લંડનઃ નાની વાતમાં ગુસ્સામાં આવી અન્ય મહિલાનો કાન કરડી લેનારી અને તેના પેટમાં મુક્કાઓનો વરસાદ વરસાવનારી ૨૭ વર્ષીય શોલ હેમન્ડને સધર્ક ક્રાઉન કોર્ટે સોમવાર, ૧૮ ડિસેમ્બરે પાંચ વર્ષના જેલવાસની સજા ફરમાવી છે. આ કોર્ટમાં ઓક્ટોબર મહિનાની ટ્રાયલમાં તેને દોષિત ઠરાવાઈ હતી.
રવિવાર ૧૯ માર્ચની ઘટનામાં પ્રૌઢ મહિલા અન્ય લોકો સાથે રોડ ઓળંગી રહી હતી ત્યારે કારમાં પસાર થતી શોલ હેમન્ડે સતત હોર્ન વગાડ્યું હતું. હેમન્ડ ફોન પર વાત કરી રહી હતી ત્યારે પીડિતાએ તેને ફોન પર વાત બંધ કરવા સલાહ આપી હતી. આથી, ગુસ્સે થયેલી હેમન્ડે પહેલા તો અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં અને પછી કારમાંથી ઉતરી પીડિતાને મુક્કાથી ફટકારી હતી. આ પછી તેનો કાન પણ કરડી લીધો હતો. કાનનો હિસ્સો પણ તેના મોંમાં આવી જતાં તે થુંકી દઈને કારમાં નાસી ગઈ હતી.
વેસ્ટમિન્સ્ટર સીઆઈડી પોલીસે તપાસ કરી હેમન્ડને ઝડપી લીધી હતી અને તેની સામે ત્રીજી મેએ અકારણ હુમલા અને ગંભીર શારીરિક ઈજાના આરોપો લગાવ્યા હતા.