હેરોના કન્ઝર્વેટીવ કાઉન્સિલર વીણાબેન વિપીનભાઇ મીઠાણીએ ગુરૂવાર ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ૬૫ વર્ષની વયે અરિહંતનું શરણું સ્વીકાર્યું છે. સદ્ગત છેલ્લા કેટલાક વર્ષોથી બહાદૂરીપૂર્વક કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. એમનો દયાળુ- માયાળુ -મળતાવડો અને સેવાભાવી સ્વભાવ તથા સમાજ માટે આપેલ અનુદાન ચિરસ્મરણીય રહેશે. માઇક્રોબાયોલોજી અને જીનેટીક્સ ક્ષેત્રે સદ્ગતે આપેલ અનુદાન અનન્ય છે. સદ્ગતના અવસાનથી કુટુંબીજનો, મિત્રો અને સમગ્ર સમાજમાં ન પૂરાય એવી ખોટ પડી છે. સદ્ગતની વર્ચ્યુઅલ પ્રાર્થના સભા ૧૩ ઓક્ટોબરના રોજ યોજાઇ જેમાં મોટી સંખ્યામાં એમના સ્વજનો અને ચાહકોએ હાજર રહી ભાવભરી અંજલિ અર્પી હતી.
જીવન ઝરમર : વીણાબેન મીઠાણીનો જન્મ એડીસબાબા, ઇથોપીયામાં થયો હતો. એમના પિતાશ્રી સ્વ.સૂર્યકાન્ત કોઠારી માતા શ્રીમતી નલિનીબેન કોઠારીના બે દિકરા અને બે દિકરીઓમાંના એક વીણાબેનમાં નેતાગીરીના ગુણો નાનપણથી જ હતા. ૧૯૫૬માં ૧૪ વર્ષની વયે વધુ અભ્યાસ અર્થે લંડન આવ્યાં હતાં. માઇક્રોબાયોલોજી અને જીનેટીક્સમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિશ્વના આરોગ્યને લગતા વિવિધ મહત્વપૂર્ણ વિષયો જેવા કે, એનથ્રેક્સ, ફુડ ટોક્સીન્સ અને એ સંબંધિત રોગો વગેરેના સંશોધન કાર્યમાં અણમોલ પ્રદાન કર્યું છે. તાજેતરમાં કોરોના વાયરસના ટેસ્ટ કરતી લેબોરેટરીઓના સ્તરની યોગ્યતા ચકાસવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. એમણે કેટલીક નોંધપાત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં લેક્ચર્સ આપી પોતાના જ્ઞાનની વહેંચણ કરવામાં અને પ્રોગ્રામોના સર્જન તેમજ એ ક્ષેત્રમાં પ્રવેશનારાઓને તાલીમ પણ આપેલ છે.
૨૦૦૨માં તેઓ જાહેર જીવનમાં સક્રિય બન્યાં. લંડન બરો ઓફ હેરોનો કેન્ટન વેસ્ટ વોર્ડ જે લેબરનો પરંપરાગત હતો એમાંથી ટોરી કાઉન્સિલર તરીકે ચૂંટાયાં. ત્યારથી નિયમિત એ વોર્ડમાંથી ચૂંટાતાં આવ્યાં છે. સદ્ગતે ઘણી બધી કમિટીઓમાં કેબીનેટ લેવલે કામ કરી લોકપ્રિયતા મેળવેલ છે.
સંખ્યાબંધ સ્થાનિક રહેવાસીઓ અને સહકાર્યકરોના દિલમાં તેઓ દયાળુ, માયાળુ, મહેનતુ અને માનવંતા કાઉન્સિલર તરીકે ચિરસ્મરણીય રહેશે. સ્થાનિક બે સ્કુલોના ગવર્નર તરીકે પણ સેવા સાદર કરી છે.
ભારતીય અને ઇથોપીયન કોમ્યુનિટીને હંમેશા પોતાનો મજબૂત ટેકો આપતા હતા.એક વખત ઇથોપીયનના નવા વર્ષની ઉજવણી ટ્રફાલ્ગર સ્કેવરમાં હતી ત્યારે ૧૦,૦૦૦ ઇથોપીયનોને સંબોધ્યાં હતાં.
પુરુષ પ્રધાન સમાજમાં એમણે યુવા એશિયન મહિલાઓને આગળ આવવા પ્રેરણા આપી છે. એમની સામાજિક અને પ્રોફેશ્નલ કારકિર્દિમાં પતિશ્રી વિપીનભાઇ મીઠાણીનું યોગદાન નોંધનીય છે.
પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત આત્માને સદ્ગતિ અને ચિર શાંતિ બક્ષે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી "ગુજરાત સમાચાર" પરિવારની પ્રાર્થના.
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: