લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ દેશની કાઉન્ટર-ટેરરિઝમ નીતિની સમીક્ષા કરવાનું વચન ઉચ્ચાર્યું છે. નવી નીતિમાં પોલીસ અને સિક્યુરિટી સર્વિસીસને વધુ સત્તા તેમજ ઉગ્રવાદીઓને સખત સજાનો સમાવેશ કરાશે. ત્રણ મહિનામાં ત્રણ ત્રાસવાદી હુમલાના પગલે ચાર પોઈન્ટનો એક્શન પ્લાન રજૂ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘ઈનફ ઈઝ ઈનફ.’ વડા પ્રધાને સંકેત આપ્યો હતો કે વધુ કઠોર સજાઓ આપી શકાય તે માટે કોર્ટ્સને પણ વધુ સત્તા અપાશે.
બ્રિટન એક પ્રકારના ટેરર એટેક્સથી ભીંસાયું હોવાની ચેતવણી પણ તેમણે આપી હતી. માર્ચમાં વેસ્ટમિન્સ્ટર, ગયા મહિને માન્ચેસ્ટર અને શનિવારના લંડન હુમલાનો ઉલ્લેખ કરતા મેએ જણાવ્યું હતું કે ત્રણ હુમલા વચ્ચે સીધી કડી ન હોવાં છતાં ‘ટેરઝિઝમનો ઉછેર ટેરરિઝમ જ કરે છે.’ વડા પ્રધાને કહ્યું હતું કે ઈસ્લામિક કટ્ટરવાદની ‘દુષ્ટ વિચારધારા’ તરફ ઘણી સહિષ્ણુતા દાખવવામાં આવી છે. ઈન્ટરનેટ જાયન્ટ્સ બ્રિટન પર હુમલો કરવાની કટ્ટરતા સાથેના ઈસ્લામિસ્ટ ટેરરિસ્ટોને ‘સલામત સ્થળ’ આપી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા જાયન્ટ્સ પર આકરાં પ્રહાર કરતાં કહ્યું હતું કે ઉગ્રવાદીઓને ઓનલાઈન સલામત સ્પેસ નહિ આપવામાં તેઓ નિષ્ફળ ગયા છે. યુટ્યૂબ અને ફેસબૂક પર ટેરર મેન્યુઅલ્સ પ્રાપ્ય છે અને હેટ પ્રીચર્સ આરામથી સોશિયલ મીડિયા પર ઝેર ઓકી શકે છે. જો સોશિયલ મીડિયા જાયન્ટ્સ આ મુદ્દે પીછેહટ કરવાનું ચાલુ રાખશે તો તેમની પાસેથી મલ્ટિ-મિલિયન પાઉન્ડનો દંડ વસુલાય તેવી સ્થિતિ આવી શકે છે.