લંડનઃ શૈક્ષણિક શ્રેષ્ઠતાના આ યુગમાં સામાન્ય લોકો તરફ શા માટે કોઈ ધ્યાન રાખે? જોકે સામાન્યતાના આ મહાસાગરમાં તેજસ્વી તારલા પણ જોવા મળે છે. આનું કારણ એ છે કે ઘણાં થોડા લોકો શ્રેષ્ઠતાની પાછળ પડી જાય છે. ભૂતકાળમાં તમારું રીપોર્ટ કાર્ડ સારું હશે તો તમારા પેરન્ટ્સે તમારી પીઠ પણ થપથપાવી હશે પરંતુ હવે તેની સાથે તમારા પોકેટમાં રોકડનો પણ ઉમેરો થઈ શકે છે. શૈક્ષણિક સફળતામાં પ્રેરણા ચાવીરૂપ બાબત છે અને પ્રેરણાસર્જનનો એક શ્રેષ્ઠ માર્ગ ઇનામ આપવાનો છે.
લોર્ડ ધોળકિયા PC OBE DL અને કર્મયોગ ફાઉન્ડેશન દ્વારા ભારતીય ઉપખંડના વિદ્યાર્થીઓને સન્માનવા નિર્ણય લેવાયો છે. ૨૦૧૫ની A લેવલ પરીક્ષાઓમાં શ્રેષ્ઠતા દર્શાવનારા આ વિદ્યાર્થીઓને માર્ચ ૧૪, ૨૦૧૬ના દિવસે હાઉસ ઓફ લોર્ડ્સમાં સરસ્વતી સન્માનથી સન્માનિત કરવામાં આવશે. એવોર્ડ સમારંભ સાંજે ૪ વાગ્યાથી શરૂ કરાશે.
યુકેમાં સ્થાયી થયેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડિયા, માલદિવ્સ, નેપાળ, પાકિસ્તાન, અને શ્રીલંકાના ઉચ્ચ ગ્રેડ (A લેવલ પરીક્ષા) હાંસલ કરનારા વિદ્યાર્થીઓને ધર્મ, જ્ઞાતિ કે પંથને ધ્યાનમાં લીધા વિના તેમના પરિણામો પાઠવવા આમંત્રિત કરવામાં આવે છે. વિજેતાઓને આ દિવસે એવોર્ડસથી સન્માનિત કરવામાં આવશે. આપ્રસંગે સંબંધિત લોકોને પણ આમંત્રિત કરાયા છે.
આ પ્રસંગે નીચે મુજબનું રોકડ ઈનામ આપવામાં આવશે
£ ૨૫૦૦ – શ્રેષ્ઠ સિદ્ધિ (પ્લેટિનમ) (કુલ £ ૨૫૦૦)
£ ૧૦૦૧ – ત્રણ તેજસ્વી વિદ્યાર્થીને (ગોલ્ડ) (કુલ £ ૩૦૦૩)
£ ૫૦૧ – પાંચ તેજસ્વી વિદ્યાર્થીને (સિલ્વર) (કુલ £ ૨૫૦૫)
સરસ્વતી સન્માન શા માટે?
ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન અને કલાની દેવી સરસ્વતી ડહાપણ અને વિવેકના મુક્ત પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે. સરસ્વતી ભગવાન શિવ અને માતા દુર્ગાની પુત્રી છે. એમ મનાય છે કે દેવી સરસ્વતી માનવીને વાણી, શાણપણ અને જ્ઞાનની શક્તિ પ્રદાન કરે છે. તેમના ચાર હાથ એ માનવીય વ્યક્તિત્વના ચાર પાસાં – જ્ઞાન, બુદ્ધિ, સજાગતા અને અહંકારના પ્રતીક છે.
સરસ્વતી સન્માન એશિયન કોમ્યુનિટીમાં જ્ઞાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના શૈક્ષણિક શ્રેષ્ઠતાને ઉત્તેજન આપવા સૌ પ્રથમ પહેલ છે. અમને પહેલાં જ વર્ષમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યા મળી છે. લોર્ડ ધોળકિયા અને જ્યુરીના અન્ય સભ્યોએ નોમિનેશનની ટૂંકી યાદીની સમીક્ષા કરી વિજેતાઓના નામને આખરી સ્વરૂપ આપ્યું છે.
કર્મયોગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી/સેક્રેટરી શ્રી કાન્તી નાગડાએ કહ્યું હતું કે ‘કર્મયોગ ફાઉન્ડેશને A લેવલના વિદ્યાર્થીઓનું માત્ર સન્માન નહીં રોકડ ઇનામથી પ્રોત્સાહન આપવાની પ્રથા આરંભી છે તેનો મને આનંદ છે. વિદ્યાર્થીઓ આ નાણાનો ઉપયોગ વધુ અભ્યાસને આગળ વધારવા કરી શકે છે. એ હકીકત છે કે આ વાર્ષિક કાર્યક્રમ હવે ૨૦૧૬ના રાઉન્ડમાં A લેવલના વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે.’
કર્મયોગ ફાઉન્ડેશન શિક્ષણને ઉત્તેજન આપવા સહિત વિવિધ માનવીય સેવા પ્રવૃત્તિઓ માટે નોંધપાત્ર રકમો ફાળવતા બિઝનેસ દ્વારા નમ્ર પ્રયાસ છે.
લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે ‘હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે સરસ્વતી સન્માન કાર્યક્રમને સ્પોન્સર કરવાનો મને આનંદ છે. અન્ય એવોર્ડથી વિપરીત આ પ્રસંગ યુનાઇટેડ કિંગડમમાં આપણા વિદ્યાર્થીઓની નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિઓ કદર કરવા માટે છે. તમામ પેરન્ટ્સના દિલમાં બાળકોનું શિક્ષણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હું તેવા પરિવારોને જાણું છું જેમના સંતાનો સારી કારકિર્દીનું નિર્માણ કરી શકે તે માટે પોતાની કમાણીનું બલિદાન પણ આપ્યું છે. આપણે હવે જાણીએ છીએ કે તેઓ અન્ય તમામ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની સમકક્ષ બની શકશે. આ સારું કાર્ય છે. સરસ્વતીનો વરદ હસ્ત તમારા શિરે રહેશે. હવે લક્ષ્મી પણ પાછળ આવે તેવી આપણે આશા રાખીએ.’