કર્તવ્યનિષ્ઠ, સેવાભાવી બાલુભાઈ રાડીઆના નિધનથી લોહાણા સમુદાયે મહાન સ્તંભ ગુમાવ્યો

લોર્ડ ડોલર પોપટ Tuesday 23rd July 2024 15:08 EDT
 
 

મનસુખ (બાલુભાઈ) પોપટ કાલિદાસ રાડીઆનો જન્મ ગુજરાતના પોરબંદરમાં પોપટલાલ કાલિદાસ રાડીઆ અને ઝવેરબેન રાડીઆને ત્યાં થયો હતો. તેમનો પરિવાર યુગાન્ડાના કમ્પાલામાં સ્થળાંતર કરી ગયો હતો જ્યાં તેમનો ઉછેર થયો હતો. તેમણે યુકેમાં બેરિસ્ટર તરીકેની લાયકાત પ્રાપ્ત કરી અને યુકેમાં સ્થળાંતર કરી આવ્યા પહેલા યુગાન્ડામાં પ્રેક્ટિસ કરી હતી.

પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી તરીકે બાલુભાઈ પ્રેસિડેન્ટ મિલ્ટન ઓબોટેના કાર્યકાળમાં યુગાન્ડાના ચીફ જસ્ટિસ બનવાની તૈયારીમાં જ હતા પરંતુ, ઈદી અમીનના બળવાના કારણે તેઓ આ પદ ધારણ કરી શક્યા ન હતા. આવી પીછેહઠ થવાં છતાં, કાનૂની ક્ષેત્ર અને પોતાની કોમ્યુનિટીને તેમનું યોગદાન નોંધપાત્ર અને દીર્ઘકાલીન બની રહ્યું હતું.

યુકેમાં કાયદાની પ્રેક્ટિસ કરતી વેળાએ ન્યાયની મજબૂત લાગણી અને ચૂકવણીની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના દરેકને રજૂઆત કરાવવાનો અધિકાર હોવાની સાચી માન્યતા સાથે તેઓ ઘણા લોકોને મદદરૂપ બન્યા હતા અને ઘણી વખત કોઈને પોસાય તેમ ન હોય તો ચાર્જ લીધા વિના મદદ કરી હતી. તેઓ હંમેશાં પોતાના મૂલ્યોને જીવનભર વળગી રહ્યા હતા . બાલુભાઈને લોહાણા સોશિયલ સેન્ટરના સ્થાપક તરીકે પણ યાદ કરાશે જે આપણી કોમ્યુનિટીના વયોવૃદ્ધ સભ્યો માટે માનીતું કોમ્યુનિટી સેન્ટર બની રહ્યું છે. વિશાળ સંખ્યામાં પુરુષો સપ્તાહમાં ત્રણ વખત સેન્ટરમાં હાજરી આપે છે અને તે કોમ્યુનિટી માટે અમૂલ્ય સ્થળ બન્યું છે જ્યાં કોમ્યુનિટીના વૃદ્ધો અરસપરસ હળવામળવા માટે આતુર રહે છે.

1970ના દાયકાના પૂર્વાર્ધમાં એક યુવાન પુરુષ તરીકે મને બાલુભાઈના પ્રમુખપદ હેઠળ લોહાણા કોમ્યુનિટી મીટિંગમાં હાજર રહેવાનો લહાવો પ્રાપ્ત થયો હતો. તે સમયગાળામાં તેમના વિઝન અને નેતાગીરી કોમ્યુનિટીને ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ શાખાઓમાં સફળતા સાથે વિભાજિત કરવામાં અને દરેકને સત્તાની સોંપણી કરવામાં સહાયકારી બની રહ્યા હતા. આજ દિન સુધી આ શાખાઓ સફળતાપૂર્વક સંચાલન કરે છે જે તેમની દીર્ઘદૃષ્ટિ અને નિષ્ઠાનો પુરાવો છે.

બાલુભાઈ વ્યાવસાયિક દૃષ્ટિએ પણ તાલીમબદ્ધ સ્વયંસેવક અને એજ કન્સર્ન (Age Concern)ના ટ્રસ્ટી હતા. આ સમયગાળામાં તેમણે વૃદ્ધોની સારસંભાળનું મહત્ત્વ સમજી લોહાણા કોમ્યુનિટીમાં વૃદ્ધ થઈ રહેલી વસ્તી સંબંધિત રિપોર્ટને સપોર્ટ કર્યો હતો. આ ઉદ્દેશ પ્રતિ તેમનું સમર્પણ ગાઢ સહાનુભૂતિ અને દીર્ઘદૃષ્ટિને હાઈલાઈટ કરે છે.

અન્યોને મદદરૂપ બનવાની બાલુભાઈની નિષ્ઠા વિદેશમાં તેમના પ્રિય ભારત તરફ પણ વિસ્તરી હતી. યુકેમાં કાનૂની વ્યવસાયમાંથી નિવૃત્ત થયા પછી તેમણે નાની બાળાઓને શિક્ષણપ્રાપ્તિની તક આપવા મોતીબાઈ દેવરાજ ગર્લ્સ સ્કૂલને વિકસાવવા અને અપગ્રેડ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સ્કૂલ હવે ગ્રેજ્યુએટ થયેલી એવી છોકરીઓથી ભરપૂર છે જેનાથી અન્યોને પ્રેરણા મળે છે.

બાલુભાઈના નિધન સાથે લોહાણા કોમ્યુનિટીએ તેના મહાન સ્તંભોમાંથી એક ગુમાવ્યો છે. બાલુભાઈની કર્તવ્યની ચેતના પ્રગાઢ હતી જે તેમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહી હતી. તેમણે પ્રામાણિકતા સાથે યુકેમાં અને વિદેશમાં તેમની કોમ્યુનિટી અને વ્યવસાયની સેવા કરી હતી જે ઉદાહરણરૂપ બની રહેશે. તેમની ચિરવિદાયથી ભારે ખોટ સાલશે, આપણા વિચારો અને પ્રાર્થના રાડીઆ પરિવાર અને તેમના અસંખ્ય મિત્રોની સાથે જ છે. તેમને જાણનારા સહુ કોઈને તેમની ખોટ અનુભવાશે. અન્યોને મદદ કરવાની અદમ્ય ઈચ્છા સાથે તેઓ નિઃસ્વાર્થ જીવન જીવ્યા હતા તે એટલી હદ સુધી કે સંશોધનો કદાચ અન્યોને મદદરૂપ બની રહેશે તેવા મત સાથે તેમણે મૃત્યુ વેળાએ પોતાનું શરીર તબીબી રિસર્ચ માટે દાન કરી દીધું હતું.

બાલુભાઈએ 20 જુલાઈ 2024ના રોજ શાંતિપૂર્ણ ચિરવિદાય લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter