન્ડ તથા વિક્ટિમ સરચાર્જ પેટે ૩૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો.
મીડલ્સબરો કાઉન્સિલના જણાવ્યા મુજબ આ રેસ્ટોરાંમાં યોગ્ય ફિલ્ટરેશન સિસ્ટમ ન હતી. લોકોની ફરિયાદ હતી કે રેસ્ટોરાંના કિચનમાંથી આવતી મસાલેદાર ભોજન (કરી)ની તેજ વાસ તેમના ઘર સુધી પહોંચે છે. આ વાસ ઘરમાં રખાયેલાં કપડાં સુધી પ્રસરતાં તેમાંથી તેની ગંધ આવે છે, જેના કારણે કપડાં વારંવાર ધોવા પડે છે.
ચુકાદા પછી શબાનાએ જણાવ્યું હતું કે આનો નિકાલ આવી ગયો તે સારું છે પરંતુ કાઉન્સિલે અમને બરાબર સાંભળ્યા નથી. અમે સારા પડોશી બનવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, લાગે છે કે થોડાં લોકોએ અમને નિશાન બનાવ્યાં છે. જોકે, કેટલાક લોકલ બિઝનેસમેન અને કાઉન્સિલર્સે રેસ્ટોરાંનું સમર્થન કર્યું હતું અને જજને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે તેમને રસ્તા પર ક્યારેય સબ્જીની આવી સોડમથી કોઇ તકલીફ થઈ નથી.