હેરોના વર્તમાન ડેપ્યુટી મેયર કાઉન્સિલર રેખા શાહ આગામી પ્રથમ નાગરિક બનશે અને ૧૯મી મેએ મેયરનો વિધિવત હોદ્દો સંભાળશે. હેરો કાઉન્સિલના ઉત્સાહી અને નિષ્ઠાવાન સભ્ય તરીકે રેખા શાહે ડેપ્યુટી મેયરના પદે એક વર્ષ ફરજ બજાવી છે. આ સમયગાળા દરમિયાન તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરવાનું તેમને ગૌરવ છે. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે તમે મેયર બનો અને સૌને તમારી પાસેથી અપેક્ષા હોય ત્યારે તમારે શ્રેષ્ઠ કામગીરી બજાવવી જોઈએ તે અતિ મહત્ત્વનું છે.
પેરન્ટ્સ અને ઉછેર
રેખા શાહનો જન્મ અને ઉછેર ભારતના મુંબઈમાં થયો હતો. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા. માતાએ સાત બાળકોને ઉછેરવાની મોટી જવાબદારી સુપેરે નિભાવી હતી. તેમણે જણાવ્યું હતું, ‘દરેકને માન આપવાનું અને સમાન ગણવાનું અમને શીખવાયું હતું. માતાએ અમને પારિવારિક મૂલ્યોની સમજ આપી હતી. અમે ભાઈ-બહેનો સાથે જ રમ્યાં, ભણ્યાં અને એકબીજા સાથે વિચારો શેર કર્યા. જોકે, હું બધાથી થોડીક અલગ હતી, મને અન્ય ભાઈ-બહેનો કરતાં સામાજિક થવાનું વધારે ગમતું હતું.’
‘અમે જીવનમાં સારું કામ કરીએ તેમ મારા પિતા ઈચ્છતા હતા. મારી સમક્ષ જીવનમાં આગળ વધવાનો પડકાર હતો. હું ૧૯૭૮માં લંડન – હેરો-આવી અને સ્કૂલના સમયથી મારાં પરિચિત નવિન (શાહ)ને પરણી હતી. અમારે બે સંતાનો અને સુંદર પૌત્રી ‘આમારી’ છે. મારી પુત્રી અનેકા હેરોમાં કેન્ટનની કાઉન્સિલર છે અને પુત્ર સોલિસિટર છે.’
રેખા શાહની કારકિર્દી
રેખા શાહે બાળકો મોટા થયા બાદ ૨૦થી વધુ વર્ષ સુધી બ્રેન્ટ કાઉન્સિલમાં સોશિયલ વર્કર તરીકે ફરજ બજાવી હતી. તેમણે જણાવ્યું હતું,‘ મેં એશિયન મેન્ટલ હેલ્થ ડે સેન્ટરમાં દસ વર્ષ કામ કર્યું હતું અને સર્વિસ યુઝર્સના પુનઃવસન માટે મારાથી બનતી શ્રેષ્ઠ સેવા આપી હતી. આ દરમિયાન મને અભ્યાસની તક મળી અને મેં ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ, કાઉન્સેલિંગ કોર્સ અને અન્ય જુદા જુદા કોર્સ કર્યાં હતાં.’
તેમણે ઉમેર્યું હતું, ‘પતિ નવિન ૧૯૯૪માં લોકલ કાઉન્સિલર બન્યા ત્યારથી અમારા પરિવારની સક્રિય રાજકારણ તરફની યાત્રા શરૂ થઈ હતી. લેબર પાર્ટીના સભ્ય તરીકે હું ફંડ રેઈઝિંગના કાર્યક્રમો યોજીને તેમાં ભાગ લેતી હતી અને લોકલ પોલિટિક્સમાં પરોક્ષ રીતે સંકળાઈ હતી.’ રેખા શાહે કોમ્યુનિટી સર્વિસ માટે સક્રિય ભૂમિકા ભજવવાનો નિર્ણય લીધો અને ૧૪ વર્ષ અગાઉ તેઓ હેરોમાં કાઉન્સિલર બન્યાં હતાં. તેમણે ઘણી કમિટીમાં ફરજ બજાવી હતી.
મેયર તરીકેનું વર્ષ
રેખા શાહે જણાવ્યું હતું, ‘હેરોના મેયર તરીકે હું હેરોની પ્રથમ નાગરિક બનીશ અને હેરોમાં આપણી વૈવિધ્યપૂર્ણ અને સંગઠિત કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરવા તેમજ લોકોની સેવા અને મદદ માટે કાર્યરત સંખ્યાબંધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કામ કરીશ. મેયરપદે મારી ટર્મમાં હું કેટલીક લોકલ ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવાનું વિચારું છું અને તેમાં મદદ માટે બધાને અપીલ કરું છું. સંખ્યાબંધ કાર્યક્રમોમાં ભાગ લેવા અને હેરોના એમ્બેસેડર તરીકેના કાર્યમાં ટાઈમ મેનેજમેન્ટ મારાં માટે પડકાર બનશે. પરંતુ, સ્ટાફ, પરિવાર અને સાથી સભ્યોની ખૂબ મદદ મળશે. હું એશિયન મહિલાઓને કહેવા માંગુ છું કે તેઓ કોમ્યુનિટી વર્ક અને પોલિટિક્સમાં જોડાય. હું જાણું છું કે પરિવારની દેખરેખ અને આપણને સોંપાયેલુ કામકાજ સંભાળવું આપણા માટે અઘરું છે, પરંતુ, આપણે સમય કાઢીને સહનાગરિકો માટે કામ કરીએ તે પણ તેટલું જ મહત્ત્વનું છે.’
વ્યસ્ત રાજકારણીના સમર્પિત પત્ની, દાદીમા અને માતા બનવાની સાથોસાથ નિષ્ઠાવાન મેયર બનવાનું સહેલું નથી, પરંતુ, રેખા શાહ આપણા પૈકી ઘણી વ્યક્તિ માટે એક આદર્શ છે અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તેમને શુભેચ્છા પાઠવે છે.