લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના બેરોનેસ શ્રીલા ફ્લેધર તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી સી.બી. પટેલના વરદ હસ્તે કવિ યોગેશ પટેલને તેમના કાવ્યોની શ્રેષ્ઠતા, આજીવન પ્રાપ્ત સફળતાઓ અને વૈશ્વિક સાહિત્યિક સેવાઓ માટે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાઓમાં કરેલા પ્રદાનને ધ્યાનમાં લઇ વાતાયન સંસ્થા દ્વારા ગુરુવાર, ૧૯ મેએ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ સંસ્થા વર્ષોથી આંતરરાષ્ટ્રીય ધોરણે વૈશ્વિક હિન્દી સાહિત્ય માટે જાવેદ અખતર અને પ્રસુન જોષી સહિતના મહાનુભાવોને પણ પુરસ્કાર આપી ચૂકી છે. ટ્રોફી અને સન્માનપત્રથી નવાજતા સી.બી. પટેલે યોગશભાઈને શાલ ઓઢાડી હતી અને પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.
જાણીતા ભાષાશાસ્ત્રી અને જ્ઞાની કવિ પ્રાધ્યાપક જગદીશ દવેએ પ્રસંગોપાત યોગેશભાઈના કાવ્યોનું વિમોચન કરી એમના સાહિત્યનો આસ્વાદ કરાવ્યો હતો. યોગેશ પટેલ પછી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણે ભાષામાં કાવ્યપઠન કર્યું હતું. આ પ્રસંગે હિન્દી ભાષાના વિખ્યાત કવિઓ કુંવર બેચેન અને મધુ ચતુર્વેદીનું પણ તેમણે હિન્દી સાહિત્યમાં કરેલા પ્રદાન માટે સન્માન થયું હતું.
કવિ યોગેશ પટેલ અનેક વર્ષોથી સ્કાયલાર્ક નામ અંગ્રેજી સામયિક ચલાવે છે. તેમને ‘The Freedom of the City of London’ એવોર્ડ પણ કરાયો છે. સ્કોટીશ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એમને શ્રેષ્ઠ કાવ્ય માટે ડિપ્લોમાનો એવોર્ડ પણ મળ્યો છે. તેમનાં ગીતો હજુ પણ સ્થાનિક સનરાઇઝ, બીબીસી અને અન્ય રેડિયો પર સાંભળવા મળે છે. અનેક ગુજરાતી અખબારોમાં એમના લેખો પ્રસિદ્ધ થયાં છે. હાલ એમના વર્ડ મસાલા ફાઉન્ડેશન દ્વારા તેઓ જગતના અંગ્રેજીમાં લખતા ભારતીય કવિઓને પ્રોત્સાહિત કરે છે. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી સ્થાપનામાં તેઓ મૂળભૂત પાયા તરીકે અને એના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.